ગિરનાર પર્વત પરથી બળબળતો સુરજ ઉગ્યો. એક ચિત્રકારની આંખોને ઉમંગથી ભરી દે એવા ચિત્રનું સૃજન થયું. એ વખતે જૂનાગઢની રિયાસતમાં આજ જેટલી ભાગદોડ નહોતી. રસ્તાઓ સૂમસામ હતા. લોકોની અવર જવર કાયમની જેમ ઓછી જોવા મળી રહી હતી. સવારની નમાજ પૂરી થઈ. મંદિરોનો ઘંટરાવ બંધ થયો.
એક વિશાળ શરીર પથારીમાંથી ઊભું થયું. તેના પગ પાસે એક કૂતરી હતી. તેણે માથા અને હાથને પાછળની બાજુ લઈ જઈ બિલાડાની જેમ બગાસુ ખાધુ જેનાથી કૂતરીને પણ તે જાગી ગયો હોવાનું ભાન થયું. કૂતરી દોડીને તેની પથારી પર આવી ગઈ અને હિઝ હાઈનેસ નવાબ મહાબત ખાનને અવળચંડો વિચાર આવી ગયો.
કૂતરાને લઈ હિઝ હાઈનેસ નવાબ મહાબત ખાનને જો કોઈ વિચાર આવતા તો તે તેનું ઝડપથી અમલીકરણ કરી નાખતો હતો. તેણે તાળીઓ પાડી અને તેના સેવકો તેની આસપાસ આવી ગયા. હવે જે થવાનું હતું તે સમગ્ર વિશ્વમાં એક અલગ કેડો કંડારવાનું હતું. આ ઘટના માટે પાગલપન સિવાય કોઈ સામાનાર્થી શબ્દ જડતો નથી.
નવાબના ખાટલા પાસે બેસેલી અને હવે નવાબના ખોળામાં રહેલી એ કૂતરી, જેને નવાબ પોતાની બેગમ કરતાં પણ અમુક રીતે વધારે પ્રેમ કરતાં હતાં! એ તેમના કક્ષમાં જ ફરતી રહેતી હતી. નામ હતું રોશનઆરા. જૂનાગઢની રિયાસતમાં તેની ચર્ચાઓ વધારે હતી. બીડી ફૂંકતી જનતાના મોઢેથી તેની વાતો પણ ધુમાડો બનીને હવામાં પ્રસરતી અને લોકોના કાને પહોંચી જતી. પાન ખાઈ થૂંકવામાં આવે તો એ અમૂલ્ય પાનને થૂંકવાનું કારણ પણ રોશનઆરાની રોશન વાતો રહેતી હતી.
ફારસીમાં એક કહેવત છે, ‘જો કૂતરો તેના બાદશાહની નજીક છે. તો સાફ છે કે બાદશાહને જનતા કરતાં તે અધિક પ્રિય હોવાનો.’ રોશનઆરા મોટી થઈ ગઈ હતી. નવાબને લાગ્યું કે હવે તેના નિકાહ કરી નાખવા જોઈએ. પગમાં મહેંદી લાગવી જોઈએ!! સોળે શણગાર સજવા જોઈએ. એમણે ફરી તાળીઓ પાડી પોતાના પ્રાઈમ મિનિસ્ટર અલ્લાબખ્શને નોતરું આપ્યું.
અલ્લાબખ્શ નવાબની સામે ઊભો હતો. તેને હુકમનું પાલન કરવાનું હતું. નવાબનો હુકમ હતો કે જેવી રીતે કોઈ શહેઝાદીની શાદી થાય છે બસ એવી જ રીતે મારી રોશનઆરાના પણ નિકાહ થવા જોઈએ. લગ્નમાં નજીવી ચૂક પણ હું નહીં સ્વીકારી લઉં. ધામધૂમ શબ્દ ખરાં અર્થમાં સાર્થક થવો જોઈએ.
નવાબનો હુકમ સર અને આંખો પર ચડી ગયો. નિમંત્રણની એક સૂચિ તૈયાર કરવામાં આવી. જેમાં નવાબો અને જાગીરદારોના નામ હતા. ખાસ નવાબના પ્રિય મિત્રોના નામ હતા. ભારતના વાઈસરોયનું નામ હતું. લેડી ઈર્વિન પણ હતી. ગવર્નર જનરલ કે એજેગ્ટ અને તેની પત્નીને પણ લગ્નમાં પધારવા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. જે લોકો પાસે એક માણસના લગ્નમાં જવાનો પણ સમય ન હોય તેમને જૂનાગઢની રિયાસતના નવાબ મહાબત ખાને એક કૂતરીના વેવિશાળમાં હાજરી પૂરાવવાનું કહ્યું હતું.
નવાબના આમંત્રણ સામે મોટાભાગના લોકો નતમસ્ક થઈ ગયા હતા. જ્યારે વાઈસરોયની પાસે આ અજીબો ગરીબ કંકોત્રી આવી તો તેમના મગજમાં ભોંકાલ મચી ગયો.
વાઈસરોય ને તેની પત્નીએ વિચાર્યું કે, આવું કોઈ દિવસ નથી થયું. નક્કી આ કોઈ સનકી અને મગજથી બહેર મારી ગયેલા માણસનું જ કામ હોવું જોઈએ. આ એક ફિતૂર છે. પાગલપન. તેમણે રોશનઆરાના નિકાહમાં ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો.
નિકાહનો દિવસ આવી ગયો. રોશનઆરાને તૈયાર કરવામાં આવી. જે માણસની ઔકાતથી બહાર હોય તેવા અત્તર અને સેન્ટથી તેને સ્નાન કરાવવામાં આવ્યું. સ્ત્રીઓની આંતરડી બાળી નાખે તેવા ઘરેણા રોશનઆરાનાં ગળામાં પહેરાવવામાં આવ્યા. થાળીમાં મોતીઓનો હાર આવ્યો. ઝવેરાત આવ્યા. કૂતરીના ગળામાં આભુષણોની અભિવૃદ્ધી થઈ. દરબાર હોલમાં રોશનઆરાને લાવવામાં આવી. નિકાહ કોની સાથે હતા ?
નવાબના બહનોઈ અને મેંગ્લોરના નવાબ શિકારી કૂતરા બુબી સાથે. જેને ઘણા બોબી પણ કહેતા હતા. કૂતરાના ગળામાં બાજુબંધ હતો. ગળામાં ત્રણ તોલાનો હાર હતો. રેશમી જરીનો પોશાક તેણે પહેરેલો હતો. કૂતરાના વસ્ત્રાભૂષણથી એક સર્કસ ઊભું થયું હતું. કૂતરા બુબીએ કપડાં પહેર્યા હતા પણ કૂતરીએ નહોતા પહેર્યા.
વરરાજાની આગતા સ્વાગતા માટે નવાબ રેલવે સ્ટેશન પર પહોંચ્યા. એકલા નહોતા. માણસો કરતાં કૂતરાઓની સંખ્યા અત્યાધિક હતી. 250 કૂતરાઓનું જુલૂસ હતું. સાફ વાત છે કૂતરાના લગ્નમાં કૂતરા ન હોય તો બીજું કોણ હોય ? હાથીઓની પીઠ પર લદાયેલા સોના-ચાંદીના ઘરેણા. જે જૂનાગઢવાસીઓની આંખો લાલસાથી ખેંચી રહ્યા હતા કે, એક નીચે પડી જાય તો. નવાબનો કોઈ એવો મિનિસ્ટર કે મહેમાન ન હતો જે ત્યાં ઉપસ્થિત ન હોય.
લાલ રંગની જાજમ બીછાવવામાં આવી. ‘રેડ કાર્પેટ’થી વરરાજાનું સ્વાગત થવાનું હતું. બુબીના આવતા જ ફૌજ સાવધાનની મુદ્રામાં આવી ગઈ. પગ પછાડવામાં આવ્યા. બુબી લાલ કલરની જાજમ પર ચાલી રહ્યો હતો. સૈનિકોનો જમણો હાથ અદ્ધર થયો અને એક કૂતરાને સલામી ઠોકી દીધી.
લગ્નની સૌથી મોટી ખાસિયત એ હતી કે જૂનાગઢમાં ત્રણ દિવસની રજાની જાહેરાત કરી દેવામાં આવી હતી. પચાસ હજાર લોકો માટે ભાવતા ભોજન તૈયાર કરવામાં આવ્યા હતા. ગાડીઓમાં સામાન આવતો હતો. સવાર-સાંજ અને રાત ભરપેટ ભોજન કરાવવામાં આવતું હતું. ભોજનનો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડોદરા, બોમ્બે અને ઈન્દોરથી આવેલી સુંદર નર્તકીઓએ પોતાના હુસ્નની ચાદર મહેમાનોની આંખ સામે પાથરી દીધી.
નિકાહની રસમ પૂર્ણ કરવા માટે કાઝીને બોલાવવામાં આવ્યા હતા. એ નિકાહ એ જ રીતે થયા જે રીતે કોઈ માણસના થતા હોય છે. અરેબિયન નાઈટ્સના સેટને પણ ઉંધેમાથ પછાડે એ રીતે તામજામ કરવામાં આવ્યો હતો.
700 મહેમાન અને ભારતભરમાંથી આવેલા અતિથીઓની સામે નિકાહની વિધિ શરૂ થઈ. રાજા-મહારાજાઓ જે સ્પેશિયલ ટ્રેનથી બોલાવવામાં આવ્યા હતા તે પણ આ વિધિને કુતુહલતાથી જોતા હતા. તેમની ભ્રુકુટી તણાઈ ગઈ હતી. મોઢા પર વિચારશીલ મુદ્રામાં હાથ રહી ગયા હતા. ખુરશી પર બેઠા બેઠા ગાલ પર હાથને ટેકો દઈ કેટલાક લોકો શૂન્યમન્ક હતા.
નિકાહની વિધિ પૂર્ણ થઈ. મહેમાનોએ ભરપેટ વ્યંજનો પેટમાર્ગે પધરાવ્યા. વારો નવાબનો હતો. નવાબ વચ્ચે બેઠા અને તેમની ડાબી બાજુ રોશનઆરા અને જમણી બાજુ જમાઈ બુબીને બેસાડવામાં આવ્યો. જેમ બધા લોકોને જમવાનું પીરસવામાં આવ્યું હતું એ જ રીતે બુબી અને રોશનઆરા માટે પણ થાળીનો પ્રબંધ કરવામાં આવ્યો.
આ સમગ્ર નિકાહમાં એક ગેરહાજરી પ્રવર્તી રહી હતી. અમારી જમાત એટલે કે પત્રકારોની જમાત. થોડીવારમાં પત્રકારો પણ આવી પહોંચ્યા. અખબારોના પ્રતિનિધિઓએ લગ્નના ફોટા પાડ્યા. ભારતના જ નહીં બ્રિટનના અખબારોમાં પણ તસવીરો છપાઈ ગઈ.
સનક હજુ બાકી હતી. જમણવાર પૂર્ણ થતાં જ નવાબે જે વાત કહી એ કાને પડતા સૌ દંગ રહી ગયા. નવાબે ઊંડો શ્વાસ લઈ કહ્યું. ‘મારા કૂતરાઓના ઘરમાં હું 80 માદા અને 20 નર કૂતરાઓનો વધારો કરીશ.’ અને કૂતરાઓની સંખ્યા કરીબ કરીબ 1000ની નજીક પહોંચી ગઈ.
રોશનઆરાની ખાતિરદારીમાં નિકાહ બાદ પણ કોઈ ઉણપ ન વર્તાય. પંખાઓ ફરતા રહેતા હતા. મખમલના ગાદલામાં પડી રહેતી હતી. ભાવતા ભોજનો આંખ સામે રહેતા હતા. અને લગ્ન પછી બુબી? બુબીને બીજા કૂતરાઓની સાથે કૂતરા ઘરમાં નાખી દેવામાં આવ્યો. તેની નવાબની આંખો સામે કોઈ ઔકાત નહોતી.
આ સનકીપણું અટકવાનું ક્યાં હતું. આ નિકાહમાં ઉપસ્થિત મહારાજા રનબીર સિંહ અને પટિયાલાના ભૂપેન્દ્રર સિંહે પણ કૂતરા-કૂતરીના લગ્નની નવી ફેશન નવાબ પાસેથી ઉધાર લીધી. જૂનાગઢની આ રસમ ઉત્તર ભારતમાં પહોંચી ગઈ.
(સંદર્ભ : દિવાન જરમની દાસનું મહારાજા પુસ્તક અને Freedom at Midnight Dominique Lapierre, Larry Collins)
આવી જ માહિતી ને વિગતવાર સમાચાર માટે જોડાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં https://chat.whatsapp.com/HY3J67V9bjG35HY4GLwm7o