Team Chabuk-Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓવલમાં રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં ભારતે જીત પ્રાપ્ત કરી વિરોધી ટીમને હતભ્રત કરી દીધી હતી. પોતાની પ્રથમ ઈનિંગમાં 191 રનમાં ઓલઆઉટ થઈ જનારી ટીમ બીજા દિવસે 99 રનથી પાછળ હતી. ભારતીય ટીમે જે રીતે મેદાનમાં પુનરાગમન કર્યું એ વિશ્વ ક્રિકેટ માટે ચોંકાવનારું સાબિત થયું હતું. ઓવેલના ઐતિહાસિક મેદાનમાં ભારત છેલ્લે 1971માં જીત્યું હતું. જેથી ભારતીય ટીમના જીતના ચાન્સિસ એટલા નહોતા. ભારતે એ તમામ ગુણાકાર ભાગાકારનો છેદ ઉડાવી દઈ 50 વર્ષ બાદ ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી છે. હાલ પાંચ ટેસ્ટ મેચની સિરીઝમાં ભારત 2-1થી આગળ ચાલી રહ્યું છે. સિરીઝની અંતિમ મેચ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે. હવે જો ભારત મેચ જીતે છે તો સિરીઝ પર કબ્જો. ડ્રો કરાવે છે તોપણ સિરીઝ પર કબ્જો અને જો ઈંગ્લેન્ડ જીતે છે તો શ્રેણી સરભર રહેશે.
મેચના અંતિમ દિવસે ભારત અને ઈંગ્લેન્ડની ટીમ જ્યારે મેદાનમાં ઉતરી ત્યારે બંને ટીમ બરાબરી પર જીતની દાવેદાર માનવામાં આવી રહી હતી. ભારતને ઈંગ્લેન્ડની દસ વિકેટ લેવાની હતી. સામે ઈંગ્લેન્ડને જીતવા માટે 291 રનની આવશ્યકતા હતી. ઈંગ્લેન્ડ જીતની મોટી દાવેદાર માનવામાં આવતી હતી. મેચના ચોથા દિવસની રમતમાં તો ઈંગ્લેન્ડે વગર નુકસાને 77 રન બનાવી ભારતીય ટીમને પ્રેશરમાં લાવી દીધી હતી. અંતિમ દિવસની શરૂઆત થઈ ત્યારે બંને બેટ્સમેનો ટીમને 100 રનની પાર લઈ ગયાં હતાં. રોરી બર્ન્સે પોતાની હાફ સેન્ચુરી પણ પૂરી કરી લીધી હતી. ડ્રિન્ક બ્રેક પહેલા જ શાર્દુલ ઠાકુરે રોરી બર્ન્સ નામનો ઝટકો ઈંગ્લેન્ડને આપ્યો હતો.
ડેવિડ મલાન તાલમેલના અભાવના કારણે માત્ર 5 રનના સ્કોર પર રનઆઉટ થયો હતો. લંચ બાદ મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમની બોલિંગ કમાન અનુભવી રવીન્દ્ર જાડેજા અને જસપ્રીત બુમરાહે સંભાળી હતી. એક તરફ ફાસ્ટ બોલિંગનું આક્રમણ અને બીજી બાજુ સ્પીન બોલિંગના ચક્કરમાં ઈંગ્લેન્ડની ટીમમાં ભૂકંપ આવી ગયો. 62મી ઓવરમાં 63 રનના સ્કોર પર અદભુત રમતનું પ્રદર્શન કરી રહેલા હસીબ હમીદને રવીન્દ્ર જાડેજાએ બોલ્ડ કરી દીધો.
હસીબની વિકેટ મળ્યા બાદ ઓલી પોપ અને જોની બેયરસ્ટો મેદાનમાં કોઈ કરામત નહોતા કરી શક્યા. બુમરાહે આ બંને ખેલાડીઓને પવેલિયનનો રસ્તો બતાવ્યો. એ બાદ મોઈન અલી પણ શૂન્ય પર આઉટ થઈ જતા ઈંગ્લેન્ડની ટીમને ધોળા દિવસે તારા દેખાવા લાગ્યા. પ્રથમ વિકેટ માટે 100 રનની ભાગીદારી નોંધવનારી ઈંગ્લેન્ડની ટીમ 150 રનના સામાન્ય સ્કોર પર 6 આધારભુત બેટ્સમેનો ગુમાવતા ધબડક થઈ ગઈ. ટીમે મેચમાં ફરવાનો પ્રયાસ કર્યો જોકે તેમનો આ પ્રયાસ શાર્દુલ ઠાકુરે નિષ્ફળ કરી દીધો હતો. ટી બ્રેક પહેલા જ અંગ્રેજોની ટીમ સાત વિકેટ ગુમાવી ચૂકી હતી.
અંતિમ સેશનમાં ઉમેશ યાદવે પ્રથમ ક્રિસ વોક્સ 18 રન, ક્રેગ ઓવરટનને દસ રન, અને જેમ્સ એન્ડરસનને 2 રન પર આઉટ કરી ભારતીય ટીમને ઐતિહાસિક જીત અપાવી દીધી હતી. આ મેચમાં ઈંગ્લેન્ડ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી હતી. ઘર આંગણાનો ફાયદો ઉપરથી તેણે ટોસ પણ જીત્યો હતો અને ભારતને પ્રથમ બેટીંગ માટે આમંત્રિત પણ કર્યાં હતાં. આ નિર્ણયના પણ તેમને મીઠા ફળ મળ્યા હતા. જોકે ભારતના ખેલાડીઓના પુનરાગમને ઈંગ્લેન્ડની ટીમને વિપરિત પરિસ્થિતિમાં ચિત્ત કરી દીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત