Homeદે ઘુમા કેત્રીજા દિવસની રમત: 81 મિનિટમાં ભારતના સાત બેટર્સ આઉટ થયા તો સામે...

ત્રીજા દિવસની રમત: 81 મિનિટમાં ભારતના સાત બેટર્સ આઉટ થયા તો સામે શમીએ આફ્રિકાની અડધી ટીમને પવેલિયન ભેગી કરી દીધી

Team Chabuk-Sports Desk: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રણ ટેસ્ટ મેચની સિરીઝનો પ્રથમ મુકાબલો સેન્ચુરિયનમાં રમાય રહ્યો છે. વરસાદના વિઘ્ન વચ્ચે મેચમાં ભારતનું પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. દિવસની રમત પૂર્ણ થવા પર છે અને મેચમાં ભારતીય ટીમે એક વિકેટના નુકસાન પર 16 રન બનાવી લીધા છે. આફ્રિકા ટીમ પર 146 રનની લીડ પણ મેળવી લીધી છે. પ્રથમ ઈનિંગમાં સેન્ચુરી ફટકારનાર કે.એલ.રાહુલ પાંચ અને નાઈટ વોચમેનની ભૂમિકા ભજવવા આવેલ શાર્દુલ ઠાકુર ચાર રન બનાવી ક્રિઝ પણ હાલ અણનમ છે. હાફ સેન્ચુરી ફટકારનાર મયંક અગ્રવાલ બીજી ઇનિંગમાં ચાર રન બનાવી માર્કો જાનેસનની બોલ પર વિકેટ કીપર ક્વિન્ટન ડીકૉકને કેચ આપી બેઠો હતો. હવે મેચના ચોથા દિવસે ભારતીય ટીમ એક મોટો સ્કોર ખડકી દક્ષિણ આફ્રિકાને દબાણમાં લાવવાનો પ્રયાસ કરશે.

આફ્રિકા 197માં ઓલ આઉટ

આ પૂર્વે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાની ટીમને 197 રન પર ઓલ આઉટ કરી દીધી હતી. ઈનિંગના આધારે ટીમને 130 રનની લીડ મળી હતી. ટીમ માટે મોહમ્મદ શમીએ સર્વાધિક પાંચ વિકેટ લીધી છે. જ્યારે જસપ્રીત બુમરાહ અને શાર્દુલ ઠાકુરે બે-બે વિકેટ લીધી છે. મોહમ્મદ સિરાઝને એક સફળતા મળી છે. આફ્રિકા ટીમ તરફથી સૌથી વધારે ટેંબા બાવુમાએ 52 રન ફટકાર્યા. તેના સિવાય ક્વિન્ટન ડીકૉક 34 અને કગિસો રબાડાએ 25 રનનું યોગદાન આપ્યું.

આઠ બેટર અંડર-20માં આઉટ

દક્ષિણ આફ્રિકા માટે બવુમા, ડીકૉક અને રબાડા સિવાય કોઈ બેટર વીસ રનના આંકડાને સ્પર્શી નહોતો શક્યો. ડીન એલ્ગરે એક, એડેન માર્કરામ 13, કીગન પીટરસન 15, રસી વાન ડર ડુસેને ત્રણ, વિયાન મૂલ્ડરે 12, માર્કો જાનેસન 19 અને કેશવ મહારાજે 12 રન ફટકાર્યા હતા. બોલર એનગિડી શૂન્ય પર અણનમ રહ્યો હતો.

મોહમ્મદ શમીની 200 વિકેટ પૂર્ણ

ભારતીય ટીમના આધારભૂત બોલર મોહમ્મદ શમીએ ટેસ્ટ કરિયરમાં 200 વિકેટ પ્રાપ્ત કરી છે. એ સૌથી ઓછા બોલમાં 200 વિકેટ ઝડપનાર ભારતીય ક્રિકેટર બની ચૂક્યો છે. શમીએ 200 વિકેટ માટે 9896 બોલ ફેંક્યા. અશ્વિનને આ માટે 10248 બોલ લાગ્યા હતા. કપિલ દેવ 11066 અને રવિન્દ્ર જાડેજાએ 11989 બોલ પર 200 વિકેટ પૂર્ણ કરી છે. આ સિવાય શમી ઝહીર ખાન અને ઈશાંત શર્માથી પણ આગળ નીકળી ગયો છે. તે સૌથી ઓછી ટેસ્ટમાં 200 વિકેટ ઝડપનાર ત્રીજો ભારતીય બોલર બની ચૂક્યો છે. શમીની આ 55મી ટેસ્ટ હતી. તેની આગળ કપિલ દેવ 50 ટેસ્ટ અને જવગલ શ્રીનાથ 54 ટેસ્ટ છે. શમીએ ઝહીર ખાન અને ઈશાંત શર્માની 63 ટેસ્ટના કિર્તીમાનને પાછળ છોડ્યો છે.

