Team Chabuk-Sports Desk: વાત છે ૧૯૯૨ની. ભારત V/S ઓસ્ટ્રેલિયાનો મેચ બ્રિસ્બેનના ગાબામાં રમાઈ રહ્યો હતો. એક ૧૧ વર્ષનો છોકરો એ મેચ પોતાના ઘરેથી જોઈ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા પહેલા બેટિંગ કરે છે અને ૨૩૭ રન બનાવે છે. જવાબમાં ભારત ઘણી જ ધીમી શરૂઆત કરે છે, વરસાદના વિઘ્ન પછી ભારતને રીવાઈઝ ટાર્ગેટ મળે છે ૪૭ ઓવરમાં ૨૩૫ રનનો. મેચ ઘણો જ રસાકસી ભર્યો થાય છે જેમાં ક્યારેક ઓસ્ટ્રેલિયા તો ક્યારેક ઇન્ડિયાનું પલડું ભારે હોય છે. ૪૬મી ઓવરના અંતે ભારતનો સ્કોર હોય છે ૨૨૨/૭. જીતવા માટે ભારતને ૧૩ રનની જરૂર હોય છે અને હાથમાં હોય છે ખાલી ૩ વિકેટ. બોલર હોય છે ટોમ મૂડી અને ક્રીઝ પર કિરણ મોરે બેટિંગ કરી રહ્યા હોય છે. આવનારા ૫ બોલમાં ભારત ૯ રન કરે છે અને કિરણ મોરે સહીત ૨ વિકેટ ગુમાવે છે. હવે જીતવા માટે છેલ્લા બોલ પર ૪ રનની જરૂર હોય છે, ટોમ મૂડી બોલ ફેંકે છે બેટ્સમેન વેંકટપતિ રાજુ બોલને ફટકારે છે, બોલ બાઉન્ડરી સુધી નથી પહોંચતો ફિલ્ડર ડેવિડ બૂન બોલ પકડીને થ્રો કરે છે અને ભારત એક રનથી મેચ હારી જાય છે. આ હાર એ ૧૧ વર્ષના બાળક માટે જાણે અસહ્ય હતી. તેને આખો દિવસ કઈ ખાધું નહિ અને આખી રાત રોડ્યા કર્યું. તેની નાનીએ તેને પૂછ્યું કે એક મેચ ભારત હારી ગયું તેમાં શું કામ આટલો દુઃખી થાય છે અને તેણે તેની નાનીને કહ્યું કે નાની તમે નહિ સમજી શકો અને પછી ઉમેર્યું, જોજો એક દિવસ હું ભારતને વર્લ્ડ કપ જીતાડીશ.
એ પછીથી એ છોકરો જીવ રેડીને ક્રિકેટર બનવા માટે મહેનત કરવા લાગે છે. એક જ સપનું હોય છે કે ભારતને વર્લ્ડ કપ જીતાડવો છે. ૧૯૯૫માં U-૧૪ વર્લ્ડ કપનું આયોજન થયું. ઘણી મહેનત કરવા છતાં તેનું સિલેકશન ન થયું. ત્યારબાદ ૧૯૯૯માં કૂચ બિહાર ટ્રોફી કે જેના આધારે U-૧૯ની ટિમ સિલેક્ટ થવાની હતી તેમાં તેણે ઘણા રન બનાવ્યા, છતાંય U-૧૯માં વર્લ્ડ કપ માટે તેનું સિલેકશન ન થયું. તેને નિરાશા થઈ, ગુસ્સો પણ આવ્યો, પણ તેને પોતાની બધી તાકાત ક્રિકેટમાં ઝોંકી દીધી.
વર્ષ ૨૦૦૦માં તેણે રણજી ટ્રોફીમાં ડેબ્યુ કર્યું. તેમાં ઘણા રન બનાવ્યા. જેના પરિણામે અંતે તેને ભારતીય ટીમમાં ૨૦૦૩માં ડેબ્યુ કર્યું. અમુક સારા ખરાબ પર્ફોમન્સિસને અંતે તે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મેળવવામાં સફળ રહ્યો. ૨૦૦૭ સુધીમાં તે ટેસ્ટ અને વન ડે બંનેમાં ભારતને રિપ્રેઝેન્ટ કરી ચુક્યો હતો. તેનું વર્લ્ડ કપમાં સિલેકશન લગભગ નક્કી હતું. તે સમયની ભારતની ટીમ પણ ઘણી સ્ટ્રોંગ હતી અને એક્સપર્ટસ પણ ભારતને એક સ્ટ્રોંગ કન્ટેન્ડર તરીકે જોઈ રહ્યા હતા. તેને થયું કે કદાચ આજ વર્લ્ડ કપમાં તેનું ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું પૂરું થઇ જશે.
પણ તેના નસીબમાં વર્લ્ડકપ રમવાનું જાણે લખ્યું જ ન હોય તેમ વર્લ્ડકપની ટીમમાં તેને સ્થાન ન મળ્યું. વર્લ્ડકપ પહેલાની છેલ્લી જે સિરીઝ ભારત રમ્યું તેમાં તે પ્લેઈંગ ૧૧માં રમી રહ્યો હતો. અને તેમ છતાં, જયારે ટીમ એનાઉન્સ કરાઈ ત્યારે તેનું નામ તેમાં ન હતું. આ તેની માટે અત્યાર સુધીનો સૌથી મોટો સેટબૅક હતો. પોતાનું સપનું પૂરું કરવાની તે આટલી નજીક પહોંચ્યા બાદ તે ફરીથી નિષ્ફળ ગયો. હવે વર્લ્ડકપ માટે ફરીથી બીજા ૪ વર્ષ રાહ જોવાની હતી. અને કોને ખબર તેમાં પણ સારું પરફોર્મ કરવા છતાં ટીમમાં ચાન્સ મળે કે ન મળે. તે છેલ્લી સિરીઝ સુધી પ્લેઈંગ ૧૧માં હતો. આમ કેમ થઇ ગયું? કેમ તેનું સિલેકશન ન થયું એ તેને સમજાતું નહતું.
અંતે નિરાશ થઈને તેને ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ લેવાનું નક્કી કરી લીધું, હજી બીજા ૪ વર્ષ સંઘર્ષ કરવા માટે તેનું મન તૈયાર ન હતું. પછી થયું કે ક્રિકેટ નહિ તો શું કરીશ. તેના પિતાનો ખુબ સારો એવો બિઝનેસ હતો. પણ થયું કે ના મારે મારા દમ ઉપર કઈ કરવું છે. અને ક્રિકેટમાં જ કરવું છે. જો મને નેશનલ સાઈડમાં સ્થાન નથી મળતું તો કઈ નહિ, ડોમેસ્ટિક ક્રિકેટ તો મારા હાથમાં છે ને, તેણે રેકોર્ડ્સ બુક ખોલ્યા અને જોયું કે રણજીમાં સૌથી વધુ સેન્ચ્યૂરીનો રેકોર્ડ કોને નામે છે, તે સમયે આ રેકોર્ડ ૩૧ સેન્ચ્યુરી સાથે અજય શર્મા નામના પ્લેયરના નામે હતો તેણે નક્કી કર્યું, બસ હું આ રેકોર્ડ તોડીશ. જ્યાં સુધી ક્રિકેટમાં પોતાનું કૈક નામ નહિ બનાવી લઉં ત્યાં સુધી ક્રિકેટ નહી છોડું. તેને ખબર ન હતી કે તેનો ક્રિકેટ ન છોડવાનો આ નિર્ણય તેણે પોતાના અને ખાસ તો ભારત માટે કેટલો મહત્વપૂર્ણ સાબિત થવાનો હતો.
૨૦૦૭ના વર્લ્ડકપમાં ભારત પહેલા જ રાઉન્ડમાં બહાર ફેંકાઈ ગયું. બીજી તરફ ICC ક્રિકેટના નવા ફોર્મેટ T૨૦નો વર્લ્ડકપ યોજવા જઈ રહ્યું હતું. ગાંગુલી, દ્રવિડ અને સચિન પહેલેથી જ T૨૦ વર્લ્ડકપમાં રમવાની ના પડી ચુક્યા હતા. પરિણામે સિલેક્ટર્સે એક યંગ ટીમ ઉતારવાનું નક્કી કર્યું અને તેમાં આ પ્લેયરનું સિલેકશન થઇ ગયું. તેટલું જ નહિ તેણે પાકિસ્તાન સામે પહેલી જ મેચમાં પ્લેઈંગ ૧૧માં પણ સિલેક્ટ કરવામાં આવ્યો. પાકિસ્તાન સામે તે પહેલા જ બોલ પર ઝીરો પર આઉટ થઈ ગયો. પણ આ વખતે નસીબ તેની સાથે હતું. તેણે બીજી તક મળી અને તેમાં તેણે સારું પર્ફોમ કર્યું, આમ કરતાં કરતાં ભારત વર્લ્ડકપની ફાઇનલ સુધી પહોંચી ગયું. તે ફાઇનલ રમવા ઉતરે છે આ તેની માટે એક અત્યંત અગત્યની ક્ષણ હતી. આ તેના જીવનની સૌથી અગત્યની મેચ હતી. તેનું સપનું તેની આંખો સામે હતું. તે બેટિંગ કરવા ઉતાર્યો, તેની નજર સ્કોરબોર્ડ પર ગઈ જ્યાં તેનું નામ લખાયેલું હતું: ગૌતમ ગંભીર. આ જ તક હતી. તેણે મેચમાં ૭૫ રન બનાવ્યા જે ભારતની ઈંનિગ્સનો હાઈએસ્ટ સ્કોર હતો અને ભારતને ફાઈનલ અને વર્લ્ડ કપ જીતાડવામાં અગત્યની ભૂમિકા ભજવી.
વર્લ્ડકપ જીત્યા બાદ ગૌતમ ગંભીરનું સ્થાન ટીમમાં પરમેનેન્ટ થઇ ગયું. તેણે અને વીરેન્દ્ર સહેવાગે ભારતને ત્રણેય ફોર્મેટ્સમાં ઘણી સારી ઓપનિંગ પાર્ટનરશિપ્સ આપી. પણ તેના બેક ઓફ થઈ માઈન્ડ હજી પણ વનડે વર્લ્ડકપ ભારતને જીતાડવાની ઈચ્છા હતી. ૨૦૦૭માં વર્લ્ડ કપ તો જીત્યા હતા પણ તે T૨૦ વર્લ્ડ કપ હતો અને ક્રિકેટમાં સૌથી અગત્યની કોઈ ટુર્નામેન્ટ હોય તો તે વન ડે વર્લ્ડકપ હતો. આ વખતે તો વર્લ્ડકપ પણ ભારતમાં યોજવાનો હતો.
ભારતનું વર્લ્ડ કપ કેમ્પેન ઘણું સારું રહ્યું. ભારત ૨૦૧૧ના વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચ્યું. ફાઇનલ શ્રીલંકા સામે હતી. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતાં ભારતને ૨૭૪ રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં ભારતે મેચના બીજા જ બોલ પાર સહેવાગની અને ૬ઠ્ઠી ઓવરમાં સચિનની વિકેટ ગુમાવી દીધી હતી. ભારત ફરીથી સંકટમાં હતો. ક્રિકેટ ફેન્સને ૨૦૦૩ની વર્લ્ડ કપ ફાઇનલની યાદ આવી ગઈ. જેમાં ઓસ્ટ્રેલિયા સામે આવી જ રીતે ભારતનો કોલેપ્સ થયો હતો અને ભારત મેચ હારી ગયું હતું. ગંભીર પરિસ્થિતિની ગંભીરતા જાણતો હતો. તેણે રિસ્ક લીધા વગર સેન્સીબલી બેટિંગ કરવાનું નક્કી કર્યું. પહેલા કોહલી અને પછી ધોની સાથેની તેની પાર્ટ્નરશિપે ભારતને ૨૮ વર્ષ બાદ વર્લ્ડ કપ વિજેતા બનાવ્યું. એ છોકરો જેણે ૧૯ વર્ષ પહેલા ભારત ઓસ્ટ્રેલિયાની મેચ બાદ નક્કી કર્યું હતું કે તે ભારતને એક દિવસ વર્લ્ડ કપ જીતાડશે તે સાકાર થયું. ૨૦૦૭ના વર્લ્ડકપની જેમ જ તેણે ફાઈનલમાં હાઈએસ્ટ સ્કોર બનાવ્યો હતો અને ૨૦૦૭ના વર્લ્ડકપની જેમ આ વખતે પણ તેને મેન ઓફ ધ મેચ ન મળ્યો.
પોતે ફાઇનલમાં સેન્ચ્યુરી ન મારી શક્યા એ વાતનું કોઈ દુઃખ છે એના વિષે વાત કરતા ગૌતમ ગંભીરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, “હા મને ચોક્કસથી દુઃખ છે. પણ સાથે ખુશી પણ છે કે એ ૯૭ રનને લીધે ભારત મેચ જીતી શક્યું અને મારી ઇંનિંગ્સની જેટલી પણ ચર્ચા થાય છે એ એટલે જ થાય છે કે અમે મેચ જીત્યા હતા. જયવર્દને ફાઇનલમાં સેન્ચ્યુરી મારી હતી પણ એની સેન્ચ્યુરીની કોઈ ચર્ચા નથી કરતું કારણ કે શ્રીલંકા મેચ હારી ગયું હતું. મને ખુશી છે કે મારા કોન્ટ્રીબ્યુશનને લીધે ભારત વર્લ્ડ કપ જીતી શક્યું.
ગૌતમ ગંભીરની આ કથામાં સફળતા માટેનો એક ગુરુમંત્ર છુપાયેલો છે. જયારે ગૌતમ ગંભીરનું સિલેકશન ૨૦૦૭ના વર્લ્ડકપની ટીમમાં ન થયું ત્યારે જેવું તેણે વિચાર્યું હતું તેમ તે જો ક્રિકેટ છોડી દેત તો ક્યારેય પોતાનું સપનું પૂરું ના કરી શકત. પોતાના સૌથી ડાર્કેસ્ટ ફેસમાં પણ તેમણે પ્રયત્ન કરવાનું ન છોડ્યું. ગૌતમ ગંભીરને જયારે લાગ્યું કે કદાચ હવે ભારતને વર્લ્ડકપ જીતાડવાનું સપનું પૂરું નહિ કરી શકે.
વાત ગૌતમ ગંભીરના એટીટ્યૂડમાંથી શીખવા જેવી છે કે, તમે જે સપનું વર્ષોથી સેવેલું હોય એ પૂરું થતું ન દેખાય કે એવું લાગે કે એ પૂરું થવું હવે શક્ય નથી, તો નિરાશ થઈને બધું છોડી દેવાને બદલે તમે જે પણ પરિસ્થિતિમાં હોવ તેમાં બેટર બનવા પ્રયત્ન કરવો જોઈએ.
એવા કેટલાક લોકો હોય છે જે જ્યારે પોતાનું સપનું પૂરું કરવામાં નિષ્ફળ જાય એટલે હિમ્મત હારીને સપના જોવાના જ બંધ કરી છે. કેટલાય એવા વિદ્યાર્થીઓ હોય છે, જેમની કોઈ ડ્રિમ કોલેજ હોય છે અને જ્યારે તેમાં તેમને એડમિશન નથી મળતું એટલે એક નિરાશાભર્યું જીવન જીવવા લાગે છે. તે પોતાની જાત ઉપર લૂઝરનું ટેગ મારી દે છે. ક્યારેક ક્યારેક તો તેમને સારી કોલેજમાં એડમિશન મળ્યું હોવા છતાં તે નિરાશ જ હોય છે, કારણ કે આ એ કોલેજ નથી જે તેમની જોઈતી હતી. અને એટલે જ ટેલેન્ટેડ હોવા છતાં તે એક એવરેજ સ્ટુડન્ટ બનીને રહી જાય છે.
વર્લ્ડકપમાં સિલેકશન ન થયા બાદ જો ગૌતમ ગંભીરે ક્રિકેટ છોડી દીધું હોત, કે નિરાશ થઈને પોતાનું શ્રેષ્ઠ આપવાનું બંધ કરી દીધું હોત તો તે ક્યારેય ૨૦૦૭નો વર્લ્ડકપ ના રમી શક્યો હોત. એ ન હતો જાણતો કે ICC T20નો કોઈ વર્લ્ડ કપ આયોજિત કરવાનું વિચારી રહ્યું છે. તે ન હતો જાણતો કે ભવિષ્ય કેવું હોવાનું છે. એ પણ ન હતો જાણતો કે તેણે ક્યારેય ફરીથી ભારત તરફથી રમવા મળશે કે નહિ. છતાં તેણે વિચાર્યું કે જે મારા હાથમાં જે તક છે, એમાં હું શ્રેષ્ઠ કરીશ. એમાં પોતાની જાતને ઝોંકી દઈશ. અને તેના આ એટીટ્યૂડે જ તેને સફળ બનાવ્યો.
તમને શું મળવાનું છે એ સંપૂર્ણતઃ તમારા હાથમાં નથી, પણ જે કંઈ પણ મળ્યું છે તેમાં શ્રેષ્ઠ કરવું કે નહિ એ પૂરી રીતે તમારા હાથમાં છે. કોને ખબર ગૌતમ ગંભીરની જેમ તમારા નસીબમાં પણ કુદરતે કોઈ સરપ્રાઇઝ રાખ્યું હોય.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત