Team Chabuk-National Desk: મહારાષ્ટ્રમાં ચોમાસુ આફત બની ઉમટ્યું છે. રાજ્યના અનેક વિસ્તારો ભારે વરસાદના કારણે ટાપુમાં તબ્દિલ થઈ ગયા છે. હજુ પણ સ્થિતિમાં કોઈ પ્રકારનો સુધારો નથી આવ્યો. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી કોંકણ કોસ્ટ માટે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. મહારાષ્ટ્રના ચિપલુણ, સતારા અને મહાબળેશ્વરમાં બારે મેઘ ખાંગા થયા છે.
પાલઘરમાં ત્રણનાં મોત
મહારાષ્ટ્રના ઠાણે, પાલઘર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદના કારણે ભયાનક સ્થિતિ સર્જાય છે. પાલઘરમાં ભારે વરસાદના કારણે ત્રણ લોકોના મોત થયા છે. પાલઘર-ઠાણેમાં વરસાદે માજા મૂકતા ટ્રાન્સપોર્ટની સુવિધા વેરવિખેર થઈ ગઈ છે. મહારાષ્ટ્રના કલઈ ગામમાં લેડસ્લાઈડ થવાના કારણે કેટલાય લોકોના ફસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરેક જગ્યાએ પાણી ભરાયેલું હોવાથી તંત્ર પણ પહોંચી શકતું નથી. એવામાં મહાડમાં ફસાયેલા લોકોને ઉગારવા માટે આર્મીની પણ મદદ લેવી પડી રહી છે. રાયગઢમાં અલગ અલગ ચાર જગ્યાએ લેડસ્લાઈડ હોવાના કારણે કેટલાય લોકો ફસાયા છે. 15 લોકોનો જીવ બચાવી લેવામાં આવ્યો છે જ્યારે હજુ પણ 30 લોકો ફસાયેલા છે.
6 હજાર ફસાયા
વરસાદના પરિણામે સ્થિતિ એટલી વિકટ બની છે કે કોંકણ રેલ રૂટ પર સર્વિસ ઠપ થઈ જવાના કારણે છ હજાર યાત્રિકો ફસાઈ ગયા છે. રત્નાગિરી જિલ્લામાં વરસાદના કારણે રેલવે સેવા પણ પ્રભાવિત થઈ છે. જેથી યાત્રિકો મોટી સંખ્યામાં અહીં ફસાયા છે. અલગ અલગ વિસ્તારોમાં ફસાયેલા લોકોને આ વિડંબણામાંથી ઉગારવા માટે એજન્સીઓ કામે લાગી ગઈ છે. એનડીઆરએફની કેટલીય ટીમોને અહીં ખડકવામાં આવી છે. જે રેસક્યુમાં જોડાયેલી છે.
કયા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ?
જે વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળી રહ્યો છે તેમાં ચિપલુણ, કોલ્હાપુર, સતારા, અકોલા, યવતમાલ, હિંગોલી સહિતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. આ સિવાય ઠાણે, પાલઘરમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે અને એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની સ્થિતિને જોતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન પર વાત કરી હતી. પ્રધાનમંત્રીએ સ્થિતિની સમીક્ષા કરી અને રાજ્યને સંભવ મદદ કરવાની વાત જણાવી હતી.
ચિપલુણ ટાપુ બની ગયો
મહારાષ્ટ્રના ચિપલુણ વિસ્તારમાં સતત એટલો વરસાદ પડી રહ્યો છે કે આખુ ચિપલુણ એક ટાપુ બની ગયું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. અહીંની સ્થિતિ એવી છે કે બસની ફક્ત છત દેખાઈ રહી છે. લોકો ચિંતામાં છે કે ક્યાંક વરસાદના પાણીમાં ઘરમાંથી બહાર નીકળ્યા તો તણાઈ ન જઈએ. કેટલાક મકાનો પાણીમાં ડૂબી ગયા છે. કોસ્ટગાર્ડ અને એનડીઆરએફની ટીમ અહીં દરેક સંભવ કામ કરવામાં લાગી છે. ચિપલુણને દક્ષિણ કોંકણનું વેપારી થાણું માનવામાં આવે છે. રત્નાગિરી જિલ્લામાં ચિપલુણની નજીક આવનારા ખેડ અને મંગોન જેવા વિસ્તારો ભારે વરસાદમાં પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 27 ગામ સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
હાઈવેની સમાધી
ચિપલુણ જેવી જ સ્થિતિ સતારાની છે. એવો ભયંકર વરસાદ પડ્યો છે કે હાઈવેએ પાણીમાં સમાધી લઈ લીધી છે. સતારાના મહાબળેશ્વર હિલ સ્ટેશનમાં 480 એમએમ રેકોર્ડ વરસાદ નોંધાયો છે. જે ગત 45 વર્ષમાં સૌથી વધારે છે. મહાબળેશ્વર અને સતારા વચ્ચેનો સંપર્ક તૂટી ગયો છે. મહાબળેશ્વરમાં વરસતો વરસાદ અને કુદરતી સૌંદર્ય જોવા માટે અઢળક લોકો ગયા હતા, જે પણ ત્યાં ફસાયેલા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત