એક ભાઈ છે. આજે જીવતા હોત તો 465 વત્તા કેટલા વર્ષ ઉમેરો એટલા મોટા થઈ ગયા હોત. ફૂટપાથ પર બેસી હાથ જોનારાઓના ભાગ્ય કોઈ દિવસ ન ખૂલ્યા. છાપામાં સચોટ ભવિષ્યવાણી કરનારા અને ટ્રેનના ડબ્બામાં અખંડ જ્યોતિષી છઉં એવું લખનારાઓ આજે શું કરે છે કોઈને ખબર નથી. છાપામાં રાશિ પ્રમાણે આવતી ભવિષ્યવાણીઓ કેટલી સાચી ?
આ રવિવારે સિંહ રાશિને પ્રવાસના યોગ હોય તો બીજા રવિવારે કર્ક રાશિને એ જ ફરવાના યોગ હોય. લોકડાઉનમાં પણ આ રાશિઓ વિશે જ્યોતિષીઓ પ્રવાસના યોગ છે એવું લખતા હતા. ત્યારે વિચાર આવી જતો હતો કે, આજે નક્કી આ રાશિના જાતકો પોલીસના હાથના ડંડા ખાવાના થયા છે!!
ચાલો જે હોય તે. વર્ષ પૂર્ણ થવાનું છે અને નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ ખતરાની ઘંટી વગાડતા સામે આવી ચૂકી છે. ઘણી વેબસાઈટોમાં ફરી રહી છે. નાસ્ત્રેદમસે આજથી વર્ષો પહેલા પોતાના પુસ્તક લેસ પ્રોફિટીસમાં આ ભવિષ્યવાણીઓ કરી હતી. મડદા જીવતા નથી થતા પણ નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ જીવતી થઈ જાય છે.
1555માં આ પુસ્તકની પ્રથમ આવૃતિ પ્રગટ થઈ હતી. પુસ્તક બેસ્ટ સેલર ન હોવા પાછળનું કારણ કે વેબસાઈટો અને અખબારો તેના પર ધડાધડ લખી નાખે છે. આવનારા વર્ષે જેટલું ભંગાર થવાનું છે એ બધું તેની ચોપડીમાંથી કાઢી આપણી સામે ધરી દે છે. અમોને તો નહોતી ખબર કે પત્રકારત્વમાં એક નાસ્ત્રેદમસ અનુવાદક નામની પણ પોસ્ટ છે!!!

ભવિષ્યવાણીઓ તો પૂરી થવી જોઈએ, પણ નાસ્ત્રેજીની ભવિષ્યવાણીઓ પૂરી નથી થતી તેની પાછળનું કારણ તેમની ભવિષ્યવાણીઓનું લાંબુલચક લિસ્ટ છે. કુલ 6338 ભવિષ્યવાણીઓ કરી છે. દેશમાં પ્રધાનમંત્રી બદલશે તો ચોક્કસથી ફરી નાસ્ત્રેદમસ જીવંત થશે. તેની એક ભવિષ્યવાણી ઉઠાવીને લખવામાં આવશે કે, જુઓ નાસ્ત્રેએ આજથી 465 વર્ષ પહેલા ભાવી ભાખેલું કે આવો પ્રધાનમંત્રી દેશને મળવાનો છે. 70 ટકા ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ છે. તેમની ભવિષ્યવાણીઓ ક્વોટ્રેન છંદમાં છે. એ પણ પત્રકારો વાંચી લે છે ગજબ કહેવાય હો.

2020ની સાલમાં દૈત્ય કોરોનાનું આગમન થવાનું છે તેવી ભવિષ્યવાણીનું પણ સાડી અને બ્લાઉઝની જેમ કેટલાક લોકોએ મેચિંગ કરી નાખેલું હતું. 2021ની સાલમાં શું શું ભયાનક થવાનું છે, તેનું આવનારા વર્ષમાં દેશની જીડીપી કેટલી રહેશે, તે પ્રકારની ભવિષ્યવાણીઓ પ્રગટ થઈ ચૂકી છે. ટેક અ લૂક.
જોમ્બી આવશે
હાય રે બાપા… અત્યાર સુધી તો હોલિવુડની ફિલ્મોમાં જ જોતા હતાં કે જોમ્બી આવા હોય તેવા હોય. સૈફ અલી ખાને ગો ગોવા ગોનમાં પણ જોમ્બીઓના દર્શન કરાવ્યા જેમાં તે રશિયન દેખાતો હતો પણ બન્યો હતો ભારતીય. ભવિષ્યવાણી પ્રમાણે એક રશિયન વૈજ્ઞાનિક જૈવિક હથિયાર અને વાઈરસ વિકસિત કરશે. જે માણસોને જોમ્બી બનાવી દેશે. આ રીતે માણસની પ્રજાતિનો સર્વનાશ થઈ જશે. હવે આટલું ઓછું છે. અંદર અંદરથી તો મરી જ રહ્યા છીએ. કંઈક હોય એટલે રશિયા પર જ ઢોળી દેવાનું.

દુષ્કાળ પડશે
નાસ્ત્રેદમસે કહ્યું હતું કે, દુષ્કાળ પડશે, ભૂકંપ આવશે, બીમારીઓ આવશે, જે મહામારીના સંકેત હશે. જે આ સમયમાં થઈ પણ રહ્યું છે. વર્ષ 2020માં કોરોના વાઈરસની મહામારી તેની શરૂઆત માનવામાં આવી રહી છે. દુષ્કાળ એવો હશે જેનો સામનો અત્યાર સુધી કોઈએ નહીં કર્યો હોય. વિશ્વની વસતિના એક મોટા ભાગનો સર્વનાશ થઈ જશે.

સૂર્યનો વિનાશ
2021ના વર્ષમાં દુનિયાભરમાં પ્રમુખ ઘટનાઓ મહત્વની બનીને રહેશે. આ સમયે સૂર્યનો વિનાશ એ પૃથ્વી માટે વિનાશકરૂપ સાબિત થશે. નાસ્ત્રેદમસે આપેલી એક ચેતવણીમાં સમુદ્રની ઊંડાઈમાં વધારો અને પૃથ્વીના તેમાં સમાવાની વાત કરી છે. જળવાયુ પરિવર્તનનું આ નુકસાન યુદ્ધ અને ભીષણ ટક્કરની સ્થિતિ પેદા કરશે. સાધન સંપત્તિ માટે વિશ્વભરમાં યુદ્ધો છેડાશે અને લોકો પલાયન કરશે.

પૃથ્વી સાથે ધૂમકેતુ ટકરાશે
આપણને તો બે જ ધૂમકેતુની ખબર છે. એક આપણા ગુજરાતી લેખક ગૌરીશંકર જોશી અને બીજો હેલીનો ધૂમકેતુ. આ સિવાય જેટલા ધૂમકેતુ આવે છે તે મીડિયાના કારણે અડતા અડતા ફંટાય જાય છે. બાકી તમારી ભવિષ્યવાણી નાસ્ત્રેદમસભાઈ સાચી પડી જાત. તો પૃથ્વી સાથે એક ધૂમકેતુ અથડાશે તેવી વાત પણ કરી છે. જે ભૂકંપ સહિત કેટલીય માનવ આપત્તિઓનું કારણ બનશે. પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યા બાદ તે એસ્ટેરોયડ ખતરનાક થઈ જશે. જેને દેખાવમાં ‘ગ્રેટ ફાયર’ જેવો કહેવામાં આવશે.

હવે નાસાના વૈજ્ઞાનિકોએ પહેલા જ એક મોટા ધૂમકેતુની પૃથ્વી સાથે અથડાવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. ડોન્ટ વરી… મીડિયા તેને પણ ફંટાવી દેશે. જેમ એમણે વાયુ વાવાઝોડાને ફંટાવ્યું હતું. એ તો એમ કહે છે કે આ વર્ષને ગંભીરતાથી લેવાની જરૂર છે, કારણ કે 2009KF1 નામનો એસ્ટેરોયડ 6 મે 2021ના રોજ પૃથ્વી સાથે અથડાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ એસ્ટેરોયડની તાકાત 1945માં જાપાનના હિરોશિમા પર અમેરિકા દ્વારા ફેંકવામાં આવેલા પરમાણુ બોમ્બ કરતાં 15 ગણી વધારે હશે.
કેલિફોર્નિયામાં ભૂકંપ
હોલિવુડની ફિલ્મ જોવાના શોખીન હો અને આ સમયમાં તો હોવ જ, તો અમેરિકાના કેલિફોર્નિયામાં જ ભૂકંપ આવવાનો છે તેવી આગાહી નાસ્ત્રેદમસે કરી છે. આ પ્રલયકારી ભૂકંપ ન્યૂ વર્લ્ડને તબાહ કરી દેશે. કેલિફોર્નિયાને આ ઘટનાનું કેન્દ્રબિંદુ કહી શકાય કે જ્યાં આ ઘટના થઈ શકે છે. પ્રાકૃતિક આપત્તિઓને લઈને નાસ્ત્રેદમસે પહેલા પણ આવી ભવિષ્યવાણીઓ કરી હતી.

બ્રેન ચીપ
માનવજાતિને બચાવવા માટે અમેરિકન સૈનિકોના મગજને સાઈબોર્ગમાં તબ્દિલ કરી દેવામાં આવશે. જેના માટે બ્રેઈન ચીપનો ઉપયોગ કરવામાં આવશે. આ ચીપ માણસના મગજની બાયોલોજીકલ ઈન્ટેલિજન્સને વધારવામાં મદદ કરશે. તેનો અર્થ એ થયો કે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સને બુદ્ધિ અને શરીરમાં સામેલ કરવામાં આવશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત