રૂપલ મહેતા: ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ, જો દીવાર મુવીમાં અમિતાભ બચ્ચન શશી કપૂરને પૂછ કે મેરે પાસ બંગલા હે, ગાડી હે, એશો આરામ હે સબ કુછ હે તુમ્હારે પાસ ક્યાં હે? અને શશીકપૂર જવાબ આપે છે, કે મેરે પાસ ‘મા’ હે. એમ જ જો પ્રાચીનયુગના લોકો આધુનિક યુગના લોકોને પૂછે કે હમારે પાસ સંસ્કૃતિ થી, સભ્યતા થી, મનકી શાંતિ થી, અચ્છે સે અચ્છી શિક્ષણતરાહ થી, અચ્છે સે અચ્છી શસ્ત્રવિદ્યા થી, એક આદર્શ સમાજવ્યવસ્થા થી એક સુંદર કુટુંબવ્યવસ્થા થી,etc.. તુમ્હારે પાસ આજ ક્યાં હે? તો આપણે જવાબ દઈશું હમારે પાસ “ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ” હે!
કેમ ખરું ને મિત્રો? માનવીએ પોતાની બુદ્ધિક્ષમતાઓનો ઉપયોગ કરી માનવજીવનને સરળ અને સુખી બનાવવા અનેક ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ બનાવ્યા છે અને આજે એ ગેઝેટ્સ વગરની આપણી દુનિયાની કલ્પના પણ થઈ શકે એમ નથી. આપણે આપણી જિંદગીને સગવડભરી બનાવવા માટે આ સાધનોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ અને આજે તો આ તમામ સાધનો આપણા સૌ માટે જિંદગીની રોટી,કપડા અને મકાન પછીની ચોથી જરૂરિયાત બની ચુકી છે.
ઘણાને તો જમવા ના આપો તો ચાલે પણ મોબાઇલ, ટી.વી. ટેબ્લેટ તો જોઈએ જ. માણસ આ સાધનો થકી જ એકબીજાની નજીક આવ્યો છે અને આ સાધનો થકી એકબીજાથી દુર જઈ રહ્યો છે. આ બધા સાધનો એટલી હદે આપણી જરૂરિયાત બની ગયા છે કે હવે આપણી આદત અને સ્ટેટસ બની ચુક્યા છે. નાના બાળકથી માંડી યુવાનો અને યુવાનોથી માંડી વૃદ્ધો સુધીની પ્રત્યેક વ્યક્તિઓ આ ગેઝેટ્સના ચક્કરમાંથી બહાર આવી શકે એમ લાગતું નથી.
હકીકત તો એ છે કે માનવજીવનને સરળ બનાવવાના ચક્કરમાં આપણે એને વધુ કોમ્પ્લેક્ષ બનાવી મૂક્યું છે. આમ પણ આ દરેક તો એક સાધન છે, આપણે એનો જેવો ઉપયોગ કરીશું એવું પરિણામ મળશે. પણ આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સારા કરતાં ખરાબ વધુ ઝડપથી કેપ્ચર કરી લઈએ છીએ. આ કોઈ નેગેટીવ વાત નથી પણ આજે જે રીતે લોકોને આ ગેઝેટ્સ પાછળ પાગલ થતા જોઈએ છીએ એટલે એવું લાગે છે.
હમણાં અમારા ગ્રૂપ દ્વારા એક વકતૃત્વ-સ્પર્ધાનું આયોજન કરેલું જેમાં ત્રણ વિષયો આપેલા
૧) જળ એ જ જીવન.
૨) પ્લાસ્ટિક હટાવો પર્યાવરણ બચાવો.
૩) આજના માતા-પિતા પોતાના સંતાનોને શું આપી રહ્યા છે, સંસ્કાર કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ?
સૌથી વધુ સ્પર્ધકો આ છેલ્લા વિષય પર બોલ્યા અને બધાનું કેવું એ જ હતું કે ઘરમાં વડીલો સંસ્કારને બદલે ગેઝેટ્સ જ આપે છે. આમ તો સંસ્કારો અને ગેઝેટ્સ વચ્ચે કોઈ સંબંધ નથી પણ આપણી જૂની પ્રથા મુજબ આપણે બધો દોષ આ ગેઝેટ્સ પર જ નાખી દઈએ છીએ. બાળકો બગડે,યુવાનો બગડે,છોકરીઓ બગડે વગેરે માટે આ સાધનોને જ જવાબદાર માનવામાં આવે છે. કોઈ સંત પ્રવચન આપે,કોઈ ધર્મગુરુ સારી વાત સમજાવે, કોઈ મોટીવેશનલ સ્પીકર સાચી વાત સમજાવે બધા એક જ વાત કહે ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સને લીધે આપણું અને આપણા બાળકોનું ભવિષ્ય બગડી રહ્યું છે.
હવે મિત્રો વાત મજાની છે કે આ બધું જે માધ્યમ થકી આપણા સુધી પહોચે છે એ ઇલેક્ટ્રોનિક જ છે. જો આ સાધનો આટલા જ ખરાબ હોય તો શા માટે આપણે સૌ તેનો ઉપયોગ ટાળતા નથી. હકીકત તો એ છે કે અપડેટ રહેવા આપણે સૌ આ સાધનોનો ઉપયોગ કરીએ જ છીએ. જેણે પોતાના સંતાનોને સંસ્કાર આપવાના છે એ માતા-પિતા પણ એ જ જાળમાં ફસાયેલા છે. બાળકો તોફાન ના કરે, મસ્તી ના કરે, જમી લે એવા કાર્યો માટે માતા-પિતા બાળકોને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પકડાવી દે છે અને પછી બાળકોને આદત પડી જાય એટલે તેઓ જ રાડો પાડતા રહે છે.
ઘરમાં જેટલા સભ્યો એટલા ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ હોય છે. અરે ઘણા ઘરોમાં તો જેટલા રૂમ એટલા ટી.વી. હોય છે અને આમ પણ તમે માર્ક કરજો આજથી દસ-પંદર વર્ષ પહેલા લોકો ટી.વી.ને દોષ આપતા હવે એ દોષ મોબાઇલ,ટેબ્લેટ કે આઈ-ફોન પર ટ્રાન્સફર થઈ ગયો છે. જેમ આકાશમાંના ગ્રહો માણસને નડતા રહે છે એમ જાણે આ સાધનો માણસની જિંદગીને ગ્રહણ લગાડતા રહે છે. પણ લોકોને ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ પ્રત્યેના પૂર્વગ્રહો વધુ નડે છે.
આમ પણ કોઈ પણ નવી શોધ કે સંશોધન માણસ જીવનને ઉપયોગી બનવાના ઈરાદાથી જ થઈ હોય છે. પણ આપણે જ એનો ગલત ઉપયોગ શોધી લઈએ છીએ. ટી.વી.માં ઘણી સારી વાતો પણ આવે છે પણ આપણે એમાંથી માત્ર ફેશન,દેખાદેખી કે ગલત બાબતો જ લઈએ તો એ વાંક આપણો ગણાય. એવું જ અન્ય સાધનોનું છે. મોબાઈલની શોધ વગર દોરડે વાતો કરવા થઈ હતી પણ આપણે તો એનો મૂળ ઉપયોગ જ ભૂલી ગયા છીએ. સેલ્ફી પાડતાં પાડતાં કોઈ પડી જાય કે મરી જાય તો એ કોની ભૂલ ગણાય. બાળકો કે યુવાનો સારામાં સારા વિડિયોઝ છોડી માત્ર પોર્ન વીડિયો જ જુએ( જોકે બધા જ એવા નથી હોતા) તો એમાં ભૂલ કોની? અરે ઘણા માતા-પિતા તો પોતાનું સ્ટેટસ ઊંચું બતાવવા સંતાનોને મોંઘામાં મોંઘા સેલફોન ખરીદી આપે છે. અરે એમાં સંતાનો શું જુએ છે? એની પણ તેઓ દરકાર રાખતા નથી. એમાં પણ જો સંતાન કારકિર્દીના અગત્યના વર્ષમાં હોય તો માતા-પિતા અને સંતાનો વચ્ચે આ બાબતે રોજ બબાલ થતી રહે છે.
તમે બાળકોને સાધનો આપો પણ સાથે સાથે એના ફાયદા-ગેરફાયદા પણ જણાવવા. જેથી તેઓ તેના ઉપયોગ બાબતે સજાગ રહે. આપણે સૌ માર્ક કરીશું તો ખબર પડશે કે બાળકો અને યુવાનો આ ગેઝેટ્સની મદદથી કોઈપણ બાબત સરળતાથી સમજી શકે છે અને શીખી શકે છે તો આપણે એનો ઉપયોગ આ બાળકોને સારું શીખવાડવામાં કરી શકીએ. ટી.વીમાં કે મુવીમાં આવતા ગીતો એને કેવા ફટાફટ યાદ રહી જાય છે. તો આપણે જે કંઈ પણ એને સારું શીખવાડવું છે, એ રસપ્રદ બનાવીને શીખવી શકીએ. બધો વાંક આ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સનો કાઢવા કરતાં એ ગેઝેટ્સનો સારો ઉપયોગ કરતા શીખીએ.
આજે જ છાપામાં એક આર્ટીકલમાં સરસ વાચ્યું માણસ કદી સાવ સારો કે સાવ ખરાબ નથી હોતો. આ તો આપણી કોઈ તરફ દોરવાઈ જવાની વૃતિ જ માણસને પૂજનીય બનાવી દે છે. પણ જેને આપણે પૂજનીય માનીએ છીએ એ વ્યક્તિ પણ ક્યારેક તો કોઈ ભૂલ કરી જ બેસે છે. તેમ જ આ સાધનોનું છે, સાધનો ક્યારેય આપણને તેના ગેરઉપયોગ તરફ વાળતા નથી એ તો આપણે જ છીએ જે એનો ઉપયોગ સમજી શકતા નથી. માટે બીજાની બાબતોથી દોરવાઈ ના જવું અને આ સાધનોને બિચારાને દોષ ના દેતા રહેવું.
સંસ્કારો જેની પાસેથી મળવા જોઈએ ત્યાંથી જ આપવા. આમ પણ બાળક તો કોરી સ્લેટ છે, જેવું લખીશું લખાશે.અને હા સંસ્કારો બગડવા માટે આ સાધનો નહિ પણ આપણે ખુદ જવાબદાર છીએ. માટે આ સાધનોનો યોગ્ય ઉપયોગ કરો અને જલસા કરો. હું આ લેખ પણ તમારા સુધી ફેસબુક,બ્લોગર કે whatsapp દ્વારા જ પહોચાડીશ. છે ને કમાલ?
કોઈ માણસને ખરાબ કહીએ તો એ આપણી સાથે ઝઘડે કે સંબંધ તોડી નાખે. આ બિચારા સાધનોને આપણે કેટલું વગોવીએ, પણ છતાં તેઓ આપણને મદદ કરતા રહે. તમે કહેશો એ તો મશીન છે. પણ વાત સમજજો મશીન મશીન છે અને આપણે…
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા