Homeદે ઘુમા કેઓસ્ટ્રેલિયાનો કોચ એના સમયમાં ચેતેશ્વર પૂજારા બની ગયેલો

ઓસ્ટ્રેલિયાનો કોચ એના સમયમાં ચેતેશ્વર પૂજારા બની ગયેલો

ચેતેશ્વર પૂજારાની ખાસિયત શું છે ? એ બીજો દ્વવિડ છે એ નહીં, પણ એ ફક્ત ટેસ્ટ મેચ જ રમે છે. ભારતીય ટીમમાં જો ચોથા સ્થાને બેટીંગ કરવી અને વિકેટ પડતા રોકવી આ જરૂરિયાતની પૂર્તિ કોઈ કરી શકે તો તે ચેતેશ્વર પૂજારા જ છે. ચેતેશ્વરને વન-ડેમાં એ તક મળે છે કે નહીં કે બસ જેન્ટલમેન ગેમ જ રમવાની છે. એ તો સમય જ બતાવશે, પણ વર્ષ 1997ની સાલથી જસ્ટીન લેંગર પણ ઓસ્ટ્રેલિયા માટે ચેતેશ્વર પૂજારા બની ગયો હતો.

એ પૂરી રીતે ખીલીને સામે આવ્યો વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણીમાં. 22 વર્ષના લેંગર વિશે બોબ સિમ્પસને એક સમયે કહેલું કે, ભવિષ્યમાં આ ખેલાડી ઓસ્ટ્રેલિયાનો સારો કોચ બની શકશે. આજે લેંગર ઓસ્ટ્રેલિયાનો કોચ છે. દરેક બોલ પર હેલિકોપ્ટર શોટ નથી ફટકારી શકાતા. હેલિકોપ્ટરને લેન્ડ થવા માટે એક પરફેક્ટ ગ્રાઊન્ડની જરૂર હોય છે. આ નિવેદન આપનારા મહેન્દ્રસિંહ ધોનીનું વાક્ય લેંગરના કિસ્સામાં પણ સાચું પડે છે.

દરેક મેચ તો જીતી નથી શકાતી. વન-ડેમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સારો દેખાવ કર્યો. ટ્વેન્ટીમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો દેખાવ ઈન્ડિયાની ટીમ જેવો થઈ ગયો. લેંગર ઉત્તેજક છે. પ્રથમ ટી ટ્વેન્ટીમાં રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ચહલ મેદાનમાં ઉતરતા તેણે પોતાનો મગજ ગુમાવ્યો હતો. ક્ષણભર માટે કોચ લેંગરની હડબડાહટ કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ક્રિકેટના કેલાટક હેન્ડસમ ખેલાડીઓમાં લેંગરનો સમાવેશ થાય છે. તેની જ્હોન ટ્રાવેલ્ટો જેવી આંખો તેને બીજા ક્રિકેટરો કરતાં વધારે દેખાવડો બનાવે છે. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓને તો એમનો દેખાવ વાતાવરણના કારણે જ મળ્યો છે. ઉપરથી તેનું બોડી સ્ટ્રક્ચર. જે હવે તો ઉંમરના કારણે ન દેખાય તે સ્વાભાવિક છે.

1992-93ની એ સાલ હતી. વેસ્ટ ઈન્ડિઝની ખતરનાક ટીમ ખતરનાક ઓસ્ટ્રેલિયા સામે ભીડવા માટે તેમના ઘર આંગણે આવી હતી. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એલન બોર્ડર હતા. પાંચ ટેસ્ટ મેચની સિરીઝ હતી જેમાંથી ત્રણ પૂર્ણ થઈ ત્યારે એક મેચ ઓસ્ટ્રેલિયાને ઘર આંગણાનો ફાયદો મળતા જીતી જ્યારે અન્ય બે ડ્રો પરિણમી.

ટીમમાં એક ખેલાડી ડેમિયન માર્ટીન હતો. ઘાયલ થવાના કારણે તેને ટેસ્ટ મેચ અધૂરી છોડવી પડી. તે ઘાયલ થયો અને તક જસ્ટીન લેંગરને મળી ગઈ. એલન બોર્ડરે તેના પર વિશ્વાસ વ્યક્ત કરતા વન ડાઉન એટલે કે ત્રીજા ક્રમે બેટીંગ માટે મોકલ્યો.

માર્ક વોના આઊટ થયા બાદની એ જગ્યા હતી. ડ્રેસિંગ રૂમમાં પણ વાતો થઈ રહી હતી કે, જસ્ટીનનું ટકવું મુશ્કેલ છે, કારણ કે સામે કર્ટીન વોલ્સ, લેન બિશપ, કર્ટીન એમ્બ્રોસ જેવા બોલર્સ હતા. જે ભલભલાનો પાયજામો ઢીલો કરી નાખતા હતા. લેંગરે આ વિધ્વંસક બોલરો સામે 98 મિનિટ બેટીંગ કરી. 78 દડાનો સામનો કર્યો અને 20 રન કર્યા. આ તેની પહેલી ઈનિંગ હતી. જે કંઈ ખાસ નહોતી. બીજી ઈનિંગમાં લેંગર મેદાન પર અજીબ પરાક્રમ કરવાનો હતો. તેણે સ્કોરબોર્ડ પર 54 રન ટાંગી દીધા. જે ઓસ્ટ્રેલિયાના તમામ બેટ્સમેનોમાં સૌથી વધારે હતા. એ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા એક રનથી હારી ગઈ.

ખેલાડી ધીમે ધીમે ઘડાય છે. તક મળે છે પણ તકનો યોગ્ય ઉપયોગ કરતાં પણ આવડવો જોઈએ. જસ્ટીન લેંગરને ટેસ્ટમાં પોતાની પ્રથમ સેન્ચુરી ફટકારતા પાંચ વર્ષનો સમય લાગ્યો. 1998ની સાલમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. રાવલપીંડીની પ્રથમ ટેસ્ટમાં લેંગરને વસિમ અક્રમે શૂન્યમાં આઉટ કરી પવેલિયનનો રસ્તો બતાવી દીધો. પેશાવરની બીજી ટેસ્ટમાં લેંગર પાકિસ્તાન સામે ડકનો બદલો લેવા ઉતર્યો. 212 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 116 રન કરી નાખ્યા. આ ઈનિંગે પસંદગીકારોનું ધ્યાન ખેંચ્યું કે આ ખેલાડીને વધારે તક આપવાની જરૂર છે.

જસ્ટીન લેંગર માટે મોટી ઉપાધિ તેના જ ખેલાડીઓ હતા. ટીમની અંદર જ હરિફાઈ થઈ ગઈ હતી. રિકી પોન્ટીંગ છ નંબરની બેટીંગ પોઝિશન માટે તૈયાર હતો. ડેમિયન માર્ટિન, ડેરેન લેહમન, એડમ ગિલિક્રિસ્ટ… નામ લો તો આંખ સામે ગગનચૂંબી સિક્સરો સિવાય કશું ન દેખાય તેવા ખેલાડીઓ સામે લેંગરની ટીમમાં ટકવા અગ્નિપરીક્ષા થતી હતી. કાયમ થતી હતી. લેંગર તો પોતાની જગ્યા શોધતો હતો.

દુનિયાની સૌથી બેસ્ટ ઓપનિંગ પાર્ટનરશીપ પણ 2000ની સાલ બાદ જ શરૂ થઈ. ટેસ્ટમાં આફ્રિકા પાસે સ્મીથ અને ગિબ્સ હતા. ભારત પાસે ગૌતમ ગંભીર અને સહેવાગની જોડી થોડા વર્ષોમાં જ બનવાની હતી. ઈંગ્લેન્ડ પાસે માર્ક્સ ટ્રેસ્કોથિક અને નિકી ક્નાઈટ જેવા બે લેફ્ટ હેન્ડર હતા અને ઓસ્ટ્રેલિયાને ટેસ્ટમાં મળ્યા હેડન અને લેંગર.

આમ તો વન-ડેમાં હેડન અને ગિલિક્રિસ્ટની જોડી જામતી, પણ ટેસ્ટ વખતે ગિલિક્રિસ્ટ સાતમાં નંબરના સ્થાને ઉતરતો. એક સફળ વિકેટ કિપર હોવાના કારણે ટીમમાં તેનું સ્થાન જળવાય રહેતું હતું.

2001ની સાલમાં ઈંગ્લેન્ડમાં એશિઝ ટૂર્નામેન્ટ યોજાઈ. 3-1થી ઓસ્ટ્રેલિયા પહેલા જ ટેસ્ટ સિરીઝ પોતાના નામે કરી ચૂકી હતી. અહીંથી હેડન અને લેંગરની પાર્ટનરશિપ શરૂ થઈ. જે સિલસિલો કોઈ નિવૃતિ લે તો જ અટકે તેમ હતો. ઈતિહાસ રચાઈ ગયો. બંનેએ ભેગા મળીને 113 ઈનિંગમાં 5655 રન કર્યા. એવરેજ હતી 51.88ની. આ એ સમયની બીજી સૌથી મોટી પાર્ટનરશિપ હતી. પ્રથમ હતી ગોર્ડન ગ્રીનીંગ અને ડેસમન્ડ હેન્સની જેમણે 47.31ની એવરેજથી 6482 રન નોંધાવ્યા હતા.

શું કામે આપણે તેને ચેતેશ્વર પૂજારા કહીએ છીએ? આ ખેલાડીને 1994માં વન-ડે ડેબ્યુની તક મળી હતી. 1994થી 1997 સુધી તે વન-ડેમાં રમ્યો. પછી નિવૃતિ જેવો કાર્યકાળ જ તેના માટે રહ્યો. 8 મેચમાં તે દેખાયો. જેમાં તેણે કુલ 160 રન કર્યા અને પછી વન-ડેની જગ્યાએ ટેસ્ટ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું.

ઓસ્ટ્રેલિયા માટે લેંગર અને ટેસ્ટ એકબીજાના પર્યાય બની ગયા હતા. 105 ટેસ્ટ મેચ તે રમ્યો હતો. 7696 ટેસ્ટ રન કર્યા અને 2007ની સાલમાં 45.27ની એવરેજ સાથે બેટ અને ગ્લવ્સ લઈ મેદાન છોડી દીધું. ઈજાઓ થતી રહી. તે મેદાનમાં આવતો અને જતો રહેતો. બેટથી રન નહોતા બનતા. અલવિદા કહી દીધું.

વિશ્વ ક્રિકેટને લેંગરે શું આપ્યું ? અત્યારે કોઈને પૂછો તો ખબર ય નહીં હોય. ક્રિકેટ ઘણું આગળ નીકળી ચૂક્યું છે. કોઈ ટીમના કોચે તેની ટીમ માટે જે યોગદાન આપ્યું હોય, તેનો ભૂતકાળ ઉખેડવાની ગુજરાતી મીડિયા જગતમાં પરંપરા નથી. ટેસ્ટનો મજબૂત ઓપનર હોવા છતાં અને ત્રણ ત્રણ વર્લ્ડકપ તેના દેશની ટીમ જીતી હોવા છતાં તેને કોઈ દિવસ વિશ્વકપ ઉઠાવવાની કે કપને ચુંબન કરવાની તક ન મળી.

લેંગર કદાચ એ બધામાંથી અલગ તરી આવે છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં મજબૂત સ્ટાર્ટની શરૂઆત કરી હતી. ટેસ્ટમાં તે ઓપનિંગમાં હેડન સાથે ઉતરે અને પછી 100-150 રનનો ખડકલો કરી દે. જેથી તેની પછીના બેટ્સમેનો માટે મેચ જીતવામાં અગવડતા ન પડે. બોલરો પણ પ્રેશરમાં ન રહે. આ પાયો બાંધવાનું કામ જસ્ટીન લેંગરે કર્યું હતું.  

એ કટોકટીનો ખેલાડી હતો. તેને ટીમમાં ટકવાનું હતું. એવી ટીમમાં ટકવાનું હતું જ્યાં તેની ટીમમાં જ તેના મોટા હરિફો હતા. જો તે રન ન બનાવે તો ફેંકાઈ જવાના ચાન્સિસ વધારે હતા, કારણ કે પાછળ ઓસ્ટ્રેલિયાના ધુરંધર ખેલાડીઓની લાંબી લાઈન લાગી હતી. જે ગમે ત્યારે તેનું પદ આંચકી લે. વિચારો તમે એ ટીમમાં રમી રહ્યા છો, જેમાં મેથ્યુ હેડન છે, રિકી પોન્ટીંગ છે, ગિલિક્રિસ્ટ છે, ડેમિયન માર્ટિન છે, માઈકલ બેવન છે. જો ચૂક થઈ જાય તો ટીમમાંથી વિકેટ પડી જાય. એ વન-ડેમાં એટલે જ ન ચાલ્યો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments