Homeવિશેષયોગાનું નવું સરનામું એટલે “કિનો યોગા” – અને એ પણ મફત…!

યોગાનું નવું સરનામું એટલે “કિનો યોગા” – અને એ પણ મફત…!

Team Chabuk-Special Desk: કેટલાક અમેરિકન લોકોને ભારતીય જીવનશૈલી ખૂબ પચી જાય છે. ભારતમાં વર્ષે પશ્ચિમથી કેટલાય યાયાવરો આવતા હશે. ઘણાં ઉદ્દેશ્યો હોય, પણ બે ખાસ. એક કેરળમાં જઈ કલ્લરીપટ્ટુ શીખવું અને બીજું ભારતની સૌથી લોકપ્રિય અને પ્રાચીન સ્વાસ્થ્ય વિદ્યા યોગ શીખવા. તો કેટલાક અધ્યાત્મ માટે આવે છે. કેટલાક પશ્ચિમની જીવનશૈલીથી કંટાળી આવે છે.
હવે તો યુટ્યુબ પર યોગાસન શીખવાડવાનો રાફડો ફાટ્યો છે. એમાં ડરાવીને કામ કરાવવામાં આવે. કેવી રીતે? આ યોગાસનને જો આ આ રીતે નહીં કરો તો થઈ જશે આ આ….! પણ અહીંથી શીખીને જે લોકો પશ્ચિમમાં જાય છે અને ત્યાં આ પ્રકારની દુકાન ખોલે તો એમનો મુખ્ય હેતુ માત્ર અને માત્ર ભારતીય યોગનો પ્રચાર કરવાનો છે.

કિનો મેક્રેગોર નામની મહિલાની યુટ્યુબ ચેનલ લાંબા લાંબા એક ટેકમાં શોટ થયેલા યોગાસનના વીડિયોની છે. દસ મિનિટના વીડિયો, બાર મિનિટના, ચૌદ મિનિટના, વીસ મિનિટના અને કેટલાક તો કલાક સુધીના યોગા ફ્લો.

12 સપ્ટેમ્બર 1977નાં રોજ કિનોનો જન્મ થયો. એ ન્યૂયોર્કમાં હતી. તણાવામાં હતી અને ત્યાંથી તેને અષ્ટાંગ યોગાનું ઘેલું લાગ્યું. સાત વર્ષ સુધી કર્ણાટકના મૈસૂરમાં તેણે નિવાસ કર્યો. અહીં તે અષ્ટાંગ યોગા શીખી અને હવે અમેરિકાના મીયામીના બીચ પર તે અસંખ્ય અમેરિકનોને યોગા શીખવી રહી છે. 19 વર્ષની આયુથી અષ્ટાંગયોગ કરવાની જેમ તેમ શરુઆત કરી હતી. અત્યારે તે માસ્ટર છે. ચાર પુસ્તકો લખી ચૂકી છે. ઈન્સ્ટા પર એક મિલિયન કરતાં વધારે ફોલોઅર્સ છે. આજે પણ તે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પોતે જ હેન્ડલ કરે છે. જોકે હવે લોકપ્રિયતા વધતા એક આસિસ્ટન્ટની આવશ્યકતા પડી છે. 2012માં તેણે મીયામી યોગા મેગેઝીનની શરુઆત કરી હતી. 2008માં “યોગા જર્નલે” સર્વશ્રેષ્ઠ ચાલીસ અંદરની આયુ ધરાવતા યોગા ટીચર્સનો સર્વે કર્યો તેમાં કિનો હતી.

હવે થોડાં ઊંડાણમાં ઉતરીએ. કિનો ભારતના કર્ણાટક રાજ્યના મૈસૂરમાં હતી. અહીં દિવસની શરુઆત બે વાગ્યે થઈ જતી. રાતના બે વાગ્યે ઉઠતી કારણ કે યોગશાળામાં તેને 2:45એ પહોંચવાનું હોય. હાલ કિનોનો નિત્યક્રમ કંઈક આવો છે. છથી આઠની વચ્ચે ગમે ત્યારે ઉઠે. ધ્યાન કરે. ચા પીવે. સ્નાન કરે. તેને ઊંઘવું ગમે છે. સવારના કોઈ પણ સમયે તે ઉઠી શકે છે.

વર્તમાન સમયે કિનો પણ આપણી જેમ વ્યસ્ત થઈ ગઈ છે. એટલે ઉઠ્યા પછી, ચા પીધા પછી, તેને લખવાનું કામ કરવાનું હોય છે. એક કલાક લેખનવિધિ પત્યા પછી તે યોગાસન કરે છે. કેટલાક આસન કરી તે મીટીંગ અટેન્ડ કરે છે. વેપારના અઢળક પ્રોજેક્ટ હાથવગા હોવાથી તે વ્યક્તિગત રીતે કોઈને શીખવી નથી શકતી પણ તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર બધા વીડિયો અપલોડ કરી દીધા છે.

જ્યારે કિનોને પૂછવામાં આવે કે આટલા બધા આસનમાંથી તેને ગમતું આસન કયું ? તો તે હેન્ડ સ્ટેન્ડને સૌ પ્રથમ મૂકે છે. હેન્ડ સ્ટેન્ડ એટલે દિવાલને ટેકો લીધા વગર, પગ ઉપર અને હાથ નીચે. કિનો માટે આજે પણ આ ક્યારેક મુશ્કેલ થઈ જતું હોય છે. પણ એ કરે છે. એને એમાં મજા આવે છે. કિનો એક સરસ વાત કહે છે, કિનો જેટલી શક્તિ અને ગતિશીલતા આપણે કેવી રીતે મેળવવી? એક ઈન્ટરવ્યૂમાં કિનોએ તે વિષેનો જવાબ આપ્યો હતો, નક્કી કરો કે તમે એ કરી શકો એમ છો. એ ન જુઓ કે કેટલો લાંબો સમય લાગશે. બસ નમતું નહીં જોખવાનું.

ભોજનમાં ફળ તેના પ્રિય છે. એશિયાની મુલાકાતે હોય ત્યારે અહીંના તાજા ફળો ખાવાનું ચૂકતી નથી. અમેરિકામાં ઠંડીના દિવસોમાં એનું શરીર શાકભાજી પર નભે છે. પાણી ખૂબ પીવે છે.

તેની યુટ્યુબ ચેનલની વિઝીટ કરશો તો તમને અષ્ટાંગ યોગા સિવાય યીન યોગા પણ જોવા મળશે. ભારતીય યોગાસન વિષે તો જાણો જ છો પણ યીનયોગા કઈ બલા છે? 1970માં ચીનના માર્શલ આર્ટ નિષ્ણાત અને યોગ પ્રશિક્ષક પાઉલી જીન્કે યીનયોગાની તાઓવાદી સ્વરૂપમાં શરુઆત કરી હતી. જેવી રીતે પ્રાચીનકાળથી ભારતમાં હઠયોગ કરવામાં આવે છે તેવી રીતે ચીનમાં તાઓવાદી યોગા કરવામાં આવે છે. તાઓઈસ્ટ યોગ પદ્ધતિ દ્વારા જ બાદમાં યીનયોગાની શરુઆત થઈ હતી. યીનયોગાનો મુખ્ય ઉદ્દેશ્ય માનસિક સંતુલન રાખવું, શરીરમાં ઉર્જા કાયમ રાખવી અને આંતરિક સંતુલનની સ્થાપના કરવાનો છે. યીનયોગાની વિશેષતા એ છે કે તેમાં એક આસનને લાંબા સમય સુધી સ્થિરતા અને ધૈર્ય દ્વારા કરવામાં આવે છે. એ યોગની ધીમી ગતિની શૈલી છે. કિનો એમાં પણ મહારાત ધરાવે છે.

પણ કિનોનું પૂરતું ફોક્સ શરીરની તાકાત, ગતિશીલતા અને બેલેન્સ પર છે. એટલે તમે તેની ફેસબુક કે ઈન્સ્ટા આઈડી ચકાસશો તો ખ્યાલ આવશે કે એમાં તેણે બેલેન્સનો સર્વાધિક ઉપયોગ કરતી પોસ્ટ શેર કરી છે. જે લોકોને આકર્ષિત કરે. અને વિચારતા પણ કરે કે આવું અઘરું અઘરું થાય કેવી રીતે? ગુજરાતીમાં એનાં માટે એક શબ્દ પણ છે: “દેખાડો કરવો.”

Kino Yoga

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments