Team Chabuk-Sports Desk: દિગીશ મહેતાએ નવલકથા આપણો ઘડીક સંગની શરૂઆત રેલવે સ્ટેશનમાં નવું લોહી આવે છે અને જૂનું લોહી જાય છે ત્યાંથી કરી છે. રમત જગત અનિશ્ચિતતાની સૃષ્ટી છે. ક્રિકેટ આપણા લોહીમાં છે. નવું લોહી હજુ બરાબરનું ચડ્યું ન હોય ત્યાં તો બીજું નવું લોહી એ થોડા જૂના લોહીને તગડવા માટે બોલ અને ધોકો લઈ તૈયાર ઉભું હોય.
સૌરવ ગાંગુલીએ પોતાની આત્મકથા વન સેન્ચુરી ઈઝ નોટ ઈનફમાં ટાંકેલા વિધાનનો અહીં શબ્દેશ ગુજરાતીમાં અનુવાદ મૂકીએ છીએ, ‘તમારામાંથી મોટાભાગના લોકો સરળતાથી વ્યવસાય બદલી શકો છો. જો તમે અંબાણી સાથે ખુશ નથી, તો ટાટામાં નોકરી શરું કરી શકો છો, જો ટાટા તમને નથી સ્વીકારતા, તો તમે ઈન્ફોસિસનો માર્ગ પકડો છો. તમારા માટે હજાર રસ્તા છે. પણ અમારા ક્રિકેટરોની પાસે માત્ર એક જ વિકલ્પ છે અને એ છે દેશની ટીમમાં પસંદગી. એ સ્પષ્ટ વાત છે, ભારત માટે રમો અન્યથા ખાલી બેસો.’
90ના દાયકામાં શ્રીલંકામાં રમાયેલી ટેસ્ટ મેચ એ ભારતના ખેલાડીઓ માટે દુ:સ્વપ્ન સમાન સાબિત થયેલી. એક એવો ભયંકર ઓથાર જેની કામના બેટીંગ કરવા માટે આગન્તુક તમામ ટીમો કરતી હોય છે, પણ ક્ષેત્ર રક્ષણ માટે ઉતરવા થનગનતી કોઈ ટીમ કરતી નથી. સૌરવે પોતાની આત્મકથામાં નોંધ્યું છે, ‘શ્રીલંકામાં રાજકીય સ્તરે મોટી ઉથલ પાથલ ચાલી રહી હતી. અમે મેદાનની બહાર અસુરક્ષિત હતા, પણ મેદાનની અંદર કોણ બચાવી શકવાનું હતું, જ્યારે સામે જયસૂર્યા અને અરવિંદ ડિ સિલ્વા જેવા ખતરનાક બેટર હોય.’
શ્રીલંકાએ 952 રનનો તોતિંગ સ્કોર ઉભો કરી દીધો. જે વિક્રમ આજે પણ અજય છે. ફિલ્ડરો અને બોલરો હાથ ઘસતા રહી ગયા. જયસૂર્યાએ મેદાનમાં આતશબાજી કરતાં 340 રન ઠોકી દીધા. શ્રીલંકાની ટીમ વારંવાર ઉજવણી કરી રહી હતી અને ભારત ઉત્સાહભંગ લાગી રહ્યું હતું. કેપ્ટન તેંડુલકરની સાથે મળી ટીમે નક્કી કર્યું કે બધાએ એક સાથે એક રૂમમાં એકઠું થવું, આખી મેચનું પોસ્ટમોર્ટમ કરવું, આપણી અને વિરોધીઓની ભૂલ પરથી બોધપાઠ લેવો.
ટીમે ‘ઓપરેશન જયસૂર્યા’ની વ્યૂહરચના ઘડી કાઢી. જયસૂર્યા કઈ કઈ જગ્યાએ શોટ્સ નથી ફટકારી શકતો. જ્યાં સૌથી વધારે ફટકારે છે ત્યાં ક્ષેત્ર રક્ષકો મજબૂત રાખવા. એવી ભિન્ન ભિન્ન નબળી કડીઓનું વિશ્લેષણ કર્યું. ટીમે નક્કી કર્યું કે, જયસૂર્યાને પ્રથમ તો રન ન બનાવવા દેવા જેથી તે વ્યગ્ર થઈ જાય. જેની જવાબદારીનો કળશ ફાસ્ટ બોલર વેંકટેશ ઉપર ઢોળી દેવામાં આવ્યો. વેંકટેશને બોલિંગની લંબાઈમાં થોડું પરિવર્તન આણવાનું હતું. હવે મેદાનમાં ભારતીય બોલિંગનો સૂર્યોદય થશે એવી અનુભૂતિ બેઠક પત્યા બાદ સૌને થઈ રહી હતી.
બીજી સવારે વેંકટેશના હાથમાં બોલિંગ હતી. એણે સુનિયોજીત રણનીતિ મુજબ ગુડ લેન્થ પર બોલિંગ કરી અને જયસૂર્યાએ સ્ક્વાયર લેગ ઉપરથી ફ્લિક કરતા બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડી દીધો. ટીમ ફરી હતાશાના કોઠાયુદ્ધમાં ફસાઈ ગઈ. સૌરવ અને દ્રવિડ મેચ દરમ્યાન મોટાભાગનો સમય શોર્ટલેગ પર કે સિલ્લી પોંઈન્ટ પર રહ્યા. જયસૂર્યાનો દરેક શોટ દ્રવિડ અને સૌરવને ઘાયલ કરવા માટે હોઈ એવું લાગતું હતું. જયસૂર્યાએ ચાલીસથી વધારે સ્વીપ શોટ ફટકાર્યા. જ્યારે જ્યારે એ કોઈ મોટો શોટ રમતો ત્યારે ત્યારે દ્રવિડ અને સૌરવ એકબીજાની સામે જોઈ નાઉમેદ ભર્યું હસતા. સૌરવના મનમાં એક જ વિચાર ઉદ્દભવી રહ્યો હતો, ‘હું લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર થઈ જવાનો છું.’
ટીમ પાસે ત્રણ સ્પિનર ઉપલબ્ધ હતા. અનિલ કુંબલે, રાજેશ ચૌહાણ અને નીલેશ કુલકર્ણી. નીલેશ હોટલમાં સૌરવની સાથે રહેતો હતો. ભારતે પ્રથમ ઈનિંગમાં સુકાની સચિન, સિદ્ધુ અને અઝરુદ્દીનની સદીની સહાયતાથી 537 રન ખડકી દીધાં હતાં. નીલેશે માર્વન અટપટ્ટુની વિકેટ ઝડપથી લેતા શ્રીલંકાનો સ્કોર 39-1 હતો. અટપટ્ટુને 26 રન પર ચાલતો કરી નીલેશે આંતરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં પોતની પ્રથમ વિકેટ લીધી હતી. એ સાંજે હોટલમાં તેનો અનેરો આત્મવિશ્વાસ છલકાતો જોઈ સૌરવને પણ લાગતું હતું કે આવતીકાલે નીલેશ શ્રીલંકન ટીમને પારોઠના પગલાં કરાવશે, પણ થયું તેનાથી ઉલટું.
પાર્ટ ટાઈમ બોલર સૌરવે 53 રન આપી 2 વિકેટ ઝડપી હતી, તેણે જ જયસૂર્યાનો કેચ પકડ્યો હતો. જ્યારે સ્પિનર નીલેશે 195 રન આપી માત્ર 1 વિકેટ લીધી હતી. સૌરવે આત્મકથામાં નીલેશના સ્વભાવનું વર્ણન કર્યું છે. એ શાંત સ્વભાવનો હતો પણ એ દિવસે વિકેટ ન મળતા અને અઢળક રન ખર્ચી દેવાના કારણે એ કોપિત બની હોટલના રૂમમાં પ્રવેશ્યો. તેણે મરાઠીમાં મા ઉપર ગાળ દીધી અને જયસૂર્યાને આઉટ કેમ કરવો? એવું જોરથી બરાડી લમણે હાથ રાખી બેસી ગયો. એ પછી નીલેશ કોઈ દિવસ ભારતની ટીમ માટે રમી ન શક્યો. નીલેશે ત્રણ ટેસ્ટ રમી, જેમાં તેણે 738 બોલ ફેંક્યા અને 2 વિકેટ લીધી. એક તમને ખ્યાલ છે બીજી તમે શોધી લેજો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત