Homeગામનાં ચોરેભજનમાં ભંગ પડ્યો: સ્પેનની સંસદમાં અણીના સમયે ઉંદરે એન્ટ્રી કરી નાસભાગ મચાવી...

ભજનમાં ભંગ પડ્યો: સ્પેનની સંસદમાં અણીના સમયે ઉંદરે એન્ટ્રી કરી નાસભાગ મચાવી દીધી

Team Chabuk-International Desk: સંસદ ઓળખાય છે તેના પ્રશ્નોતરી કાળ, ભાષણ, ઉગ્ર વાતાવરણ અને ગણ્યા ગણાય નહીં એવા કંઈ કેટલાય કારણોથી. પણ સ્પેનની સંસદ એક ઉંદરના કારણે ચર્ચામાં છે. ઉંદરે સ્પેનની સંસદમાં પ્રવેશ કરતા સાંસદો ઊભી પૂંછડીએ ભાગવા લાગ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. સ્પેનના સેવિલ ખાતે આવેલી અંડાલૂસિયા સંસદમાં ગુરૂવારના રોજ કાર્યવાહી ચાલુ હતી, ત્યારે અચાનક ક્યાંકથી એક ઉંદર ઘુસી આવ્યો હતો. ઉંદરની એન્ટ્રી તે સમયે થઈ હતી જ્યારે સાંસદોને એક મહત્વનો વોટ નાખવાનો હતો. ઉંદરના કારણે હક્કા બક્કા થઈ ગયેલા સાંસદો ખુરશી પરથી ઊભા થઈ અહીંથી ત્યાં ભાગવા લાગ્યા હતા.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં દેખાય છે કે રિજનલ સ્પીકર માર્તો બૉસ્કેટ સાંસદોને સંબોધન કરી રહી હતી. એટલામાં તેમની નજર સંસદની વચ્ચેના ભાગમાંથી પસાર થઈ રહેલા ઉંદર પર પડી. તેમણે માઈક્રોફોનમાં જોરથી અવાજ કર્યો અને આઘાતથી પોતાનું મોઢું ઢાંકી લીધું. સ્પીકર બાદ તો અન્ય સભ્યો પણ પોતપોતાની ખુરશી છોડી ભાગવા લાગ્યા હતા. થોડીવાર માટે સંસદમાં અફરા તફરીનું વાતાવરણ સર્જાઈ ગયું હતું.

રિપોર્ટ પ્રમાણે સભ્યો એ મુદ્દા પર મતદાન કરવાના હતા કે પૂર્વ રિજનલ પ્રેસિડન્ટ સુઝાના ડિયાઝને સીનેટરના રૂપે નિયુક્ત કરવા જોઈએ કે નહીં? જે મુદ્દા પર વોટ નાખવા જઈ રહેલા સંસદ સભ્યોને અટકાવી ઉંદરે આખી સંસદ ગજવી મૂકી હતી. સ્પેનની સ્થાનિક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉંદરનું કદ વિશાળ હતું. બાદમાં ઉંદરને અંડાલૂસિયાની સંસદ દ્વારા અનુબંધિત એક કંપનીએ પકડી લીધો હતો. સાંસદોએ ઉંદરના પકડાવાથી હાશકારો અનુભવ્યો અને પોત પોતાની જગ્યા લીધી હતી.

ઉંદરના પકડાઈ ગયા બાદ અને માહોલમાં શાંતિ વ્યાપી જતા સાંસદો ફરી આવ્યા હતા અને વોટ નાખી સીનેટરની પસંદગી કરી લેવામાં આવી હતી. આનો એક અર્થ તો એ પણ નીકળે છે કે ઉંદર જ નહોતો ઈચ્છતો કે સુઝાના ડિયાઝ ફરી સીનેટર બને! સેવિલમાં આવેલી અંડાલૂસિયા સંસદે 1982ની સાલમાં પોતાની પ્રથમ ચૂંટણી લડી હતી. અહીં ડી હોડ સિસ્ટમ દ્વારા 109 સભ્યોની પસંદગી કરવામાં આવે છે. હાલ અહીં પ્યુપીલ્સ પાર્ટી ઓફ અંડાલૂસિયા અને સ્યૂદાદાનોસની ગઠબંધ સરકાર છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments