Homeગામનાં ચોરેમે મહિનામાં ખેડૂતોની સંસદ માર્ચ

મે મહિનામાં ખેડૂતોની સંસદ માર્ચ

ગોવાબાપાઃ ચાબુક ખેડૂત આંદોલન મામલે હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી. ત્રણ કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે નિમેલી ત્રણ સભ્યોની કમિટીએ સુપ્રીમ કોર્ટમાં રિપોર્ટ જમા કરાવી દીધો છે. કમિટીએ લગભગ 85 ખેડૂત સંગઠનો સાથે વાતચીત કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો છે. પરિણામ શું આવે છે તેની રાહ જોવાની રહી.

તો આ તરફ સંયુક્ત કિસાન મોર્ચાએ મે મહિનામાં સંસદ માર્ચની જાહેરાત કરી છે. ખેડૂતો અને મજૂરો ઉપરાંત મહિલાઓ, દલિત-આદિવાસી, બેરોજગાર યુવાનો અને સમાજના દરેક વર્ગના લોકો આ માર્ચમાં ભાગ લેશે તેવો દાવો કરવામાં આવ્યો છે. સંસદ માર્ચ સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે કરવાનું પણ ખેડૂત સંગઠનોએ કહ્યું છે.

રોડના કામમાંય ભેદભાવ ?

ચાબુક ગુજરાતમાં રોડ-રસ્તા બનાવવામાંય ભેદભાવ થઈ રહ્યો છે. આવુ હું નહીં કોંગ્રેસના ધારાસભ્ય કહી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે વિધાનસભા ગૃહમાં રજૂઆત કરી છે કે જે રોડ પંચાયતો હસ્તક બની રહ્યા છે તેની ગુણવત્તા યોગ્ય નથી. સ્ટેટ હાઈ-વેનું કામ ગુણવત્તાવાળું થઈ રહ્યું છે. ભાવ સમાન ન હોવાથી કામ સારા થતાં નથી. એટલે કે રાજ્યમાં સ્ટેટ હાઈ-વે ટકોરાબંધ થઈ રહ્યા છે અને પંચાયત હસ્તક જે રોડનું કામ થઈ રહ્યું છે તે નબળું થઈ રહ્યું છે.

કોંગ્રેસને હવે ખબર પડી

ચાબુક આપણે તો ઘણા દિવસથી કહીએ છીએ કે ભાજપની જીતમાં જેટલો ફાળો જનતાના મતનો છે તેટલો જ ફાળો કોંગ્રેસની નિષ્ક્રિયતાનો પણ છે. આજે આ વાતનો આડકતરી રીતે સ્વીકાર ખુદ કોંગ્રેસના પ્રભારીએ કરી લીધો છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે કહ્યું છે કે, પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતા બદલી નાખવાથી પાર્ટીનો દેખાવ નહીં સુધરે. કોંગ્રેસને જમીન પર ઉતરીને દેખાવ સુધારવો પડશે. રાજીવ સાતવે કહ્યુ કે પ્રદેશથી લઈને બુથ સુધી ફેરફાર કરવામાં આવશે. તમામ નેતાઓને કામની છૂટ આપી હતી છતાં પરિણામ મળ્યું નથી. તમામ જિલ્લામાં દેખાવ ખરાબ રહ્યો છે. ગુજરાતના પરિણામને લઈને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી પણ ચિંતિત છે.

વેરા વિધેયકનો વિરોધ

ગુજરાત વિધાનસભામાં રાજ્ય વ્યવસાય, ધંધા, રોજગાર વેરા (સુધારા) વિધેયક 2021 રજૂ કરવામાં આવ્યું. વિધેયક રજૂ કરતાં નીતિન પટેલે કહ્યું કે, રાજ્યમાં કોઈ કરદાતાને બોજ નહીં આવે. વેટ જે આવે તે આવતા તમામ આ કાયદા અંતર્ગત આવશે. સામા પક્ષે વિપક્ષી નેતાએ આ વિધેયકનો વિરોધ કર્યો છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, 1976થી રાજ્યમાં વ્યવસાય વેરો ચાલે જ છે. આ નવો સુધારા વિધેયક આવવાથી મહિને 6 હજાર કમાનારે પણ વેરો ભરવો પડશે. ખમણ, ગાંઠીયા અને પાણીપુરી પર પણ વેરો લાગુ પડશે. 7.50 હજાર કરોડનો વધારાનો કર નાખવા માટે સરકાર આ વિધેયક લાવી છે. દેવાના બદલે લેવાની વૃત્તિથી રાજ્ય સરકાર આ વિધેયક લાવી છે.

રાત્રિ કર્ફ્યૂનો વિરોધ

ચાબુક આ કોરોના રાત્રે ફેલાય છે એ તો તને ખબર છે ને. સરકારે પણ કોરોના રાત્રે ફેલાતો હોવાથી રાત્રિ કર્ફ્યૂ લાંબા સમયથી લાદ્યો છે. જેમાં સૌથી વધુ પરેશાન થયા છે રેસ્ટોરન્ટ ધારકો. રાજકોટના રેસ્ટોરન્ટ ધારકો તો અકળાઈ ઉઠ્યા છે. રાજકોટમાં પણ હવે રાત્રિ કર્ફ્યૂ રાતના 9 થી સવારના 6 થઈ જતાં રેસ્ટોરન્ટવાળાને ધંધા ભાંગી પડવાનો ડર સતાવી રહ્યો છે. રેસ્ટોરન્ટના સંચાલકો કહી રહ્યા છે કે જો આમને આમ ચાલતું રહેશે તો ધંધા બંધ કરી દેવા પડશે. ચાબુક રેસ્ટોરન્ટવાળાની વાત વિચારવા જેવી છે. દિવસે બધા ધંધા રોજગાર ચાલુ હોય અને રાત્રે જ્યારે રેસ્ટોરન્ટવાળાને કમાવાનું હોય ત્યારે જ સરકાર બંધ કરી દે તો એમની આવકમાં ગાબડું પડવાનું જ છે. રેસ્ટોરન્ટ સંચાલકો તો કહી રહ્યા છે કે શું કોરોના રાતના 3 કલાક સુધી જ ફેલાય છે ? રાજકોટના રેસ્ટોરન્ટ સંચાલકો રાત્રિ કર્ફ્યૂ 9 ને બદલે 10 વાગ્યાથી કરવાની માગ કરી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments