Homeદે ઘુમા કેભારતની જીત પર વરસાદે પાણી ફેરવી નાખ્યું

ભારતની જીત પર વરસાદે પાણી ફેરવી નાખ્યું

Team Chabuk-Sports Desk: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પાંચ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ વરસાદના વિઘ્નના કારણે ડ્રોમાં પરિણમી છે. વરસાદના કારણે પાંચમા અને નિર્ણાયક દિવસે રમતમાં એક પણ બોલ ફેંકાયો નહોતો. વરસાદ રોકાઈ જતા કવર હટાવીને મેચ આરંભ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે ફરી વરસાદ શરૂ થઈ જતા આખરે મેચનો અંતિમ નિર્ણય ડ્રો સુધી પહોંચ્યો હતો. ભારતને પ્રથમ ટેસ્ટમાં વિજય મેળવવા માટે 157 રનની આવશ્યકતા હતી અને 9 વિકેટ બાકી હતી. ભારતની જીત નક્કી માનવામાં આવી રહી હતી ત્યારે વરસાદના વિઘ્ને ઈંગ્લેન્ડનો પરાજય ખાળી નાખ્યો હતો. હવે સીરીઝની બીજી ટેસ્ટનો 12મી ઓગસ્ટથી ઐતિહાસિક લોર્ડ્સ મેદાનમાં આરંભ થશે.

ભારત જીતની નજીક હતું

ભારતે ચોથા દિવસની રમત પૂર્ણ થતાં એક વિકેટના નુકસાન પર 52 રન બનાવી દીધા હતા. જેમાં રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા 12-12 રન સાથે ક્રિઝ પર હતા જ્યારે ઈંગ્લેન્ડને કે.એલ.રાહુલના (26) નામે સફળતા મળી હતી. આ પહેલા ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ 303 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતને મેચ જીતવા માટે 209 રનની જરૂર હતી. મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે સર્વાધિક 109 રન બનાવ્યા હતા. ભારત માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 64 રન આપી 5 વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાઝ અને શાર્દુલ ઠાકુરે 2-2 અને મોહમ્મદ શમીએ એક વિકેટ લીધી હતી.

શરૂઆતથી જ વરસાદનું આક્રમણ

એક ટેસ્ટ મેચમાં સર્વાધિક 450 ઓવરની રમત રમાય છે. આ ટેસ્ટમાં તેનાથી અડધી 250.2 ઓવર જ શક્ય બની હતી. બીજા દિવસથી જ વરસાદનું વિઘ્ન નડવા લાગ્યું હતું. ત્રીજા અને ચોથા દિવસે પણ વચ્ચે વચ્ચે વરસાદે વિક્ષેપ નાખ્યો હતો. પાચમાં દિવસે જ ભારત પ્રથમ ટેસ્ટ જીતે એ પહેલા વરસાદે પાણી ફેરવી નાખ્યું હતું.

પ્રથમ ઈનિંગ

ભારતની પ્રથમ ઈનિંગ 278 રનમાં આટોપાઈ ગઈ હતી. 145 રન પર 5 વિકેટ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમને લોઅર ઓર્ડરના બેટ્સમેનોએ સન્માનજનક સ્થિતિ સુધી પહોંચાડી હતી. લોકેરશ રાહુલ અને રવીન્દ્ર જાડેજાએ છઠ્ઠી વિકેટ માટે 60 રનની ભાગીદારી નોંધવતા વિરોધી ટીમના બોલર્સને પરેશાન કર્યા હતા. લોકેશ રાહુલ ટીમ માટે મહત્ત્વની 84 રનની ઈનિંગ રમી આઉટ થયો હતો જ્યારે જાડેજાએ 50 રન બનાવતાની સાથે કિર્તીમાન પણ રચી દીધો હતો. પૂંછડીયા બેટ્સમેન સિરાઝ અને બુમરાહે પણ 33 રનની શાનદાર પાર્ટનરશિપ કરી હતી. પહેલી ઈનિંગમાં ભારતને ઈંગ્લેન્ડ પર 95 રનની લીડ પ્રાપ્ત થઈ હતી.

એન્ડરસનનો રેકોર્ડ

ઈંગ્લેન્ડના રોબિન્સને 5 વિકેટ લીધી હતી. તો સામે એન્ડરસને 4 વિકેટ લેતાની સાથે જ ભારતીય સ્પીનર અનિલ કુંબલનાં 619 વિકેટના કિર્તીમાનને તોડી નાખ્યો હતો. હાલ એન્ડરસનના ખાતામાં 621 વિકેટ બોલે છે. તે એક માત્ર એવો બોલર છે જે વર્તમાન સમયે પણ સક્રિય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments