Team Chabuk-Story: એ બપોરનો સમય હતો. હું ડરથી થરથર ધ્રુજી રહ્યો હતો, પણ મને આ સિવાય કોઈ વિકલ્પ નહોતો દેખાતો. નજીકમાં ચાની દુકાન હતી. ત્યાં હકડેઠઠ ભીડ જામેલી હતી. હું એ ચાવાળાની નજરથી બચીને ખુરશી લઈ બેઠો હતો. ક્યારની મગજમાં ગડમથલ ચાલી રહી હતી કે જાઉં કે નહીં. જાઉં કે નહીં. મારા હાથમાં એક થેલી હતી. ગાય આવીને ભાંભરી, ચાવાળાએ ગુસ્સામાં તેના પર ડબલું લઈ પાણી ઢોળ્યું. પાણી ઢોળતા તેની નજર મારા તરફ ગઈ. હું તેની ખુરશી પર બેઠો હતો. ક્યારનો બેઠો હતો. એક જ વિચારની સાથે કે જાઉં કે નહીં. હવે એ મને ઊભો કરશે. બધાની સામે મને ખખડાવશે. મારી આબરું કાઢશે. હું હેબતાઈ ગયો. મારી નજર જમીન ખોદવા લાગી.
બીકનો માર્યો હું ઊભો થવા જ જતો હતો કે તે જાણે મારું મગજ વાંચી ગયો હોય એમ ઈશારાથી હાથને ઉપર નીચે કર્યો. મારા ચહેરા પર આંશિક સ્મિત આવી ગયું. એક વિચાર પાંગર્યો કે કોઈ આટલું સારું પણ કેવી રીતે હોય શકે. એ ચાવાળો પાછો પોતાના કામમાં પરોવાયો.
હવે હું ઊભો થયો. મારી સામે પોલીસ સ્ટેશન હતું. તેની બહાર વાહનોના થડા લાગેલા હતા. વચ્ચે તૂટેલો રસ્તો હતો. એમાં ચોમાસાના ભારે વરસાદ પછી વજનવાળા વાહનો ચાલતા કાંકરીઓનો ભૂક્કો થઈ ગયો હતો. કોઈ વાહન ઝપાટાભેર ચાલે ત્યારે તેની કાંકરીઓ ઉડતી હતી. કોઈ વખત માથામાં સનન કરી લાગતી હતી. મને પણ વાગી. વાહન ન દેખાતાં હું ઝડપભેર રસ્તો ક્રોસ કરી ગયો અને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો.
એક સાહેબ લખવામાં પરોવાયા હતાં. હું તેમની બાજુમાં ગયો અને એક વખતનો પણ વિચાર કર્યા વિના તેમને કહી દીધું, ‘મારા મા મારી બલિ ચડાવવા માગે છે.’
એણે પોતાનું કાળું મોઢું ઊંચુ કર્યું. તેમાં તેનાં સફેદ ચમકતા દાંત દેખાયા. તેના માથાની રેખાઓ ઉપસી આવી. એની ઉંમર એટલી મોટી હતી જાણે હવે નોકરી પૂરી થવા જ આવી હોય. મારી વાત સાંભળ્યા પછી તેની લાલ આંખોમાં ચમક આવી ગઈ. મારી ઉંમર એટલી મોટી નહોતી. હું તો પંદર વર્ષનો જ હતો. બે ત્રણ વર્ષ વધારી દો તો પણ કોઈ પંદર વર્ષથી વધારે તો ધારે જ નહીં.
‘અહીં આવ બેટા.’ તેણે મારો હાથ પકડ્યો અને મને એક ઓફિસમાં લઈ ગયો. એ ઓફિસ એસપીની હતી. બહાર લગાવેલા બોર્ડને વાંચતા મને ખબર પડી ગઈ. હું ડરતો હતો. એસપી કાગળમાં કાંઈક લખતા હતાં. હું આવ્યો એટલે મારી સામે જોયું. એકધારું જોયું. પેનને બાજુમાં મૂકી જે પોલીસદાદા મને લાવ્યા હતાં તેમની સામે ગરદન હલાવી પ્રતીકાત્મક મુદ્રામાં પૂછ્યું.
‘સાહેબ છોકરો કહે છે એની મા… એની મા… એની બલિ ચડાવવા માગે છે.’ એના અવાજથી એ લાગણીશીલ લાગ્યો. બોલતા બોલતા બે વખત તેની જીભ ફફડી ગઈ.
‘હે?’ સાહેબના ચહેરા પર કરચલીઓ ઉપસતા ક્ષણિક પણ વાર ન લાગી. સફેદ ચહેરાના કારણે એ મને ઘાટી લાગતી હતી. એ ઘાટી કરચલીઓની ઉપર ઉપર પરસેવાના બિંદુઓ જામી ગયા હતા. ઉપર પંખો ફરતો હતો, પણ ઉનાળો પંખાની ઝડપ કરતાં વધારે આકરો હોય છે. બાકી તેને ઉનાળો શું કામે કહે? તેણે ઘડીવાર માટે મારી સામે જોયું. ત્રાટક કર્યું. પછી ચા મંગાવી. પેલો પોલીસ ચાલ્યો ગયો એટલે સાહેબ મારી સાથે વાતે વળગ્યા, ‘તને એમ કેવી રીતે લાગે છે કે તારી મા તારી બલિ ચડાવવા માગે છે?’
‘મેં એવું જોયું છે?’
‘શું જોયું છે?’ એસપી સાહેબનું મોઢું વાક્ય પૂર્ણ કરતાં કરતાં ખુલ્લુ રહી ગયું. હું એમને જોતો રહ્યો. પંખો ચાલે છે કે નહીં એ જોવા મેં દૃષ્ટી ઉપર કરી. કહેવું કે નહીં એ વિચારોના ગોટા મગજમાં વળતાં હતાં. અહીં સુધી આવ્યા પછી હવે પાછળ વળવું મુશ્કેલ હતું. હું પટ પટ પોપટની જેમ બોલવા લાગ્યો.
‘હું વિશ્વંભરા કોલોનીમાં રહું છું. મને જન્મ આપનારી મમ્મી તો ઘર છોડીને ચાલી ગઈ છે.’
‘એ ક્યાં છે અત્યારે ?’ એસપી સાહેબે અધવચ્ચે જ પૂછ્યું.
‘ખબર નહીં. પપ્પા કોઈ દિવસ કહેતા નથી.’
‘ઠીક છે, આગળ…’ એમણે હાથથી ઈશારો કરતાં મને વધવાનું કહ્યું.
‘એ પછી મારા પપ્પાએ નવા લગ્ન કર્યા. નવી માતાનું નામ લક્ષ્મી છે. તેની મોટી મોટી આંખો છે. માથા પર લાલ રંગનો મોટો ટીકો કરે છે ત્યારે તો હું બી જ જાઉં છું. આખો દિવસ પૂજા જ કરતી હોય છે. એની આંખો મારા પર પડે એટલે મને કંઈક થવા લાગે. છાતી ધબધબ થવા લાગે. સ્કૂલેથી છૂંટુ તો પણ હું તેની પાસે નથી જતો. હું એક બે કલાક શહેરમાં ભાટકું છું. જેથી મારે તેનો બિહામણો ચહેરો ન જોવા પડે.’
‘કેટલીક ઉંમર હશે એનો કાંઈ અંદાજો? એણે પહેલા લગ્ન કર્યા હતાં ક્યાંય કે…?’
‘ના, પહેલા લગ્ન તો ક્યાંય નથી કર્યા સાહેબ. મારા પપ્પાનો લોબાનનો ધંધો છે. ફેક્ટરી છે. ઘણી કમાણી કરે છે. એટલે પૈસા જોઈને જ આવી હોય.’
‘આ વાત તે તારા પપ્પાને કહી.’
‘એ કામમાંથી નવરા જ નથી પડતા. મને યાદ છે એ દિવસે એ ઘરે હતાં, મારી બીજી મા બહાર ગઈ હતી. હું દોડીને તેમની પાસે ગયો અને આખી વાત કહી દીધી કે મમ્મી મારી બલિ ચડાવવા માગે છે.’
‘એમની શું પ્રતિક્રિયા હતી? એટલે એમનો જવાબ શું હતો?’
‘એ હસવા જ લાગ્યા. નાહીને બહાર નીકળ્યા હતાં તો અરિસા સામે ઊભા રહી માથામાં દાંતિયો ઘસતા બોલ્યા, મને પણ રાતે તેની બીક લાગે છે. એનો ચહેરો એવો છે એટલે. અને બલિની વાત તો વહેમ છે. એ બિચારી કીડી પણ નથી મારી શકતી. ગઈકાલે રાતે બાથરૂમમાં ગરોળી હતી તો મારે કાઢવા જવી પડેલી.’
‘એ વિશ્વાસ નથી કરતાં? વાત નથી માનતા?’
‘ના.’
‘કેવી રીતે ખબર પડી કે તારી મા તારી બલિ ચડાવવા માગે છે.’ એસપીએ માથા પર રહેલા પરસેવાને સફેદ કલરના રૂમાલથી લૂંછ્યો.
‘ફેક્ટરીનાં કોઈ કામ માટે મારા પપ્પાને મહારાષ્ટ્ર જવાનું થયું. ઘરમાં હું એકલો હતો. વારે ઘડીએ મારી બીજી માનો ચહેરો મારી આંખ સામે આવી જતો હતો. જાણે અનિચ્છાએ એ ચહેરો મારા મગજમાં છપાઈ ગયો હતો. હું પાણી પીવા માટે નીચે ઉતર્યો કે ત્યાં મેં સાવિત્રીને જોઈ…’
‘ઊભો રહે… ઊભો રહે…. ઊભો રહે… આ સાવિત્રી કોણ છે? તારી બહેન?’
‘નહીં, મારી બીજી માતા લક્ષ્મીની બહેનપણી.’ સાહેબ એક ઊંડા વિચારમાં પડી ગયા. થોડી વાર માટે ખુરશીમાં પીઠને નમાવતા પડ્યા અને પછી હસવા લાગ્યા. મને સંભળાયું, એ ધીમેથી બોલ્યાં પણ ખરા, ‘સાવિત્રી….’ આ શબ્દ મારા કાને પડ્યો અને મારું મોઢું નીમાલું થઈ ગયું.
‘પપ્પા ફેક્ટરીના કામ માટે બહાર ગયા હશે એટલે એ રોકાવા આવી હશે.’ એસપીએ પોતાનું જ્ઞાન છતું કર્યું. તેમના અવાજથી હું વિચારોના વમળમાંથી પાછો ફર્યો.
‘એ રોકાવા નથી આવતી સાહેબ. મારા પપ્પા જ્યારે જ્યારે બહાર જાય છે એ આવી જ જાય છે. એ અને મારી બીજી મા તેના રૂમમાં કશુંક કરતાં હોય છે. એક વખત તો…’
‘શું એક વખત તો?’ મેં સાહેબની આંખમાં જોયું. તેમની જિજ્ઞાસાવૃત્તિ વધી ગઈ હતી. હું કહેતા શરમાઈ રહ્યો હતો, પણ મારે કહ્યે જ છૂટકો હતો.
‘સાહેબ, હું રાતના મારા મિત્ર સાથે રમવા ગયો હતો. સાંજ ઢળી પછી હું પાછો આવ્યો. એ દિવસે વરસાદ પણ બંધ થઈ ગયો હતો. ચાર દિવસ ધીમો અને ફાસ વરસાદ પડ્યો હતો. માંડ ઘરની બહાર જવાનો મેળ પડેલો. મારા પિતા એ દિવસે પણ ફેક્ટરીનાં કામ માટે મહારાષ્ટ્ર ગયા હતા. હું સાંજના આઠેક વાગ્યે ઘરે પહોંચ્યો હોઈશ. ઘરની એક ચાવી મારી પાસે પણ હતી. જેમ આજે પણ છે. મેં ઘરનો મુખ્ય દરવાજો ખોલ્યો. ડાઈનિંગ ટેબલ ઉપર સફરજન હતું. મેં એ સફરજન ઉપાડી મોટો બટકો ભર્યો. ને ત્યાં મારા કાને અવાજ પડ્યો. કોઈ સિસકારા લેતું હતું. હું અવાજની એ દિશામાં ગયો. મારા પપ્પા અને મમ્મીના રૂમમાંથી અવાજ આવતો હતો. મને ખ્યાલ છે ત્યાં એક કાણું હોય છે. જ્યાંથી બધું જોઈ શકાય. અને મેં જોયું તો…’
‘શું જોયું?’
‘લક્ષ્મી અને સાવિત્રી બંને નગ્ન હતી. એકબીજાની ઉપર. એ એકબીજાના શરીરને સહેલાવી રહી હતી.’ હું વાત કહેતા કહેતા અટકી ગયો. એસપી સાહેબ એકધારા મારી સામે જોતા હતાં. હું તેમનાથી મારી નજરોને બચાવી રહ્યો હતો. વાક્ય બોલી લીધા પછી મને થયું કે આ હું શું બોલી ગયો. આવી રીતે ? પણ જ્યારે જ્યારે મને અફસોસ થતો હતો ત્યારે ત્યારે મારી સામે બલિની વાત આવી જતી હતી.
‘ઠીક છે. બલિની વાત કેવી રીતે ખબર પડી?’
‘એ જ સાંજે. એમને ખબર નહોતી કે હું ઘરમાં છું. એકબીજાની ઉપર ભીંત ગરોળીની જેમ ચોંટેલી સાવિત્રીએ લક્ષ્મીને પૂછ્યું કે કેવી રીતે? લક્ષ્મીએ કહ્યું, આવતીકાલે રાતના બાર વાગ્યે છોકરાનું માથું ધડથી અલગ કરી નાખીશું.’
એસપી સાહેબ મારી સામે દિગ્મૂઢ અવસ્થામાં જોઈ રહ્યાં હતાં, ‘કોઈ ખાસ કારણ તારી હત્યા કરવાનું ?’
‘મને નથી ખબર પણ એવું લાગ્યા રાખે છે કે કદાચ એ જે માટે પૂજા કરે છે એ માટે જ હોય. ઉપરથી આવતી કાલે તો અમાસ પણ છે.’
‘અત્યારે ક્યાં રહે છો?’ સાહેબે પૂછ્યું.
મેં કાકલુદી કરતાં જવાબ આપ્યો, ‘એ સાંજથી હું ઘરે જ નથી ગયો. હું સીધો અહીં આવી ગયો, તમારી પાસે, હવે મને બચાવો.’
‘કેવી રીતે તારી વાત માની લઈએ?’ હવે સાહેબને મારી વાતમાં સંશય થયો, પણ મારે ગમે તે ભોગે તેમને મનાવવાના હતા. જો એ ન માને તો પછી મારું આવી બને. તેમના આ વાક્યએ તો મને સાતમાં પાતાળમાં ઉતારી દીધો. આટલું કહ્યા પછી પણ એ વાત માનવા તૈયાર નહોતા.
‘તો આજે રાતે મારી બલિ ચડી જશે. હું અહીંથી ઘરે જાઉં છું, કાલે તમને મારું કપાયેલું માથું મળી જશે.’ હું મારું મોઢું જમીનમાં રાખી રડવા જેવો થઈ ગયો. ડૂસકુ આવ્યું. છાતી હલબલી ગઈ એનો અંદાજો પીઠથી આવ્યો.
એસપી થોડી વખત માટે દ્રિધામાં પડી ગયા. એ મારી સામે જોતા પછી પંખાની ઉપર જોતા. આંખ લૂંછવા લાગતા. હોઠ કરડવા લાગતા.
બારણે ટકોરા પડ્યા. પેલો પોલીસ ઓફિસર ચાનો કપ અને નાસ્તો લઈ આવ્યો. એસપી સાહેબે ચાનો મોટો ઘૂંટડો ભર્યો. મેં પ્લેટમાં રહેલું બિસ્કીટ અચકાયા વિના લઈ લીધું અને આખેઆખું મોઢામાં મૂકી દીધું. ચા પૂરી કર્યા પછી એસપીએ પેલા પોલીસદાદાને ઈશારાથી જવાનું કહ્યું. એમની મોટાભાગની વાતો ઈશારાથી જ થતી હશે એવો મને ભાસ થયો.
હું હજુ એકાદ બે બિસ્કીટ ખાવામાં પડ્યો હતો. એસપીએ નાકને ડાબા અંગૂઠાથી ઘસતા કહ્યું, ‘આજે તું ઘરે જ રહેજે અને તારા ઘરની ચાવી મને આપી દે. હું રાતના બાર વાગ્યે તારા ઘરે આવીશ. એકલો જ આવીશ અને રંગેહાથે તારી બલિ ચડાવનારાઓને પકડી લઈશ. જો તું સાચો હોઈશ તો! કારણ કે બીજા ઓફિસરોને આટલી નાની અમથી વાત માટે હેરાન કરવા મને ગમશે નહિ. ઠીક છે?’
મેં ફક્ત ગરદન હલાવી અને ત્યાંથી ચાલ્યો ગયો.
રાતના બાર વાગ્યે એસપી સાહેબ મારા ઘરે આવ્યા. હું એવી જગ્યાએ હતો જ્યાંથી તેમને દેખાઉં પણ નહીં. મેં અવાજ સાંભળ્યો. બારણું હળવેકથી ખૂલ્યું હતું. આગળિયાનો બે વખત ડખ ડખ થવાનો અવાજ મારા કાને અથડાયો હતો. એસપી સાહેબ ઘરની અંદર આવી ગયા. એ આવ્યા એટલે મેં જોરથી આંખ મીંચી દીધી. હવે જે થવાનું હતું તેની મને એકલાને જ ખબર હતી. બિચારા એસપીને તો ક્યાંથી?
ડાઈનિંગ ટેબલ, તેની બાજુના રૂમ અને પછી અંદરના બંને રૂમમાં ખાખાખોળા કરતા પસાર થઈ ગયા. તેને ક્યાંય કોઈ ન દેખાયું. ઘરની પાછળની બાજુમાં રહેલા પગથિયાં તરફથી તે અગાશી પર ચડ્યો. અહીં સરકારી લાઈટનો પ્રકાશ અને ટમટમતા તારા સિવાય તેના હાથમાં કંઈ ન આવ્યું. એ નીચે આવી ગયો. તેના બૂટના પછડાવાનો ટપ ટપ અવાજ મેં સાંભળ્યો. ઘરના આછા અજવાળામાં તેને કંઈ દેખાતું નહોતું. એ સ્વીચ શોધવા જતો હતો. એને સ્વીચ મળી પણ ગઈ. તેણે લાઈટ ચાલું કરવા માટે હાથ લંબાવ્યો. પાછળથી મોટો કાતો તેની ગરદન પર પડ્યો. એસપીનો હાથ તેની ગરદન પાસે રહી ગયો. ધડાધડ લોહીનો ફૂંવારો છૂટ્યો.
ઘા એવી જગ્યાએ લાગ્યો હતો અને એટલો જોરથી લાગ્યો હતો કે તેના મોઢામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો. લોહીને દાબવા તેણે જમણો હાથ રાખ્યો અને પાછળ ફર્યો. ફરતા જ એને અંધકારમાં બે સ્ત્રીઓના ચહેરા દેખાયા. જેના વાળ ખૂલ્લા હતા. બેઉંએ મરુન કલરની સાડી પહેરેલી હતી. માથામાં ભભૂત લગાવેલું હતું. એ બેમાંથી એક સ્ત્રીના હાથમાં મોટો કાતો હતો. જેમાંથી એસપી સાહેબના શરીરનું લોહી વહી રહ્યું હતું.
હું જોતો હતો. એસપી ઢળી પડ્યો. જેવી રીતે મારા પિતા ઢળી પડ્યાં હતાં. જેવી રીતે મારી બીજી માએ મારા પિતાને માર્યો હતો. એસપીને પણ એવી જ રીતે…
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત