Homeદે ઘુમા કેચેમ્પિયનની જેમ રમ્યા અને ચેમ્પિયન બન્યા

ચેમ્પિયનની જેમ રમ્યા અને ચેમ્પિયન બન્યા

Team-Chabuk-Sports Desk: ભારતે અંડર-19 વિશ્વકપની ફાઈનલમાં ઈંગ્લન્ડને ચાર વિકેટે રગદોળી રેકોર્ડ પાંચમી વખત જીત પ્રાપ્ત કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમ 44.5 ઓવરમાં 189 રન પર ઓલ આઉટ થઈ ગઈ હતી. જેમ્સ રિયૂએ સર્વાધિક 95 રન બનાવ્યા હતા. ભારતની તરફથી રાજ બાવાએ પાંચ અને રવિ કુમારે ચાર વિકેટ ઝડપી હતી. જવાબમાં ભારતે 47.4 ઓવરમાં છ વિકેટ ગુમાવીને લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. ભારતની તરફથી નિશાંત સિંધુએ અણનમ 50 રન બાનાવ્યા હતા.

આવતા ભેગો ધબડકો

મેચની વાત કરીએ તો પ્રથમ બેટીંગ કરતા ઈંગ્લેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઈંગ્લેન્ડની ટીમના છ બેટર્સ તો બે આંકડાને પણ સ્પર્શી નહોતા શક્યા. કેપ્ટન ટોમ પ્રેસ્ટ, જ્યોર્જ બેલ અને થોમસ એસ્પિનવાલ સહિત ત્રણ બેટ્સમેન શૂન્ય પર આઊટ થઈ ગયા હતા. ટીમે 61 રનની અંદર અંદર સાત વિકેટ ગુમાવી દીધી હતી. જ્યોર્જ થોમસે 27 રન, જેકબ બેથલે બે રન, વિલિયમ લક્સટને ચાર અને રેહાન અહેમદે દસ રન બનાવ્યા હતા.

રિયૂ રમી ગયો

એ પછી હોર્ટન અને જેમ્સ રિયૂએ ત્રીસ રનની ભાગીદારી નોંધાવી હતી. હોર્ટન દસ રન બનાવી આઉટ થયો હતો. એ પછી રિયૂએ જેમ્સ સેલ્સની સાથે મળી ઈનિંગને સંભાળી હતી. બંનેએ આઠમી વિકેટ માટે 93 રનની ભાગીદારી કરી હેમખેમ ઈંગ્લેન્ડના સ્કોરને 150 રનની પાર પહોંચાડી દીધો હતો. રિયૂ મહત્વની 95 રનની ઈનિંગ રમી આઉટ થયો હતો. રવિ કુમારે એસ્પિનવાલ અને રાજ બાવાએ બોયડેનને પવેલિયનનો રસ્તો દેખાડી ઈંગ્લેન્ડની ઈનિંગનું 189 રનમાં ફિંડલું વાળી દીધું હતું.

ફરી કેપ્ટન-વાઈસ કેપ્ટન

190 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શૂન્ય પર પ્રથમ વિકેટ ગુમાવી દીધી હતી. જોશુઆ બોયડેને પ્રથમ ઓવરની બીજી બોલમાં અંગકૃષ રઘુવંશીને શૂન્ય પર એલેક્સ હોર્ટનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. એ પછી વાઈસ કેપ્ટન શેખ રશીદ અને હરનૂર સિંહની સાથે બીજી વિકેટ માટે 49 રનની ભાગીદારી નોંધાવી પાયો મજબૂત કર્યો હતો. હરનૂર 21 રન બનાવી આઊટ થયો હતો. ટીમ ઈન્ડિયાને પોતાના કેપ્ટન યશ ધૂલ અને વાઈસ કેપ્ટન શેખ રશીદ પાસેથી આશા હતી. બંનેએ આ પૂર્વે ઓસ્ટ્રેલિયા સામે સેમીફાઈનલમાં તાબડતોડ બેટીંગ કરી હતી.

મહત્વના બેટ્સમેન આઉટ

મેચમાં રશીદે ટૂર્નામેન્ટની સતત બીજી હાફ સેન્ચુરી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયાની વિરૂદ્ધ સેમીફાઈનલમાં તેણે 94 રનની ઈનિંગ રમી હતી. રશીદની આ ફિફ્ટી 83 બોલ પર આવી હતી. જોકે હાફ સેન્ચુરી લગાવ્યા બાદ આગામી બોલમાં જ રશીદ આઉટ થઈ ગયો હતો. તેણે પોતાની ઈનિંગમાં 84 બોલમાં છ ચોગ્ગા લગાવ્યા હતા. રશીદે કેપ્ટન ધૂલની સાથે 57 બોલ પર 46 રનની ભાગીદારી નોંધાવી હતી. રશીદના આઉટ થયા બાદ 32 બોલમાં 17 રન પર કેપ્ટન ધૂલ પણ આઊટ થઈ ગયો હતો. કેપ્ટન અને વાઈસ કેપ્ટન બંનેને જેમ્સ સેલ્સે પવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

નિશાંત સિંધુની કમાલ

97 રન પર ભારતની ચાર વિકેટ પડી ગઈ હતી. અહીંથી રાજ બાવા અને નિશાંત સિંધુએ 88 બોલમાં 67 રનની ભાગીદારી નોંધાવી. બાવા 54 બોલમાં 35 રન બનાવી આઊટ થયો. કૌશલ તાંબે એક રન પર આઊટ થયો. તેને એસ્પિનવાલે રેહાન અહમદના હાથે કેચ આઊટ કરાવ્યો હતો. અહીંથી મેચમાં સિંધુની ફિફ્ટી આવી અને દિનેશ બાનાએ મેચનો અંત કરતા ટીમ પાંચમી વખત વિશ્વકપ ચેમ્પિયન બની.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments