Homeસિનેમાવાદકુરુપ: જે વસ્તુ હાથવગી હોય છે તેને શોધવા આપણે ત્રણ ગામના ત્રિભેટે...

કુરુપ: જે વસ્તુ હાથવગી હોય છે તેને શોધવા આપણે ત્રણ ગામના ત્રિભેટે આટા મારતાં હોઈએ છીએ

ઝાલાવાડી જલજીરા: ગઈકાલે રાત્રે દુલ્કાર સલમાનની કુરુપ જોઈ. તેના કેટલાક ભાગનું શૂટિંગ અમદાવાદના લાલ દરવાજા અને તેની આસપાસના વિસ્તારોમાં ઉતર્યું છે. સંદર્ભ માટે દુલ્કાર સલમાનની ફેસબુક પ્રોફાઈલ ચેક કરી લેવી. ભૂતકાળમાં આવેલી સુકુમાર કુરુપ પરની ફિલ્મોમાં 2021ની કુરુપ ટોડલે બેસે છે. દિગ્દર્શક શ્રીનાથ રાજેન્દ્રનના હાથમાં બીન છે. એ વગાડે છે અને આપણે ડોલતા જઈએ છીએ.

ફિલ્મ જોતા સમયે આપણું મન કોઈ અંતિમ સુધી નથી પહેંચતું. હા, માથું ખંજવાળતા સવાલો શોધીએ છીએ, પણ એ સવાલોના જવાબ આપણને ત્યારે ને ત્યારે સીધા નહીં મળે. જો તમે સુકુમાર કુરુપની કથાથી પરિચિત નથી, તો પછી તેના સવાલ તમારા માટે બિલકુલ નવા જ હશે. જો પરિચિત નથી તો ફિલ્મ જોયા સુધી પરિચય પ્રાપ્ત કરવાનો પ્રયાસ પણ ન કરતા. શક્ય છે ફિલ્મની મજા બગડે. અગાઉની એક કલાક દિગ્દર્શક શરીરનો ઢાંચો તૈયાર કરે છે અને પછીની પોલીસ ઈન્વેસ્ટિગેશન થકી એ જીવ પૂરે છે. મૂર્ખ ભાઈઓએ જે રીતે વિદ્યાનો ખોટો ઉપયોગ કરી વાઘને જીવતો કર્યો હતો એ રીતે. પણ અહીં વાઘ હુમલો નથી કરવાનો.

ફિલ્મ હિટ કરવાનું શસ્ત્ર પટકથા છે. કુરુપનો ખરો હીરો તેની પટકથા છે. નાનપણ, યુવા અવસ્થા, 420 વૃત્તિ, માસૂમિયત અને હૈવાનિયત આ બધું કુરુપમાં છે. મહત્વ લાઘવનું છે. જેટલું ટૂંકું અને ટૂંકુંમાં સઘળું બતાવી દર્શકનું દિલ જીતી લો તો માનીએ. કુરુપ આપણું હ્રદય જીતે છે. એક વેબ સિરીઝ બનાવી શકીએ એટલો મોટો મસાલેદાર પ્લોટ હોવા છતાં બે કલાક અને ત્રીસ મિનિટની અંદર અંદર કુરુપ આપણો સમય બચાવીને કથાની સાથે રમી લે છે.

દક્ષિણના ગીતોનો હિન્દી અનુવાદ અત્યંત ભયજનક સ્તરે હતો. હવે એ સ્તર થોડું અમથું સુધર્યું છે, જેની ભ્રાન્તિ તમને હિન્દી ડબ કુરુપમાં થશે. કથા માટે ક્યાંક ક્યાંક સિનેમેટિક લિબર્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ ક્યાંય જમતા જમતાં મોંમાં કાંકરી આવી જાય તેવી રીતે અડચણભર્યું નથી. અલબત્ત બઉં સરસ રીતે સિનેમેટિક લિબર્ટીનો ઉપયોગ કર્યો છે.

ફિલ્મની કથા કુરુપને કેન્દ્ર સ્થાને રાખી રચવામાં આવી છે. કરુપ એટલે દુલ્કાર સલમાન. દુલ્કાર સલમાનની ફિલ્મમાં દુલ્કાર સલમાન જ દેખાય. પણ ટોમ ચાકોનો અભિનય દુલ્કાર સલમાનની ઉપસ્થિતિમાં તેને ઝાંખો પાડે છે. ઈન્દ્રજીત સુકુમારનની તુલનાએ ચાકો સ્ક્રિન પર ઓછી વખત આવે છે, પરંતુ જમાવટ કરી નાખે છે. ઈન્દ્રજીતના અભિનયમાં શોધ પ્રવૃતિ અને વટ પાડી દેતા સંવાદ સિવાય કંઈ નથી. આરોપી પણ નથી!

સર્જકો દ્વારા કુરુપને થાય એટલી થ્રીલ બનાવવાની કોશિશ કરવામાં આવી છે, જેથી ફિલ્મ જોતાં જોતાં દર્શક જીવ સટોસટનો અનુભવ કરી શકે. પકડનારની જેટલા નજીક રહેશો એટલો પકડનાર કન્ફ્યુઝ રહેશે તે વાત કુરુપ ખૂબ સરસ રીતે રજૂ કરે છે. જીતુ જોસેફની મલયાલમ ક્રાઈમ-થ્રીલર ક્લાસિક દૃશ્યમમાં પણ એ જ વસ્તુ આકાર પામી છે. જે વસ્તુ હાથવગી હોય છે તેને શોધવા આપણે ત્રણ ગામના ત્રિભેટે આટા મારતાં હોઈએ છીએ.

એક ફિલ્મમાં અસંખ્ય વિભાગ હોય છે. સમીક્ષક એક જ વખતમાં એ દરેક વિભાગ પર ચોકક્સ દૃષ્ટી કરી નથી શકતો. કુરુપમાં વારંવાર એક વિભાગનું કામ આંખ આગળથી ખસવાનું નામ નથી લેતું. ફિલ્મનું પસંદ કરવામાં આવેલું લોકેશન. મુંબઈ, ચૈન્નઈ, ભોપાલ, મૈસૂર, કેરળ. સુકુમાર કુરુપે દુર્ઘટનાને અહીં જ અંજામ આપ્યો હશે તેવું વિચાર્યા વિના ન રહી શકીએ.

કુરુપની કથાને જે રીતે વણવામાં આવી છે એ આરંભમાં ફિલ્મને રસપ્રદની જગ્યાએ કંટાળાજનક બનાવે છે. એક લાંબો પથ છે, જ્યાં સુધી પહોંચતા પહોંચતા થાકી જવાય છે, પણ થાક એક કલાક પછી ઉતરવા લાગે છે. ફરી થાક લાગે છે. ફરી ઉતરે છે અને ફિલ્મ પૂર્ણ. કુરુપમાં પ્રવાસ છે અને કુરુપ જોઈ રહેલો દર્શક પ્રવાસી છે. પ્રવાસ કરતા થાક તો લાગવાનો જ છે!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments