Homeદે ઘુમા કેચોથી ટેસ્ટમાં જીત મેળવતાની સાથે જ ભારતીય ખેલાડીઓએ બનાવ્યા આ 8 રેકોર્ડ

ચોથી ટેસ્ટમાં જીત મેળવતાની સાથે જ ભારતીય ખેલાડીઓએ બનાવ્યા આ 8 રેકોર્ડ

Team Chabuk-Sports Desk: ભારતે ઈંગ્લેન્ડ સામેની ઓવલ ટેસ્ટ 157 રનથી જીતી લીધી છે. પ્રથમ ઈનિંગમાં 200 રનથી ઓછા સ્કોર પર આઉટ થયા બાદ ટીમ ઈન્ડિયાએ ન માત્ર મેચમાં પુનરાગમન કર્યું પરંતુ સિરીઝમાં 2-1થી આગળ પણ નીકળી ગયું. મેચમાં ટીમ ઈન્ડિયાએ તો ઈતિહાસ રચી જ દીધો પણ સાથે સાથે ખેલાડીઓએ પણ કેટલાક નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યા.

50 વર્ષ બાદ જીત

ભારતે ઓવેલ ટેસ્ટ મેચમાં 50 વર્ષ બાદ જીત પ્રાપ્ત કરી. આ પહેલા 1971માં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. મેચમાં ભારત ટોસ હારી ગયું હતું અને ઈંગ્લેન્ડે ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઈંગ્લેન્ડની ટીમે 355 રનનો સ્કોર બનાવ્યો હતો. ભારતે પોતાની પ્રથમ ઈનિંગમાં 284 રન બનાવ્યા હતા. બીજી ઈનિંગમાં ભાગવત ચંદ્રશેખરે 38 રન આપી છ મહત્વપૂર્ણ વિકેટ લીધી હતી. ઈંગ્લેન્ડનો રનનો રથ આ કારણે 101 પર જ અટકી ગયો હતો. ભારતને જીત માટે 173 રનનું લક્ષ્ય મળ્યું હતું. જેને ભારતે છ વિકેટના નુકસાન પર પાર કરી લીધું હતું.

બુમરાહની ઝડપી 100 વિકેટ

મેચમાં ભારતના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહના નામે પણ એક કિર્તીમાન નોંધાયો હતો. બુમરાહ હવે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 100 વિકેટ ઝડપનાર ભારતીય બોલર બની ગયો છે. તેણે ભારતીય ઓલરાઉન્ડર અને 1983નો વિશ્વકપ જીતાડનારા કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુમરાહે અહીં સુધી પહોંચવા માટે કપિલ દેવ કરતા એક ટેસ્ટ મેચ ઓછી રમી છે. બુમરાહે આ રેકોર્ડ પોતાની 24મી ટેસ્ટમાં પૂર્ણ કર્યો છે. કપિલ બાદ ઈરફાન પઠાણે 28, મોહમ્મદ શમીએ 29, જવાગલ શ્રીનાથે 30 અને ઈશાંત શર્માએ 33 ટેસ્ટ મેચમાં સો વિકેટ લીધી છે.

વિરાટની કપ્તાની

ઓવલમાં મેચ જીતતાની સાથે જ ભારતના સૌથી સફળ કેપ્ટન તરીકે કોહલીના નામે વધુ એક રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે. હવે તે સાઉથ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સૌથી વધારે ટેસ્ટ મેચ જીતનારો એશિયાઈ કેપ્ટન બની ચૂક્યો છે. વિરાટે આ દેશોમાં કુલ છ ટેસ્ટ મેચ જીતી છે. આ પૂર્વે પાકિસ્તાનના જાવેદ મિયાંદાદ અને વસીમ અકરમે ચાર ચાર મેચ જીતી હતી. તો મહેન્દ્રસિંહ ધોનીએ ત્રણ ટેસ્ટ જીતી છે.

શાર્દુલનો કિર્તીમાન

મેચમાં ભારત માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થયેલા શાર્દુલ ઠાકુરે પોતાના નામ પર કેટલાય રેકોર્ડ નોધાવ્યા છે. તેણે નંબર આઠના સ્થાન પર બેટીંગ કરતા બંને ઈનિંગમાં ફિફ્ટી ફટકારી હતી. આવું કરનારો એ દુનિયાનો છઠ્ઠો બેટ્સમેન બન્યો છે. આ લિસ્ટમાં ભારતના જ હરભજન સિંહ અને ઋદ્ધિમાન સાહાનું પણ નામ છે. શાર્દુલે ઓવલ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 31 બોલમાં અડધી સદી ફટકારી હતી. જોકે ભારત તરફથી સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવાનો કિર્તીમાન આજેય પણ કપિલ દેવના નામે જ છે. તેણે પાકિસ્તાનની સામે 1982ની સાલમાં 30 બોલમાં હાફ સેન્ચુરી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડમાં બે-બે ટેસ્ટ જીત

કેપ્ટન કોહલી ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં બે બે ટેસ્ટ મેચ જીતનારો એક માત્ર કેપ્ટન બની ચૂક્યો છે. તેણે 2018માં ઓસ્ટ્રલિયાની વિરુદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર જ બે ટેસ્ટ મેચ જીતી સીરીઝ પોતાના નામે કરી હતી. ઈંગ્લેન્ડની હાલની સીરીઝમાં પણ તે બે ટેસ્ટમેચ જીતી ચૂક્યો છે.

સૌથી ઝડપી 23 હજાર રન

વિરાટના નામે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 23,000 રન ઈનિંગના આધારે બનાવનાર ખેલાડી બની ચૂક્યો છે. તેણે ભારતના સચિન તેંડુલકર અને ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટીંગને પાછળ છોડ્યા છે. ઓવલ ટેસ્ટના પ્રથમ દિવસે વિરાટે આ ખાસ ઉપલબ્ધિ પોતાના નામે કરી હતી.

200થી ઓછા રન

ભારતે વિદેશમાં ત્રીજી વખત પ્રથમ બેટીંગ કરતા 200થી ઓછો સ્કોર બનાવી મેચ પોતાના નામે કરી છે. ઓવલ ટેસ્ટમાં ભારતીય ટીમે પ્રથમ બેટીંગ કરતા 191 રન બનાવ્યા હતા. આમ છતાં ભારતીય ટીમે 157 રનથી જીત પ્રાપ્ત કરી. 2006માં કિંગ્સ્ટનમાં વેસ્ટ ઈન્ડિઝની વિરુદ્ધ પ્રથમ બેટીંગ કરતા ટીમે 200 રન બનાવ્યા હતા. આ મેચ ભારતે 49 રનથી પોતાના નામે કરી હતી. 2018માં વાન્ડર્સમાં ભારતે દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ 187 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. જોકે મેચ 63 રનથી જીતી લીધી હતી.

વિદેશમાં કોહલી કોહલી

વિદેશમાં કેપ્ટન તરીકે સૌથી વધારે મેચ જીતવામાં વિરાટ હવે પાંચમાં નંબર પર છે. તેના નામે વિદેશી ધરતી પર 15 જીત નોંધાઈ છે. ક્લાઈવ લોયડ 23, ગ્રીમ સ્મિથ 22, રિકી પોન્ટીંગ 18 અને સ્ટીવ વો 16 જીત સાથે ટોપ પર છે. ઓવરઓલ ટેસ્ટ જીતમાં પણ વિરાટ કેપ્ટન તરીકે ચોથા સ્થાન પર છે. તેના નામે 38 ટેસ્ટ જીત છે. ગ્રીમ સ્મિથના નામે સૌથી વધારે 53 જીત છે. રિકી પોન્ટીંગ 48 સાથે બીજા અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ વો 41 જીત સાથે ત્રીજા નંબર પર છે.

તાજેતાજો ઘાણવો 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments