Team Chabuk– Entertainment Desk : 1993માં અનિતા દેસાઈની બુકર નામાંકિત નવલકથા પર આધારિત ફિલ્મ એટલે ઈન કસ્ટડી (In Custody). કસ્ટડી એટલે કબ્જો, જાપ્તો, કેદ. ઓમ પુરી, શબાના આઝમી, સુષ્મા શેઠ અને શશી કપૂર જેવા દિગ્ગજ કલાકારો. આ ફિલ્મ માટે કપૂરને રાષ્ટ્રીય પુરુસ્કારથી સન્માનિત કરવામાં આવેલા. શશી હંમેશાં કપૂર ખાનદાનના સૌથી અલગ કલાકાર રહ્યા છે. એમણે અંગ્રેજ કલાકારો સાથે કામ કર્યું, નવલકથા પરથી ફિલ્મો બની એમાં પણ કામ કર્યું, આર્ટ ફિલ્મો પણ કરી અને ધંધો રળી આપતી ફિલ્મો પણ એમણે પોતાના નામના દમ ઉપર ચલાવી બતાવી.
ફિલ્મ પણ સિનેમાના બીજા બે ક્ષેત્રોમાં રાષ્ટ્રીય એવોર્ડ ખેંચી ગયેલી. એવું શું છે આ ફિલ્મમાં? કે પ્રથમ તો એ બીજી બધી નિષ્ફળ ફિલ્મો જેવી સામાન્ય ફિલ્મ લાગે, પછી એ હસાવે અને પછી એ ભરપૂર રડાવે. ફિલ્મમાં નૂર સાહેબને પ્યારા એવા કબૂતરો આકાશમાં વિહરવા માટે સ્વતંત્ર થઈ જાય છે, પરંતુ દર્શક એની અસરમાંથી મુક્ત નથી થઈ શકતો.
મુરાદ નામનો એક સામાયિકનો તંત્રી છે. એની અને ઓમ પુરી અર્થાત્ દેવેન શર્માની એકાએક કોલેજની બહાર ભેટ થઈ જાય છે. દેવેન હિન્દીનો અધ્યાપક છે. સાહિત્યની વાત વાતમાં મુરાદ દેવેનને એક ઇન્ટરવ્યૂ લેવાનું કામ સોંપે છે. ઇન્ટરવ્યૂ લેવાનું છે મહાન ગઝલકાર શ્રી નૂર સાહેબનું. એમની બે બેગમો પણ એમના વિશાળ ઘરમાં રહે છે. જે ઘર કમ હવેલી છે. રાત્રે કેટલાક મિત્રો આવી શેરો શાયરી, બિરયાની અને શબાબની ધૂમ મચાવે છે. હવે શાયર સાહેબમાં પહેલા જેવો દમ નથી રહ્યો. દેવેન શર્મા જે રીતે ઇન્ટરવ્યૂ માટે ધમપછાડા મારે છે એની જ આ આખી દાસ્તાન છે. આર્ટ અને મનોરંજનનો સુગમ સમન્વય.
એક કલાક અને ચાળીસ મિનિટ આસપાસની ફિલ્મમાં સાહિત્યની દુર્દશા ઉપર વ્યંગ કરવામાં આવ્યો છે. ખાસ તો ઉર્દુની ડૂબતી નૈયાને દર્શકોએ જોવાની છે. ઉર્દુ અને હિન્દીની સામે અંગ્રેજીને રાખી કેટલાક જડબાતોડ સંવાદો રજૂ કરવામાં આવ્યા છે. જાણે દરેક કલાકારનો જન્મ જ આ ફિલ્મમાં અભિનય કરવા માટે થયો હોય એવું દર્શક તરીકે લાગી આવે.

કલાત્મકતા દર્શાવવા માટે બે વસ્તુઓનો સહારો લીધો છે. એક તો ઈમારત જે તૂટી રહી છે અને બીજું કબૂતરો જે નૂર સાહેબને પોતાના જીવથી પણ વધારે વ્હાલા છે. નૂર સાહેબના શરીરનું સ્વાસ્થ્ય કથળતું જાય અને ઈમારત પણ તૂટતી જાય. કબૂતરોને ઈમ્તિયાઝ બેગમ જ્યારે ગુસ્સામાં આકાશમાં ખુલ્લા મુકી દે છે ત્યારે આપણે સમજી જવાનું છે કે અંત શું હશે?
ઇન્ટરવ્યૂમાં મધ્યવર્તી રહેલા અને જેમણે દેવેનને પોરસ ચડાવ્યું એ સિદ્દીકી સાહેબને ફિલ્મના ક્લાઇમેક્સમાં તૂટી રહેલી પોતાની ઈમારતમાં રસ છે, જેમને પહેલા નૂર સાહેબમાં અને એમના સાક્ષાત્કારમાં ભરપૂર રસ હતો. એ તૂટી રહેલી ઈમારતને કોઈ વેપારીએ ખરીદી છે અને હવે ત્યાં વિશાળ બિલ્ડીંગ બનશે. નીચે અલમસ્ત દુકાનો હશે. જેનો અર્થ થયો કે હવે નવાનો જમાનો આવવાનો છે જૂનાનો ગયો! દેવેન એમની પાસે આવી નૂર સાહેબની શાયરીઓની કસ્ટડીની વાત કરે છે ત્યારે પણ એ ધ્યાન નથી આપતા અને ઈમારત તૂટતી રહે છે. નવલકથામાં પણ આ રીતે જ લખાયું છે અને ફિલ્મમાં પણ આ રીતે જ દર્શાવવામાં આવ્યું છે.
આ ફિલ્મ Never meet your heroesની વ્યાખ્યાને સિદ્ધ કરી બતાવે છે. એક જમાનાનો મશહૂર શાયર પણ ગજબનો ધૂની માણસ! એની બીજી બેગમ તો કોઠામાંથી આવેલી. પરિવારમાં ધ્યાન નથી આપતો. બીજી બેગમના ગાયન ઉપર તેની જિંદગી નભેલી છે. બિરયાની ખાવાનો શૌકીન છે. એ પણ ચોક્કસ જગ્યાની. આગંતુક મહેમાનની ઠેકડી ઉડાવે છે. અને તોય દેવેનનું નૂર સાહેબ પ્રત્યેનું ઓબ્સેશન ઉતરતું નથી. દેવેનનો જ સંવાદ કે એમને તો નોબલ પણ મળી શકે! એક લેખક પ્રત્યે એના ભાવકની કેટલી આંધળી ભક્તિ! પાત્રને મોહ છે. એને પોતાનું ગમે તે રીતે કામ કઢાવવું છે. એ કામ કઢાવવા માટે જે લાંબી માથાકૂટ થાય છે અને કોલેજના પૈસા વપરાય છે તે આ ફિલ્મ. ફિલ્મનો લાંબો અંશ કે ફિલ્મનું કેન્દ્રબિંદુ એ આ ઘટના જ છે. શાયર, શાયરની વર્તુણક, શાયરની જિંદગી, શાયરની જાહોજલાલી જોવાની છે.
ફિલ્મમાં બે શાયરની વાત છે. એટલે નારીવાદી મુદ્દો પણ આવરી લેવાયો છે. શું પુરુષ જ શાયર હોઈ શકે? સ્ત્રી નહીં? બેગમની શાયરીમાં નૂર સાહેબની અનુકૃતિ દેખાતી હોય છે. નૂર સાહેબની શાયરીમાં તેમના પૂરોગામીઓની અનુકૃતિ દેખાતી હોય છે. કોઈ કલાકાર કોઈ બીજા કલાકારથી ઓછા વત્તા અંશે પ્રેરિત તો હોવાનો જ.
ફિલ્મ રિલીઝ થયા પૂર્વે આ ફાની દુનિયાને છોડી ચાલ્યા જનારા મશહૂર પાકિસ્તાની શાયર ફૈઝ અહેમદ ફૈઝની કેટલીય શાયરીઓ કાલ્પનિક પાત્ર નૂર માટે વાપરવામાં આવી છે. એવી રીતે ભારતના શાયર અને ફિલ્મની અભિનેત્રી શબાના આઝમીના પિતા કૈફી આઝમીની શાયરીઓ પણ યુઝ કરવામાં આવી છે. અંગ્રેજી કવિ જ્હોન કિટ્સ પણ શબ્દોમાં ઉપસ્થિત છે. અહીંથી ચાબુક અટકી જવાનું ઇચ્છે છે, કારણ કે બધું કહી દેશે તો તમે શું ઉકેલશો?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત