Team Chabuk-Sports Desk: રવીન્દ્ર જાડેજા ચૈન્નઈ સુપરકિંગ્સનો નવો કેપ્ટન ઘોષિત કરવામાં આવ્યો છે. આઈપીએલના 15માં સંસ્કરણમાં ધોનીની જગ્યાએ જાડેજાના ખભા પર ચૈન્નઈને જીતાડવાની જવાબદારી ફ્રેન્ચાઈઝીએ મૂકી છે. ચૈન્નઈ એ જાડેજાની ત્રીજી આઈપીએલ ટીમ છે. તેણે આઈપીએલ કારકિર્દીની શરુઆત રાજસ્થાન રોયલ્સથી કરી હતી, જેમાં તે એક ખેલાડી તરીકે હતો. પોતાની પ્રથમ આઈપીએલમાં જ ટીમ શેન વોર્નના નેતૃત્વમાં વિજેતા બની હતી અને જાડેજા આ ટીમનો સભ્ય હતો. આંતરાષ્ટ્રીય ક્રિકેટના ગુણ જાડેજાએ શેન વોર્ન પાસેથી શીખ્યા અને તેને વધારે નીખારવાનું કામ મહેન્દ્રસિંહ ધોનીના નેતૃત્વએ કર્યું.
2008માં જાડેજા અંડર-19 ક્રિકેટ ટીમનો સભ્ય હતો, જેમાં વિરાટ કોહલીના નેતૃત્વમાં મલેશિયામાં યોજાયેલા વિશ્વકપમાં ભારતીય ટીમ વિશ્વ વિજેતા બની હતી. એ પછી જાડેજા 2008માં યોજાયેલી પ્રથમ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો. જાડેજાને 12 લાખની રકમમાં ખરીદવામાં આવ્યો હતો અને શેન વોર્ને પણ આ ખેલાડીને એક બે નહીં પણ 14 મેચ રમાડ્યા. 2008ની આઈપીએલમાં 19.28ની એવરેજથી જાડેજાએ 135 રન કર્યાં પરંતુ તેને બોલિંગમાં સફળતા પ્રાપ્ત નહોતી થઈ.
આઈપીએલ બાદ જાડેજાને ટી ટ્વેન્ટી અને વનડે ટીમમાં સામેલ કરવામાં આવ્યો. શ્રીલંકા વિરુદ્ધ આઠમી ફેબ્રુઆરી 2009ના રોજ તેણે આંતરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાં પ્રદાર્પણ કર્યું. પ્રથમ મેચમાં જ જાડેજાએ 77 બોલમાં 60 રન ફટકાર્યા. બોલિંગમાં ત્યારે પણ જાડેજાને કોઈ સફળતા પ્રાપ્ત નહોતી થઈ. 10 ફેબ્રુઆરી 2009માં શ્રીલંકાની વિરુદ્ધ તેણે પોતાની પ્રથમ ટી ટ્વેન્ટી મેચ રમી. ત્યારે સાત બોલમાં પાંચ રન બનાવ્યા હતા.
આઈપીએલ 2009ની સિઝન જાડેજાની કારકિર્દી માટે શાનદાર રહી હતી. વોર્નની આગેવાનીમાં તેણે બેટિંગ અને બોલિંગમાં સુધારો કર્યો. જાડેજાએ 295 રન પણ બનાવ્યા અને 6 વિકેટ પણ લીધી. વોર્ને ત્યારે ભવિષ્યવાણી કરી હતી કે જાડેજા એક સમયે ભારતીય ટીમ માટે અચૂક રમશે. 2009ની આઈપીએલ બાદ જાડેજા મર્યાદિત ઓવરમાં ટીમનો નિયમિત ખેલાડી બની ગયો. તેને ટી ટ્વેન્ટી અને વનડેમાં ધોનીએ સતત રમાડ્યો. આમ છતાં 2011ની વિશ્વકપની ટીમમાં તે સામેલ ન થઈ શક્યો.
2012માં જાડેજાને ચૈન્નઈ સુપર કિંગ્સની ટીમે બે મિલિયન ડોલરમાં ખરીદ્યો. સીએસકે સાથે જોડાયા બાદ જાડેજાની રમતમાં ખાસ્સું પરિવર્તન આવ્યું. એ પહેલા કરતા વધારે જવાબદારીપૂર્વક રમવા લાગ્યો. 2015માં ચૈન્નઈ ઉપર બે વર્ષનો પ્રતિબંધ લાગ્યો અને જાડેજાએ 2016 અને 2017ની સિઝન ગુજરાત લાયન્સ તરફથી સુરેશ રૈનાના નેતૃત્વમાં રમી. 2018માં ધોનીની ટીમ ચૈન્નઈમાં તેનું પુનરાગમન થયું.
આઈપીએલ 2022 પહેલા ચૈન્નઈએ ચાર ખેલાડીઓને રિટેઈન કર્યાં હતા. જાડેજા તેમાં પ્રથમ સ્થાન પર હતો. ચૈન્નઈએ તેને સર્વાધિક 16 કરોડ રૂપિયાની રકમ આપી રિટેઈન કર્યો હતો. ફ્રેન્ચાઈઝીએ ખૂદ ધોનીની રકમમાં ઘટાડો કરતા તેને 12 કરોડમાં રિટેઈન કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે ચૈન્નઈની ટીમના તમામ નિર્ણયો મહેન્દ્રસિંહ ધોની લે છે. આ વખતે પણ ધોનીએ જ જાડેજાને સુકાની બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. હવે ધોની ખેલાડી કરતા વધારે ટીમમાં મેન્ટરની ભૂમિકામાં જોવા મળશે. હાલ રવીન્દ્ર જાડેજા ઓલરાઉન્ડર તરીકે પણ કમાલ કરી રહ્યો છે. આઈસીસીની ઓલરાઉન્ડર રેન્કિંગમાં જાડેજા નંબર વનના સ્થાન પર છે.
સ્વરૂપ | મેચ | રન | વિકેટ |
ટેસ્ટ | 59 | 2396 | 242 |
વનડે | 168 | 2411 | 188 |
ટી ટ્વેન્ટી | 58 | 326 | 48 |
આઈપીએલ | 200 | 2386 | 127 |
તાજેતાજો ઘાણવો
- યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીના છૂટાછેડાઃ ફેમિલી કોર્ટે આપ્યો ચુકાદો, બન્ને મોં પર માસ્ક પહેરી પહોંચ્યા કોર્ટ
- આગામી 100 કલાકમાં રાજ્યભરના ગુંડા તત્વોની યાદી તૈયાર કરવા વિકાસ સહાયનો આદેશ
- ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી ત્રીજી વખત જીતી ચેમ્પિયન્સ ટ્રોફી, દુબઈમાં લહેરાવ્યો ત્રિરંગો
- અંબાલાલ પટેલની મોટી આગાહી, “એક તરફ હિમવર્ષા તો બીજી તરફ વધશે ગરમી”
- હોળાષ્ટકમાં ન કરતા આ કામ નહીં તો ભોગવવા પડી શકે છે ગંભીર પરિણામ