ભારતની ઈનિંગ આ રીતે સમાપ્ત થઈ

ભારતીય ટીમ ત્રીજા દિવસે પોતાના પ્રથમ દિવસના પ્રદર્શનને સાતત્યપૂર્ણ રીતે આગળ ધપાવવામાં નિષ્ફળ પૂરવાર થઈ હતી. 272માં ત્રણ વિકેટ હતી પણ ત્રીજા દિવસની રમતમાં ટીમ પત્તાના મહેલની માફક ધ્વંસ થઈ ગઈ. રાહુલ અને અજિંક્ય રહાણે ઈનિંગને આગળ ધપાવવામાં ફક્ત ચાર રન જોડી શક્યા હતા. રાહુલને 123 રનના સ્કોર પર કેગિસો રબાડાએ ડીકૉકના હાથે કેચ આઉટ કરાવ્યો. આ સાથે જ રાહુલ અને રહાણેની 79 રનની ભાગીદારીનો પણ અંત આવ્યો. રાહુલના આઉટ થયા બાદ રહાણે પણ 48 રનની ઈનિંગ રમી પવેલિયન પરત ફર્યો હતો. ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલા રહાણે પાસેથી પ્રશંસકોને મોટી ઈનિંગની અપેક્ષા હતી. જોકે તેણે નિરાશ કર્યા. એ પ્રથમ દિવસના પોતાના સ્કોરમાં ત્રીજા દિવસે ફક્ત આઠ રન જોડી શક્યો હતો. રહાણેને એનગિડીએ ડીકૉકના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. તેના પછી અશ્વિન આઠ રન પર રબાડાનો શિકાર બન્યો. ભારતના યુવા વિકેટકીપર ઋષભ પંત પાસેથી એક મોટી ઈનિંગની અપેક્ષા હતી. જોકે પંત આઠ રન પર એનગિડીના હાથે આઉટ થયો હતો. શાર્દુલ પણ ચાર રન બનાવીને રબાડાની બોલ પર પવેલિયન પરત ફર્યો. એનગિડીએ મોહમ્મદ શમીને આઠ રન અને માર્કો જાનેસને જસપ્રીત બુમરાહને 14 રન પર આઉટ કરી ભારતની ઈનિંગ પૂર્ણ કરી.

81 મિનિટમાં સાત બેટર આઉટ

ત્રીજા દિવસની રમતમાં 81 મિનિટની અંદર અંદર ભારતના સાત બેટર્સ આઉટ થઈ ગયા. ટીમ ત્રીજા દિવસની રમતમાં માત્ર 55 રન જોડી શકી હતી. દક્ષિણ આફ્રિકા માટે કગિસો રબાડા અને એનગિડીએ મહત્વની નવ વિકેટો લીધી. એનગિડીએ 71 રન આપી 6 વિકેટ ખેરવી તો રબાડાએ 72 પર ત્રણ વિકેટ ઝડપી તરખાટ મચાવ્યો હતો. માર્કો જાનેસનને એક સફળતા પ્રાપ્ત થઈ. એનગિડીએ સેન્ચુરિયનના મેદાન પર બીજી વખત ભારતીય બેટર્સને ઢેર કરી દીધા હતા. વર્ષ 2017-18માં સેન્ચુરિયનના જ મેદાન પર રમાયેલી ટેસ્ટ મેચમાં એનગિડીએ 39 રન આપી ભારતની 6 મહત્વની વિકેટ ઝડપી હતી. આ વર્ષે એનગિડીએ બીજી વખત ઈનિંગમાં પાંચ કરતા વધારે વિકેટ લીધી છે. 2021માં વેસ્ટ ઈન્ડિઝની વિરૂદ્ધ ગ્રોસ આઈસલેટમાં 19 રન આપી પાંચ વિકેટ લીધી હતી.

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments