Homeદે ઘુમા કેગાબામાં ઓસ્ટ્રેલિયાના ગાભા કાઢવા એ આંકડાની દૃષ્ટીએ આકરા છે

ગાબામાં ઓસ્ટ્રેલિયાના ગાભા કાઢવા એ આંકડાની દૃષ્ટીએ આકરા છે

Team Chabuk-Sports Desk : ગાબા ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ હવે તેના નિર્ણાયક તબક્કામાં પ્રવેશ કરી ચૂકી છે. મોહમ્મદ સિરાજની પાંચ વિકેટ અને શાર્દુલ ઠાકુરે લીધેલી ચાર વિકેટની મદદથી ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાને ધોળા દિવસે તારા બતાવવામાં સફળ પૂરવાર થઈ છે. હવે વાત રહે છે રન ચેઝની.

ઓસ્ટ્રેલિયાની ટીમને ભારતીય ટીમે 294 રન પર જ રોકી દીધી છે. પણ પ્રથમ ઈનિંગમાં 33 રનની લીડ મેળવી લેવાના કારણે ભારતને કુલ 328 રનનો લક્ષ્યાંક મળ્યો છે જે વિશેષજ્ઞોના મતે ગાબાની પીચ પર કરવો એ લોઢાના ચણા ચાવવા સમાન છે. પ્રથમ ઈનિંગમાં વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરની ઈનિંગ સહારો ન બની હોત તો ભારત આ ટેસ્ટ મેચમાં હારની નજીક સુધી પહોંચી ગઈ હોત, કારણ કે ટીમના પાયાના બેટ્સમેનો કંઈ વધારે નહોતા કરી શક્યા.

હાલ તો ચોથા દિવસની રમત પૂર્ણ થતા ભારતીય ટીમે વિના કોઈ નુકસાને 4 રન બનાવ્યા છે. પાંચમાં દિવસમાં ભારતીય ટીમને જીત મેળવવા માટે 324 રનનું લક્ષ્ય પ્રાપ્ત કરવાનું છે. જોકે સતત બીજા દિવસે વરસાદનું વિઘ્ન આડુ આવતા મેચને વહેલી આટોપી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ગાબાના મેદાનમાં અત્યાર સુધી 250થી વધારેનો ટાર્ગેટ ચેઝ નથી થઈ શક્યો. જો ભારતીય ટીમ આવતીકાલે મેદાન પર ટકી જાય છે અને ઓસ્ટ્રેલિયાના બોલરને તેના જ ઘરઆંગણે ધમરોળી દે છે તો સંભવ છે નવો કિર્તીમાન રચાય જશે. વર્ષ 1951ની સાલમાં ઓસ્ટ્રેલિયાએ વેસ્ટઈન્ડિઝ વિરૂદ્ધ 236 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. જે આ મેદાન પર લક્ષ્યનો પીછો કરવાના મામલે સર્વાધિક સ્કોર છે. એ પછી કોઈ પણ ટીમ 250 કરતા વધારેનો ટાર્ગેટ ચેઝ નથી કરી શકી.

આંકડાઓ પર ધ્યાન દેવામાં આવે તો અત્યારે ઓસ્ટ્રેલિયાના પલડામાં જીત દેખાય રહી છે. પણ છેલ્લી બે ટેસ્ટમાં ભારતીય ટીમના પૂંછડીયા બેટ્સમેનોએ જે રીતે ઓસ્ટ્રેલિયાના બોલરોને પોતાની બીન પર નચાવ્યા એ જોતા લાગે છે કે આ ટેસ્ટમાં પણ કોઈ કમાલ થઈ જાય તો નવાઈ નહીં, કારણ કે વિરાટ કોહલીના ભારત પરત ફર્યા બાદ અને અનુભવી ખેલાડીઓની ગેરહાજરી વચ્ચે દરેક ટેસ્ટમાં ભારતના ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાની ટીમ માટે સરપ્રાઈઝ સાબિત થઈ રહ્યા છે.

સિરાઝના નામે ચોથો દિવસ

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગાબા મેદાનમાં રમાય રહેલી ચોથી ટેસ્ટનો ચોથો દિવસ સિરાઝના નામે રહ્યો હતો. તેની ફાસ્ટ બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ઘૂંટણીયે પડી ગયા હતા. તેણે 19.5 ઓવરમાં 73 રન આપી પાંચ મહત્વના બેટ્સમેનોને પવેલિયન મોકલી દીધા હતા. જેથી ઓસ્ટ્રેલિયા મોટો સ્કોર નહોતી કરી શકી.
સિરાઝ સિવાય પોતાની બીજી ટેસ્ટ મેચ રમી રહેલા શાર્દુલ ઠાકુરે પણ બેટ બાદ બોલ વડે ઓસ્ટ્રેલિયાને ઘર આંગણે પજવ્યું હતું. પ્રથમ ઈનિંગમાં હાફ સેન્ચુરી ફટકાર્યા પછી તેણે ચાર વિકેટ લીધી હતી અને 19 ઓવરમાં 61 રન બનાવ્યા હતા. આ સિવાય સ્પિનર વોશિંગ્ટન સુંદરે પણ એક વિકેટ લીધી હતી.

ભારતને 324 રન કરવા છે

વન ડે ક્રિકેટમાં 324 રનનો સ્કોર સામાન્ય લાગે. કોઈ પણ ટીમે ભૂતકાળમાં અસંખ્ય વખત ચેઝ કર્યો છે. પણ ઓસ્ટ્રેલિયાની ટીમ સામે અને તે પણ તેના ઘર આંગણે જોઈએ તો આ આંકડો અઘરો પૂરવાર થઈ શકે તેમ છે. એ પણ ત્યારે જ્યારે ભારતીય ટીમના અનુભવી ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોય. વરસાદના વિઘ્ન બાદ ચોથા દિવસે ભારતીય ટીમે બેટીંગમાં 1.5 ઓવરમાં 4 રન કર્યા છે. જેમાં રોહિત શર્માના 4 અને શુભમન ગીલના શૂન્ય છે. પીચને જોતા ભારતીય ટીમ માટે આ બિલકુલ સરળ નહીં હોય પણ રોહિત શર્મા સહિતના કેટલાક ખેલાડીઓનું બેટ જો બોલશે તો ઓસ્ટ્રેલિયાને પરાસ્ત થતા પણ વાર નહીં લાગે, કારણ કે ક્રિકેટ એ એક રીતે અનિશ્ચિતતાની રમત છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments