Homeગામનાં ચોરેVIDEO: ભગવાન શિવનાં દર્શન કરવા ઉમટેલી ભીડમાં અચાનક ધક્કામુક્કી થવા લાગી અને...

VIDEO: ભગવાન શિવનાં દર્શન કરવા ઉમટેલી ભીડમાં અચાનક ધક્કામુક્કી થવા લાગી અને પછી…

Team Chabuk-National Desk: ગઈકાલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હતો. ભગવાન શંકરના ભારતભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓની હકડેઠઠ ભીડ જામી હતી. એવામાં સોમવારના રોજ ઉજ્જૈન ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ જ્યોર્તિલિંગ મહાકાલ મંદિરમાં પણ દર્શન કરવા માટે હજ્જારો ભાવકો ઉમટી પડ્યા હતા. જોકે મંદિરના કપાટ ખુલતાની સાથે ભક્તોમાં ભાગાભાગી મચી ગઈ હતી અને અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું. આ ભાગાભાગીમાં કોઈ મોટી દુર્ઘટના નહોતી થઈ. કેટલીક મહિલાઓ અને બાળકો ઘાયલ થયા તેવી વાતો થઈ રહી છે.

સ્થિતિ આ રીતે આવી નિયંત્રણમાં

ભગવાનનાં દર્શન કરવા માટે ભક્તજનોમાં ધક્કામુક્કી થવા લાગી હતી. ધક્કામુક્કીમાં કેટલાય પુરુષ અને મહિલાઓ સહિત બાળકો ખૂદને સંભાળી નહોતા શક્યા અને અહીં ત્યાં પડવા લાગ્યા હતા. દર્શનમાં અવ્યવસ્થા થતી જોતા તુરંત મંદિરના સુરક્ષા ગાર્ડ અને પોલીસના જવાનો આવી પહોંચ્યા હતા અને સ્થિતિ નિયંત્રણ હેઠળ લાવી હતી. ઉલ્લેખનીય છે કે મહાકાલ મંદિરમાં આ પૂર્વે પણ ભાગાભાગી થઈ ચૂકી છે, ભૂતકાળમાં થયેલી દુર્ઘટનામાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જિલ્લા અધિકારીનો જવાબ

આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભીડ મંદિરમાં ઘુસી રહી હોય તેવા દૃશ્યો દેખાઈ રહ્યા છે. એક યુવતીને સુરક્ષાગાર્ડના જવાનો આ પરિસ્થિતિમાંથી બચાવતા દેખાઈ રહ્યા છે. જોકે જિલ્લા અધિકારી આશિષ સિંહે ઉડતો જવાબ આપી કહ્યું હતું કે, સોમવારે જે ઘટના બની તે અપવાદરૂપ હતી. આગામી સોમવારના રોજ આયોજન સાથે અને સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે દર્શન કરાવીશું.

કેવી રીતે બની ઘટના?

મહાકાલ મંદિરમાં દર્શનાર્થિઓ માટે સવારમાં 6થી 11 વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. એવામાં ગત સોમવારનાં રોજ ગેટ નંબર ચારમાંથી સવારમાં પાંચ વાગ્યાથી જ હજ્જારો ભક્તો ઉમટી પડ્યા હતા. આ કારણે સવારના છ વાગ્યે જ મંદિરનું પ્રવેશદ્વાર ખોલી દેવામાં આવ્યું હતું. ભક્તજનોની ભીડ દર્શન કરવા માટે ઉત્તેજીત થઈ એકસાથે મંદિરમાં ઘુસવા લાગી. જેથી ગેટ ઉપર રાખવામાં આવેલ બેરીકેડ્સ પણ નીચે પડી ગયા હતા. સુરક્ષાકર્મીઓ લોકોને અટકાવતા, ત્યાં સુધીમાં ધક્કામુક્કીનો આરંભ થઈ ગયો હતો. શ્રદ્ધાળુઓ જ્યાં ત્યાં પડવા લાગ્યા હતા. બાદમાં સુરક્ષાગાર્ડે કડક વલણ અપનાવતા સ્થિતિને નિયંત્રણ હેઠળ લાવી હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments