Homeસાહિત્યમેં ક્યારેય પલાંઠી લગાવીને વિવેચન કર્યું ન હોય ને વળી વિવેચનસંગ્રહ શાં...

મેં ક્યારેય પલાંઠી લગાવીને વિવેચન કર્યું ન હોય ને વળી વિવેચનસંગ્રહ શાં કરવાં!

માય ડિયર જયુ એ આમ તો છકડો સિવાય કંઈ કર્યું નહોત તો પણ તેઓ વાર્તાક્ષેત્રે અમર થઈ જાત પણ એક વાર્તા ભડાકાવાળી આપી દીધા પછી કંઈ ભાવકો એમને થોડા મેદાન છોડવા દે. એ વખતે હાઈસ્કૂલમાં ભણતા છોકરાઓ નિશાઈળું છૂટે એટલે હડી કાઢતા જાય અને ડાચામાંથી બકતા જાય, ‘જાંબાળા… ખોપાડા…. તગડી…. ને ભડી….’

એ વાર્તામાંથી જો આ ચાર શબ્દો કાઢી લેવામાં આવે તો ગીલાનો જ નહીં એ વાર્તાનો પણ ‘જીવ’ ચાલ્યો જાય. એ શબ્દો મગજમાં પરિભ્રમણ કરતાં રહે છે. ઘુમ્યા કરે છે. નીકળવાનું નામ નથી લેતા. પીઠ પાછળ ફાટી ગયેલું બેગ લઈ એક છોકરો દોડે છે. તેના હાથમાં પાણીની બોટલ છે. બોટલ કાઠિયાવાડીઓ ન કહે. એ તો એને શીશો કહે. થોડું પાણી મોઢે માંડે છે અને વધી ગયેલા પાણીથી જમીનમાં લીસોટા તાણે છે. પછી ત્રાડ પાડે છે, ‘જાંબાળા… ખોપાડા…. તગડી…. ને ભડી…. એલા હું ગીલો મારી વાંહે બેહી જાવ…’

કેવા દિવસો હતા? ક્યાં ના ક્યાં પહોંચી ગયા? સમજણા થયા ત્યારથી મજા નથી આવતી. ગીલો તો વાર્તામાં ગુજરી ગયો. એ વાર્તા વાંચીએ તો હજુ બાળપણ જીવતું થાય છે. એ ક્લાસરૂમ યાદ આવી જાય છે. જેના પાથરણા પણ આપણે પાથરતા. સાહેબ માર મારતા તો ઘરે ફરિયાદ ન કરતા. કેટલાક છોકરાઓના મોઢે સાંભળેલું કે છકડો વાર્તા સરસ છે. તે બીજા છોકરાવે પણ વાંચી લીધેલી અને પછી સાહેબ ભણાવતા ત્યારે તો મજા જ કંઈક અલગ હોય.

ચાબુકના ટેબલ પર કથાભવન શ્રેણી : પુસ્તક સાત પડ્યું છે. જેમાં જયુની નવ વાર્તાઓ છે. રાજકપૂરનો ટાપુ, મને ટાણા લઈ જાવ, છકડો, જીવ, ડાર્વિનનો પિતરાઈ, બાપ-દીકરી, કસર, વળતો ઘા, અને ધીમે ધીમે તાળીઓ પડતી રહી… ગણો જોઈએ નવ જ થઈને ?

આ વાર્તાસંગ્રહની ખાસિયત એ છે કે તેમાં વાર્તાકારે પોતાને ગમતી વાર્તાઓનું ચયન કર્યું છે. લેખકે અઢળક લખ્યું હોય પણ સમય જતા એને પોતાને ગમે તેવું તો પરચૂરણ જ નીકળવાનું. છતાં લટૂર પ્રકાશને માય ડિયર જયુના જેટલા પણ પુસ્તક પ્રકાશિત કર્યા એ બધા જ સમાચાર બુક ચાબુકની પાસે છે. બસ વાંચતા જ રહીએ છીએ. પણ આ જયુદાદા જો વિવેચન કરે અને કેટલાક પુસ્તકો વિશે લખે તો ? કોઈ દિવસ આવો વિચાર મગજમાં આવ્યો છે? જયુએ વિવેચન કર્યું હોય એવું ધ્યાનમાં આપને છે ખરું ? એક ખમતીધર સર્જક વિવેચન કરે એટલે આપણને પણ તે નવલકથા કે વાર્તા વિશે શું વિચારે છે તેની માહિતી મળી જાય. તેના મતે વાર્તા અને નવલકથા એટલે શું તેનો તાગ મેળવવામાં સરળતા રહે. પછી ભલે તે વાર્તા કે નવલકથા પર મસમોટા પ્રવચનો ન કરે.

વાર્તાકાર જયુની આડમાં તેમના વિવેચન સંગ્રહો ખોવાઈ ચૂક્યા છે. 1992માં સ પશ્યતિ પાશ્વ પબ્લિકેશને પ્રકાશિત કર્યો હતો. 2001માં તેમનો ક્ષ વીક્ષતે વિવેચન સંગ્રહ પ્રગટ થયો ત્યારે એમણે લખ્યું હતું કે, ‘‘આવા પ્રસંગોપાત અને પરચુરણ નિરીક્ષણો – અવલોકનોને ગ્રંથસ્થ કરવાની બહુ ઈચ્છા નહીં, કારણ કે હું સમજુ, મેં ક્યારેય પલાંઠી લગાવીને (મિન્સ, ‘એક શિસ્તમાં’) વિવેચન કર્યું ન હોય ને વળી વિવેચનસંગ્રહ શાં કરવાં!’

ક્ષ વીક્ષતે વિવેચનસંગ્રહમાં તેઓ કેટલીક કૃતિઓ વિશે શું લખે છે તે જોઈએ. જેમ કે ઝવેરચંદ મેઘાણીની સોરઠ તારાં વહેતાં પાણી વિશે લખે છે કે, ‘સોરઠ, તારાં વહેતાં પાણીના કથાસર્જનમાં મેઘાણીએ બે પડકારો ઝીલ્યાં છે : એક, પરંપરાગત સર્જનથી ચીલો ચાતરીને અનોખી કથાસંરચના કરી છે. અને બીજું, સોરઠી જીવનનું ચિત્ર ઉપસે એવી શુદ્ધ જાનપદી નવલકથા સર્જી છે. એટલે સોરઠ તારાં વહેતાં પાણી શુદ્ધ જાનપદી નવલકથા યે છે અને સફળ નવલકથા યે છે.’

આ લેખકે માધ્યમો વિશેનો મુદ્દો નવલકથામાં ત્યારે પણ છેડ્યો હતો. હવે તો નવલકથામાં વિવિધ માધ્યમો વિશે વાત શું કરવી ? ફેસબુક પર પણ અંગ્રેજીમાં નવલકથાઓ લખાઈને આવી ચૂકી છે. રેડિયો લવ લાઈન જેવી ગુજરાતીમાં વિભાવરી વર્માએ નવલકથા લખી છે. લાભશંકર ઠાકરની નવલકથા અનાપ-સનાપમાં માધ્યોની ચર્ચા કરતા જયુ લખે છે, ‘હવે સમૂહ માધ્યમોનો યુગ ઘોડાપૂરની પેઠે ધસી આવ્યો છે ત્યારે નવલકથા વિશે ફેરવિચાર કરવાની જરૂર છે. જીવનની અનેકવિધ ગતિવિધિઓને વાચા આપનારાં માધ્યમોની આજે કમી નથી. બનતી ઘટનાઓ કે સર્જાતી સમસ્યાઓ, આવતા વિચારો કે સવલતો કે સર્વને ઘેર ઘેર ખાંડેલાં એન્ટિના કે વહેલી સવારે ફેંકાતા અખબારો રોજ રોજ પળેપળે રજૂ કર્યા છે. એટલું જ નહિ, જુદી જુદી રીતે રજૂ કરે છે : એક સમસ્યાને એક છાપુ એક રીતે રજૂ કરશે, તો બીજું સામાયિક બીજી રીતે. એક સમસ્યા એક ટીવી સિરિયલ એક રીતે રજૂ કરશે, તો રેડિયો કાર્યક્રમમાં જુદી રીતે સંભળાશે. આ સર્વમાં વિવિધતાનો પાર નથી. આવા સંજોગમાં નવલકથાએ સર્વથી ઊફરાં ઊઠીને સર્જન કરવાની જરૂર છે. સપાટી પરનાં, લેભાગુ નેતાઓએ આપેલા પોલાં ભાષણો પરનાં ભાષ્યો જેવા વિષયોને કથાવિષય બનાવીને રાચતી નવલકથાઓને થપથપાવવાને બદલે આધુનિક જાગતિક દર્શનોને કથ્યવિષય બનાવવાની જરૂર છે.’

જયુ સાફ સાફ કહી દે છે કે, ‘ખરી નવલકથા એને જ કહેવાય જે લોકપ્રિય હોય. લોકપ્રિય ન હોય તે નવલકથા નહીં.’

આ વિવેચનમાં રજનીકુમાર પંડ્યાની એ વાતનો સમાવેશ પણ થાય છે કે પુષ્પદાહ નવલકથા વિશે એક માત્ર ભાવનગરના માય ડિયર જયુ એટલે કે પ્રોફેસર જયન્તીલાલ ગોહેલે એકે જ પૂર્વગ્રહદૃષ્ટ વિવેચન લખ્યું છે. બાકીના સૌએ તો મોઢું ફાડીને વખાણ જ કર્યા છે.

આ વિવેચન સંગ્રહમાં વંચાય તે વારતા; અને સર્જાય તે નવલકથા નામના નવમાં પ્રકરણમાં તેઓ લખે છે, ‘વંચાય જાય એવી વાર્તાઓ હમણાં હમણાં લખાય છે. ખૂબાખૂબ અને છપાય છે ખૂબાખૂબ. સાહિત્યના દેશમાં એ પોતાનો નોખો પ્રાન્ત સ્થાપી દે તો નવાઈ નહીં! કારણ કે, એને એવા પ્રકારના વાચકોનો ટેકો છે; એમાં હવે સારાસારા પ્રકાશકોનો ટેકો ભળવા માંડ્યો છે! કહો કે પ્ર-તિ-ષ્ઠિ-ત પ્રકાશકો પણ ભાષા સાહિત્યની ઐસીતૈસી કરીને આવી વારતાઓ ઠઠાડવા માંડ્યા છે.’

પુસ્તકોમાં વિવેચનો પછાતની શ્રેણીમાં આવે છે. એ અમદાવાદના બુક ફેરમાં પણ મોટી સંખ્યામાં ઉપલબ્ધ હોય છે પણ કોઈ ખરીદતું નથી. વિવેચનો ખરીદાવા જોઈએ અને વંચાવા પણ જોઈએ. કારણ માત્ર એટલું જ કે જે તે લેખકે તે પુસ્તકને કેવી રીતે વાંચ્યું છે અને તમે વાંચ્યું ત્યારે કેવી રીતે વાંચ્યું હતું તેની ખબર પડે. હવે તો વાંચવાની વાત ક્યાં માંડવી ? આ જો ચાબુક વાળા પાછી વાંચવાની રામાયણ લઈને બેઠા. ગલગલીયા કરાવતા સમાચાર તો પાછા આપતા જ નથી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments