Team Chabuk-Sports Desk: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ટી ટ્વેન્ટી વિશ્વકપનો મહામુકાબલો રમાશે. સાંજના સાડા સાત વાગ્યે દુબઈના આંતરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમો માટે આ મેચ મહત્વપૂર્ણ છે. બંને ટીમને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. જેથી કોહલી બ્રિગેડ પ્રથમ જીત અને સેમીફાઈનલ પ્રવેશના ઈરાદા સાથે મેદાન પર ઉતરશે. ભારત અને ન્યૂઝીલેન્ડમાંથી જે ટીમ મેચ જીતશે એ સેમીફાઈનલ માટે પોતાનો દાવો મજબૂત કરી દેશે. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી પોતાના નામે ત્રણ મોટા રેકોર્ડ કરી શકે છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમનો કિર્તીમાન પણ આજે ખતરામાં છે.

બાબર આઝમનો કિર્તીમાન તૂટશે
કોહલી પાકિસ્તાન-અફઘાનિસ્તાનની મેચ પહેલા ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં કેપ્ટન તરીકે સર્વાધિક પચાસથી વધારે રનનો સ્કોર કરનારો ખેલાડી હતા. જોકે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે અફઘાનિસ્તાનની સામે હાફ સેન્ચુરી ફટકારી વિરાટના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. હવે વિરાટ મેદાનમાં ફરી એ કિર્તીમાન પોતાના નામે કરી શકે છે. વિરાટ અને બાબર કેપ્ટન તરીકે સર્વાધિક હાફ સેન્ચુરી ફટકારવામાં પ્રથમ સ્થાન પર છે. બીજા સ્થાન પર ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન છે. ચોથા નંબર પર ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન એરોન ફિન્ચ છે.

6 ચોગ્ગાની આવશ્યકતા
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પાસે એક મોટો રેકોર્ડ કરવાની તક છે. ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં કોહલીએ અત્યાર સુધી 290 ચોગ્ગા ફટકાર્યા છે. આ લિસ્ટમાં તે બીજા પાયદાન પર છે. જો કોહલી મેચમાં છ ચોગ્ગા ફટકારે છે તો એ ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં સર્વાધિક ચોગ્ગા ફટકારનારો ખેલાડી બની જશે. દસ ચોગ્ગા ફટકારતા જ વિરાટ કોહલી 300 ચોગ્ગા ફટકારનારો વિશ્વનો પ્રથમ ક્રિકેટર બની જશે. હાલ આર્યલેન્ડનો પોલ સ્ટર્લિંગ 295 ચોગ્ગા સાથે ટોપ પર છે. તેની ટીમ વિશ્વકપની હરિફાઈમાંથી ફેંકાઈ ચૂકી છે.

ગુપ્ટિલ અને રોહિતને ત્રણ હજાર રન પૂર્ણ કરવાની તક
પાકિસ્તાનની વિરૂદ્ધ વિરાટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે મુશ્કેલમાં ફસાયેલી ભારતીય ટીમને બહાર લાવવા કેપ્ટન ઈનિંગ રમી સંકટમોચકની ભૂમિકા ભજવી હતી. 49 બોલમાં 57 રનની ઈનિંગમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. કોહલી પોતાના આ ફોર્મને આજે પણ સાતત્યપૂર્ણ પ્રદર્શનના સહારે આગળ વધારવા ઈચ્છશે, તેમાં બેમત નથી. ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીયમાં કોહલીના નામે હાલ 3216 રન છે. તો બીજી બાજુ મેચમાં માર્ટિન ગુપ્ટિલ અને રોહિત શર્માની પાસે ત્રણ હજાર રન પૂર્ણ કરવાની તક છે.

9 સિક્સની જરૂર
વિરાટ કોહલી પાસે વધુ એક રેકોર્ડ બનાવવાની તક છે. કોહલી 91 ટી ટ્વેન્ટી આંતરાષ્ટ્રીય મેચમાં 91 છગ્ગા લગાવી ચૂક્યો છે. 9 સિક્સ ફટકારતાની સાથે જ તે 100 સિક્સનો આંકડો પૂર્ણ કરી લેશે. આ રેકોર્ડ આજ પૂર્ણ થાય આ માટે વિરાટ કોહલી પાસેથી એક વિસ્ફોટક ઈનિંગની અપેક્ષા રાખવી પડે. 100 સિક્સ પૂર્ણ કરનારો આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં તે આઠમાં નંબરનો બેટ્સમેન બની જશે. આ પહેલા માર્ટિન ગુપ્ટિલ, રોહિત શર્મા, ઈયોન મોર્ગન, એવિન લુઈસ, એરોન ફિંચ અને કોલિન મુનરો આ કિર્તીમાન રચી ચૂક્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત