Team Chabuk-IPL Desk: ગુજરાત ટાઈટન્સે વિજયની સાથે આઈપીએલના પોતાના પ્રથમ મેચની શરુઆત કરી છે. હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સ ટીમે કે.એલ.રાહુલની ટીમ લખનઉ સુપર જાયન્ટ્સને પાંચ વિકેટથી પરાજય આપ્યો હતો. આ મેચમાં ગુજરાત માટે મોહમ્મદ શમી અને રાહુલ તેવતિયાએ કમાલ કરી બતાવ્યો. અંતમાં અભિનવ મનોહરે શાનદાર બેટીંગ કરી ગુજરાતને જીત અપાવી હતી. આ મેચમાં ઘણી વખત કરવટ આવી હતી. લખનઉએ ખરાબ શરુઆત શ્રી ગણેશ કર્યાં પછી મેચમાં પુનરાગમન કર્યું હતું. બાદમાં ગુજરાતે પણ ખરાબ શરુઆત કરી, મેચમાં પુનરાગમન કર્યું અને બાદમાં સુકાની હાર્દિક પંડ્યાના આઉટ થયા બાદ ટીમના હાથમાંથી એક સમયે મેચ સરકી રહી હોય તેવું લાગતું હતું. અહીંથી રાહુલ તેવતિયા પોતાની ટીમને મેચમાં ફરી લાવ્યો અને મનોહરે જીત અપાવી.
રાહુલનું નિમ્નસ્તરનું સુકાનીકાર્ય
કે.એલ.રાહુલને ભલે ભારતીય ટીમના ભાવી સુકાની તરીકે તેના કેટલાક ફેન્સ જોતા હોય પરંતુ આ મેચથી ફરી તેના સુકાનીકાર્ય પર સવાલો ઉઠ્યા છે. બેટર તરીકે શૂન્ય પર આઉટ થયા બાદ રાહુલે કેપ્ટનશિપમાં પણ કંઈ ઉકાળ્યું નહોતું. જ્યારે મેચ નિર્ણાયક તબક્કામાં પહોંચી ત્યારે જ 16મી ઓવર દિપક હુડ્ડા પાસે કરાવી હતી જ્યારે કે ફાસ્ટ બોલર્સની ઓવર બાકી હતી. ઝાકળ હોવાથી સ્પિનર્સને બોલિંગ કરવામાં અડચણ પેદા થઈ રહી હતી. જેનો ફાયદો ઉઠાવતા તેવતિયા અને મિલરે દિપક હુડ્ડાની ઓવરમાં 22 રન ફટકારી દીધા. આ એ ક્ષણ હતી જ્યાં લખનઉના હાથમાંથી મેચ સરકી ગઈ હતી. એ પછી રાહુલે આગામી ઓવર રવિ બિશ્નોઈ પાસે કરાવી હતી. જેની બોલિંગમાં પણ 17 રન પડ્યા હતા.
જીતતા જીતતા હારી ગયા
આ મેચમાં જ્યારે ગુજરાત ટાઈટન્સનો રાહુલ તેવતિયા બેટીંગ માટે આવ્યો ત્યારે 78માં ચાર વિકેટ પડી ચૂકી હતી. મેચ પૂરી રીતે લખનઉના કબ્જામાં હતી. ગુજરાતને જીત માટે 81 રનની આવશ્યકતા હતી. તેવતિયા અને મિલરે સાથે મળી 50 રનની ભાગીદારી કરી. બંનેએ ચાર ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 23 બોલમાં 36 રન બનાવ્યા. એ પછી અભિનવ મનોહરે સાત બોલમાં 15 રન આપી ટીમને જીત અપાવી.
કૃણાલ-હુડ્ડાએ કરાવ્યું પુનરાગમન
હાર્દિક પંડ્યા અને મેથ્યૂ વેડની વચ્ચે હાફ સેન્ચુરીની ભાગીદારી થયા બાદ લખનઉ પર હારનું સંકટ તોળાતું હતું. કૃણાલ પંડ્યા અને દીપક હુડ્ડાએ ગલી ક્રિકેટ જેવું પ્રદર્શન કરી રહેલી લખનઉની ટીમનો જીર્ણોદ્ધાર કર્યો હતો. કૃણાલે પોતાના ભાઈ હાર્દિકને પવેલિયનનો રસ્તો બતાવ્યો, જ્યારે હુડ્ડાએ સેટ અને વિધ્વંસક બેટર મેથ્યૂ વેડનો શિકાર કર્યો. કૃણાલે ચાર ઓવરમાં 17 રન આપી ગુજરાત ટાઈટન્સના કેપ્ટનને પવેલિયન મોકલ્યો હતો.
ગુજરાતની ખરાબ શરુઆત
159 રનનો પીછો કરવા માટે ઉતરેલી ગુજરાતની શરુઆત ખરાબ રહી હતી. ઓપનર શુભમન ગિલ પણ ખાતુ ખોલાવ્યા વગર જ પવેલિયન પરત ફર્યો હતો. એ સમયે ટીમનો સ્કોર ફક્ત ચાર રન હતો. તો 15 રનના સામાન્ય સ્કોર પર વિજય શંકરે પણ સાયોનારા કરી દીધું. એ પછી હાર્દિક પંડ્યા અને મેથ્યૂ વેડે ઈનિંગને સંભાળી. બંને વચ્ચે 57 રનની ભાગીદારી થઈ. હાર્દિક પંડ્યા 28 બોલમાં 33 રન બનાવી કૃણાલ પંડ્યાનો શિકાર બન્યો. તો મેથ્યૂ વેડે 29 બોલમાં 30 રન બનાવી દીપક હુડ્ડાના હાથે આઉટ થયો.
શમીએ લખનઉ માટે સંકટ સર્જ્યું
ગુજરાતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પ્રથમ ઓવરની પ્રથમ બોલ પર જ વિપક્ષી સુકાની લોકેશ રાહુલને આઉટ કરી પોતાની ટીમને શાનદાર શરુઆત અપાવી હતી. શમી અહીંથી અટક્યો નહીં, તેણે ડિકોક અને મનીષ પાંડેને પણ સસ્તામાં આઉટ કર્યો અને લખનઉની ટીમને સંકટમાં નાખી દીધી. આ મેચમાં લખનઉનો ટોપ ઓર્ડર પૂરી રીતે ફેલ થઈ ગયો. ટીમની ચાર વિકેટ ફક્ત 29 રનમાં પડી ગઈ. લખનઉના આરંભિક ચાર બેટર્સમાં લુઈસે સર્વાધિક 10 રન બનાવ્યા હતા.
દિપક અને આયુષે લખનઉમાં જીવ ફૂંક્યો
લખનઉની ખરાબ શરુઆત બાદ દિપક હુડ્ડા અને આયુષ બદોનીએ મળીને નિસ્તેજ થઈ ગયેલી બેટીંગ લાઈનઅપમાં જીવ ફૂંક્યો હતો. બંને વચ્ચે 87 રનની ભાગીદારી થઈ હતી. હુડ્ડાએ 41 બોલમાં છ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 55 રનનું યોગદાન આપ્યું. યુવા આયુષ બદોનીએ ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 54 રન ફટકાર્યાં. આ બંનેની ઈનિંગના કારણે લખનઉ 6 વિકેટના નુકસાન પર 158નો સન્માનજનક સ્કોર કરી શકી હતી. 22 વર્ષીય આયુષ બદોનીએ પોતાની પ્રથમ આઈપીએલ મેચમાં જ હાફ સેન્ચુરી ફટકારી હતી.
ખર્ચાળ વરુણ એરોન
ગુજરાતના તમામ બોલર્સે શાનદાર પ્રદર્શન કર્યું. જોકે વરુણ એરોન ટીમ માટે ખર્ચાળ સાબિત થયો હતો. તેણે ચાર ઓવરમાં જ 45 રનનો ધર્માદો કરી દીધો. તેણે બે વિકેટ ઝડપી પણ વિરોધીઓના પોતાના પર થઈ રહેલા આક્રમણને અટકાવવામાં નિષ્ફળ પૂરવાર થયો હતો. આ કારણે જ એક સમયે ખાડે ગયેલી લખનઉની ટીમ 158 સુધી પહોંચી શકી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
