Homeદે ઘુમા કેIPL 2022: પ્રથમ મેચમાં ચૈન્નઈ સામે કોલકાતાનો વિજય, વાનખેડેમાં વડીલ ધોનીની વિસ્ફોટક...

IPL 2022: પ્રથમ મેચમાં ચૈન્નઈ સામે કોલકાતાનો વિજય, વાનખેડેમાં વડીલ ધોનીની વિસ્ફોટક ઈનિંગ, 35 મહિના બાદ હાફ સેન્ચુરી

Team Chabuk-Sports Desk: મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની પ્રથમ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સે ગત વર્ષની ચેમ્પિયન ચૈન્નઈ સુપરકિંગ્સને છ વિકેટથી પરાજય આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી ચૈન્નઈએ મહેન્દ્રસિંહ ધોનીના નોટઆઊટ 50 રનની મદદથી વીસ ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 131 રનનો સ્કોર કર્યો હતો. જવાબમાં કોલકાતાએ 18.3 ઓવરમાં ચાર વિકેટના નુકસાન પર લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હતું. કેકેઆર માટે અજિંક્ય રહાણેએ સર્વાધિક 44 રન બનાવ્યા હતા. જ્યારે બે વિકેટ ઝડપનાર ઉમેશ યાદવને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો.

બંને ટીમની વચ્ચે અત્યાર સુધી 27 મેચ રમાયા છે. જેમાં સીએસકેએ 17 અને કેકેઆરે નવ મેચ જીત્યા છે. જ્યારે એક મેચનું કોઈ પરિણામ નહોતું નીકળ્યું. બંને વચ્ચે થયેલા અંતિમ 11 મેચમાંથી ચૈન્નઈએ સાત મેચ જીત્યા હતા. તો કોલકાતા નાઈટ રાઈડર્સને ફક્ત ચાર મેચમાં જીત મળી હતી. કોલકાતા અને ચૈન્નઈની વચ્ચે થયેલા અંતિમ પાંચ મેચમાંથી કોલકાતાને મળેલી આ પ્રથમ જીત છે. આ પૂર્વ સીએસકેએ સતત ચાર મેચ જીત્યા હતા.

પ્રથમ બેટીંગ કરતા ચૈન્નઈની શરુઆત સારી નહોતી રહી. ઋતુરાજ ગાયકવાડ શૂન્ય, ડેવોન કોન્વે ત્રણ રન, રોબિન ઉથપ્પા 28 રન, અંબાતિ રાયડુ 15 રન અને શિવમ દુબે ત્રણ રન બનાવી આઊટ થયો હતો. 61ના સામાન્ય સ્કોર પર ચૈન્નઈની પાંચ વિકેટ પડી ગઈ હતી. એ પછી ધોની અને રવીન્દ્ર જાડેજાની વચ્ચે 56 બોલમાં 70 રનની ભાગીદારી થઈ.

અંતિમ પાંચ ઓવરમાં ધોની અને જાડેજાએ મળી 58 રન જોડ્યા હતા. જાડેજા 28 બોલમાં 26 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. તેણે વીસમી ઓવરના અંતિમ બોલમાં સિક્સ ફટકારી ચૈન્નઈની ઈનિંગની પૂર્ણાહુતિ કરી હતી. કોલકાતા તરફથી ઉમેશ યાદવે બે વિકેટ ઝડપી હતી. વરુણ ચક્રવર્તી અને આન્દ્રે રસેલને એક-એક વિકેટ મળી.

ધોનીએ 38 બોલમાં સાત ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી હાફ સેન્ચુરી ફટકારી અણનમ રહ્યો હતો. આ ધોનીના આઈપીએલ કરિયરની 24મી હાફ સેન્ચુરી છે. ધોનીએ 35 મહિના બાદ આઈપીએલમાં હાફ સેન્ચુરી ફટકારી છે. અંતિમ વખત તેણે 21 એપ્રિલ 2019ના રોજ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વિરુદ્ધ હાફ સેન્ચુરી ફટકારી હતી.

132 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી કોલકાતાની ટીમને અજિંક્ય રહાણે અને વેંકટેશ અય્યરે સારી શરુઆત અપાવી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 43 રનની ભાગીદારી નોંધાઈ હતી. વેંકટેશને ડ્વેન બ્રાવોએ પવેલિયન મોકલ્યો હતો. એ પછી નીતિશ રાણાએ મેચમાં કેટલાક શાનદાર શોટ્સ લગાવ્યા હતા પણ તેની ઈનિંગનો અંત પણ ડ્વેન બ્રાવોના હાથે થયો હતો.

નીતિશે 17 બોલમાં 21 રન બનાવ્યા અને આઉટ થયો. રહાણેએ સારી શરુઆત કરતા 33 બોલમાં 44 રન ફટકાર્યાં, પરંતુ તે ફિફ્ટી પૂર્ણ નહોતો કરી શક્યો. ઈનિંગમાં તેણે છ ચોગ્ગા અને એક સિક્સ ફટકારી હતી. સેમ બિલિંગ્સ અને શ્રેયસ અય્યરે મળી કોલકાતાની ઈનિંગને 100ને પાર પહોંચાડી. બિલિંગ્સ 22 બોલમાં 25 રન બનાવી આઊટ થયો હતો. સુકાની શ્રેયસ અય્યર અને શેલ્ડન જેક્સને મળી કોલકાતાને જીત અપાવી હતી. શ્રેયસે 19 બોલમાં 20 રન અને શેલ્ડન ત્રણ રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ચૈન્નઈની તરફથી બ્રાવોએ ત્રણ વિકેટ ઝડપી હતી. મિચેલ સેન્ટરને એક વિકેટ મળી હતી.

આ સાથે જ ડ્વેઈન બ્રાવોએ આઈપીએલમાં સર્વાધિક વિકેટ લેનારા લસિથ મલિંગાની બરાબરી કરી છે. બંનેના નામે હાલ 170-170 વિકેટ છે. બીજા નંબર પર ભારતીય સ્પિનર અમિત મિશ્રા છે. તેણે આઈપીએલમાં 166 વિકેટ લીધી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments