વિલિયમ હેરિસનના નિધન બાદ વાઈસ પ્રેસિડેન્ટને બગાસુ ખાતા પતાસુ મળી ગયું. હેરિસનને જીતાવવા માટે તેણે તનતોડ મહેનત કરી હતી. તે દારૂના પીઠાએ પણ વારંવાર જતો અને લોકોને દારૂ પીવાની સાથે સાથે હેરિસનને મત આપજો ફક્ત પીધે જ ન રાખતા, આવું કહી તેના ભક્તોની સંખ્યા વધારતો હતો. ન્યુમોનિયાથી નહીં પણ લાંબુ પ્રવચન આપવાથી મૃત્યુ પામેલા હેરિસનનો વારસો જ્હોન ટાયલરે સંભાળ્યો.
રાજકારણનો તેને બહોળો અનુભવ હતો. નાની વયે તે રાજકારણમાં સક્રિય થઈ ગયેલો. તેની ઉંમરના છોકરાઓ છોકરીઓ પટાવતા હતા ત્યારે તે સ્ટેટ લેજીસ્લેટર બની ગયો હતો. આ હોદ્દો પણ તેને પ્રિય છોકરી ન અપાવી શક્યો અથવા તો તેને છોકરી જોતી જ નહોતી.
સ્કૂલમાં તેની જગ્યાએ તેના પિતા જઈ હાજરી પૂરાવી આવતા રહે તો પણ ચાલે, કારણ કે બંન્નેનું નામ જ્હોન ટાયલર હતું. એ જન્મ્યો તેના સો એક વર્ષ પહેલા જ શેક્સપિયર કહી ચૂકેલો કે નામમાં શું રાખ્યું છે. પણ નામમાં જ બધુ બાળ્યું છે. જ્હોન ટાયલર સિનિયરની પત્નીએ તેના પતિના નામ પાછળ ફરજિયાત સિનિયર લગાવવું પડતું હતું અને તેનાં દીકરાના નામ પાછળ જૂનિયર લગાવવું પડતું હતું. કોઈ પૂછી બેસે તમારા કોની સાથે લગ્ન થયા છે અને માત્ર જ્હોન ટાયલર બોલી દે તો શરમજનક સ્થિતિમાં મુકાવું પડે. સામેવાળો બુદ્ધી વગરનો હોય તો આખા વર્જીનિયા પ્રાંતમાં કહી બેસે કે તેની માતા મેરીએ તો તેના પુત્ર સાથે લગ્ન કર્યા છે. કેવી મુર્ખ સ્ત્રી છે.
વર્જીનિયામાં કાયદાનું શિક્ષણ કાર્ય બરાબર ન હતું ? જ્હોન ટાયલરે પોતાના માટે કાયદાનો પ્રાઈવેટ ટ્યુટર રાખ્યો હતો. માસ્તર ખોટું ભણાવી ન જાય અને ભૂલથી પણ રાજકારણમાં તે ફસાઈ તો થોડી ઘણી કાયદાની સાચી અને સારી સમજ હોય એવું તેનું માનવું હતું.
આ માણસ ગત્ત જન્મમાં નક્કી કાઠિયાવાડી હોવો જોઈએ. તે બધું કામ ઉતાવળે કરતો હતો. 23 વર્ષની ઉંમરે તેણે કોઈ પણ અફેર વિના 1813માં લેટિટિયા ક્રિશ્ચિયન સાથે લગ્ન કરી લીધા. લગ્ન કર્યાના થોડાં વર્ષોમાં જ ધડાધડ આઠ બાળકોનો પિતા બની ગયો. તેના વિશે કહેવાય છે કે તેનો રાજકારણ સિવાય મોટો શોખ પિતા બનવું હતું.
1839માં લેટિટિયાને સ્ટ્રોક આવ્યો. તેને આઘાત લાગ્યો અને પથારીવશ થવું પડ્યું. તેનો પતિ તેની સાર સંભાળ રાખતો હતો. બે વર્ષ બાદ જ્યારે ટાયલર પર અચાનક રાષ્ટ્રપતિ પદની જવાબદારી આવી ગઈ ત્યારે તેની પત્ની ફર્સ્ટ લેડીનો કાર્યભાર સંભાળી ન શકી. ટાયલરની વહુ પ્રિસિલા કૂપરે વ્હાઈટ હાઉસમાં હોસ્ટેસની ભુમિકા ભજવી હતી. તે પૂર્વ અભિનેત્રી હતી એટલે તેની ચમકદમકથી આવતા જતાઓને આંજી દેતી હતી.
1842ની સાલમાં ટાયલરની પત્નીને બીજો સ્ટ્રોક આવ્યો જેને તે જીરવી ન શકી અને પ્રભુને પ્યારી થઈ ગઈ. મરતાં મરતાં તે એક કિર્તીમાન રચતી ગઈ. આ કિર્તીમાનનું નામ છે પ્રેસિડેન્ટની વ્હાઈટ હાઉસની હાજરીમાં મૃત્યુ પામનારી તેની પત્ની. ઓફિશ્યલ ફર્સ્ટ લેડી.
અગાઉનાં ફકરામાં રિકેપની માફક આપણે જોઈ ગયા કે તેને પ્રથમ પત્નીથી આઠ સંતાનો થયા હતા. પત્નીની હાજરીમાં તે બીજા લગ્ન કરી પત્નીને દુ:ખ પહોંચાડવા નહોતો માગતો. પત્નીના નિધન બાદ તેની અંદરના પૌરુષત્વને ફરી ઉત્તેજન મળ્યું. હવે તે રાજકારણ સિવાયના સમયમાં કંઈ નહોતો કરતો. એક સ્ત્રી વિના તો બાપ કેવી રીતે બનવું !
કામદેવે તેની મુલાકાત જૂલિયા ગાર્ડનર સાથે કરાવી આપી. જે તેનાથી 30 વર્ષ નાની હતી. તે રાજકારણમાં સક્રિય હતો ત્યારે જુલિયા નાની બેબલી હતી. પણ પદ સામે બધુ નકામું હોય છે. તે ત્રીસ વર્ષ નાની જ નહોતી પણ તેની પાસે રૂપિયા પણ ક્યાંય સમાઈ નહીં એટલા હતા.
બંન્નેની મુલાકાત થઈ, લગ્ન કર્યા અને ધડાધડ ટાયલર પાછો સાત સંતાનોનો બાપ બની ગયો. બે વખત પરણ્યો અને પંદર સંતાનોનો બાપ બન્યો. અમેરિકાનો કોઈ રાષ્ટ્રપતિ આવું વિસ્મયકારક અને દુર્લભ કાર્ય નહોતો કરી શક્યો. તેની આયુ જેમ જેમ વધતી તેમ તેમ તે વધારે બાળકો પેદા કરતો જતો હતો. રાષ્ટ્રપતિ નહીં વીર્યવાન પતિ.
ગેંગ્સ ઓફ વાસેપૂરના સંવાદની જેમ, ‘ઘોડીઓ કે અસ્તબલ મેં અકેલા ઘોડા.’ આ લેખશ્રેણીનો લેખક તો ત્યાં સુધી કહે છે કે, તેણે રાજકારણ કરવું અને પિતા બનવું, આ બંન્નેમાં બરાબરનો પરસેવો પાડ્યો હતો. (આને બ્લેક હ્યુમર કહેવાય તમને ઈચ્છા હોય તો બ્લુ હ્યુમર પણ કહી શકો!)
વર્જીનિયા ક્ષેત્ર સાથે સંકળાયેલો હતો ત્યારે મંદી લાવવા બદલ તેણે પૂર્વ રાષ્ટ્રપતિ એન્ડ્રૂ જેક્સનનો ખૂબ જ વિરોધ કર્યો હતો. તેની પહેલાનો રાષ્ટ્રપતિ હેરિસન ચૂંટણી જીત્યો હોય તો તેની પાછળ ટાયલરની ચાણ્કય બુદ્ધિનો હાથ છે. બાકી હેરિસનને તો તલવાર ઊંચી કરતાં અને લાંબા ભાષણો લખતા સિવાય કંઈ નહોતું આવડતું. હેરિસન તો ન્યૂમોનિયાના/ભાષણના કારણે એક મહિનામાં ચાલ્યો ગયો પણ હવે ઉપાધી મોટી હતી.
વિરોધપક્ષના લોકો ફરી ચૂંટણીની રાહ જોઈ અંદરો અંદર ઘુવડ વિવેચન કરતાં હતા. એવામાં ટાયલરે કોથળામાંથી બિલાડુ કાઢ્યું. વાઈસ પ્રેસિડેન્ટ પોતે જ રાષ્ટ્રપતિ બની બેઠો. 6 એપ્રિલના રોજ 51 વર્ષની વયે તેણે શપથવિધિ લીધી અને સૌને ચોંકાવી દીધા. ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું કે રાષ્ટ્રપતિના નિધન બાદ ખુરશીની બાગડોર ઉપરાષ્ટ્રપતિના હાથમાં આવી હોય.
અમેરિકાના બંધારણમાં 25મું સંશોધન કરતાં વર્ષ 1967માં એ નક્કી થયું કે રાષ્ટ્રપતિનું જો અકાળે અવસાન થાય અથવા તો એ રાજીનામું આપે, તો ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ બની શકે છે. ટાયલરે તો ઘણા સમય પહેલા પલાળીને મુંડાવી નાખેલું.
એ વ્હાઈટ હાઉસમાં પ્રવેશતા જ રાજકારણનો ભોગ બન્યો. રાષ્ટ્રીય બેંક બનાવવા માટે ‘ટાયલર વીટો બિલ’ તૈયાર કરવામાં આવ્યું હતું. જે જાહેર થયા બાદ એક વ્યક્તિએ રાજીનામું આપી દીધું.
અંદરો અંદર વાતો થવા લાગી કે પાર્ટી ન હોય તો પેલો ટાયલરિયો એક સામાન્ય વ્યક્તિ સિવાય કંઈ નથી. તેણે નેતાઓની મહત્વાકાંક્ષી વાતોને અવગણી કામ પર ધ્યાન આપ્યું જેના ફળ સ્વરૂપે તે બે રાજ્યોનું નિર્માણ કરાવી શક્યો. ફ્લોરિડા અને ટેક્સાસ.
1841માં પ્રિ-એમશન એક્ટ પર તેણે સહી કરી. 1842માં ફ્લોરિડામાં ચાલતા સેમિનોલ યુદ્ધની પૂર્ણાહુતિ કરી શાંતિ સ્થાપનનું કાર્ય કર્યું. 1844માં અમેરિકા અને ચીન વચ્ચે વાંગિયા સંધિ પર હસ્તાક્ષર કર્યા.
પ્રથમ ટર્મ પૂર્ણ થયા પછી તેને કોઈ સાથ નહોતું આપી રહ્યું. જેથી તેણે ત્રીજા ઉમેદવાર તરીકે દાવેદારી ઠોકી. તેના વિરોધીઓ તો ઠીક પણ તેના સમર્થકો પણ તેને હડસેલવા માટે છૂપુ શક્તિ પ્રદર્શન કરી રહ્યાં હતા. થર્ડ પાર્ટી કેન્ડિડેટ તરીકે તેણે અથાગ પરિશ્રમ કર્યો. પણ તે હારી ગયો.
હાર્યા પછી તે માતા પિતાની જમીન પર ચાલ્યો ગયો. વતન વર્જીનિયામાં. હું કહેતા રહી ગયો કે માતા પિતાનો એક સરસ મજાનો ધંધો હતો. પ્લાન્ટેશન-વૃક્ષારોપણનો. 1,200 એકર જમીન અને નજીકમાં જ જેમ્સ નદી આવેલી હતી.
ટાયલરની વિદાય પછી વોશિંગ્ટનને તેની ખોટ વર્તાવા લાગી. 1861માં તેણે શાંતિ સંમેલનની અધ્યક્ષતા કરી પણ તે સફળ ન થઈ શક્યો. ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું. ગૃહ યુદ્ધ એટલે સિવિલ વોર. એક જ દેશના નાગરિકો વચ્ચે ખખડતા ઠામડા. ‘કેપ્ટન અમેરિકા ધ સિવિલ વોર!’ આમ કહું તો વધારે સમજાશે.
યુદ્ધ વચ્ચે તેણે પોતાના રાજ્ય વર્જીનિયાને સુરક્ષિત રાખ્યું. તેને કોન્ફેડરેટનો હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટીવ બનાવવામાં આવ્યો. આ પદ તે રાજીખુશી સંભાળવાનો હતો ત્યાં ઈશ્વરે તેને રાજીખુશીથી ઉપર બોલાવી લીધો.