Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021ના એલિમિનેટર મુકાબલામાં કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ચાર વિકેટથી સજ્જડ પરાજય આપ્યો હતો. બેંગ્લોરની વિરૂદ્ધ કેકેઆરના સુનીલ નરેને શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. તેણે આરસીબીના ચાર વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી, શ્રીકર ભરત, ગ્લેન મેક્સવેલ અને એબી ડીવિલિયર્સને આઉટ કર્યાં હતાં.

નરેને પોતાના સ્પેલમાં ચાર ઓવરમાં ચાર વિકેટ લઈ 21 રન જ આપ્યા હતા. આ કારણે જ આરસીબીની ટીમે સારી શરૂઆત કરી હોવા છતાં એક સમયે 138 રનમાં ધબડકો થઈ ગયો હતો. નરેન ખેલાડી તરીકે 2012 અને 2014માં કેકેઆરની ટીમનો જ ભાગ હતો. આ બંને વર્ષે કોલકાતાએ ટ્રોફી જીતી હતી. લીગમાં સૌથી વધારે વિકેટ પણ તેના નામે જ બોલી રહી છે. નરેને અત્યાર સુધીમાં 132 મેચમાં 140 વિકેટ મેળવી છે.

તેની ઈકોનોમી રેટ પણ સારી છે. 6.75ની ઈકોનોમીથી તેણે રન આપ્યા છે. આ વર્ષ નરેન માટે સુખદ સાબિત થયું. તેણે 6.51ની ઈકોનોમીથી રન આપ્યા. નરેને આ સિઝનમાં એક ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે. તે વિરાટ, ડિવિલિયર્સ અને મેક્સવેલને આઉટ કરનારો સિઝનનો બીજો અને બીજા ફેઝનો પ્રથમ ખેલાડી છે.

પ્રથમ ફેઝમાં પંજાબ કિંગ્સના હરપ્રીત બરારે આ કારનામો કર્યો હતો. હરપ્રીતે આ ત્રણે ઘાતક ખેલાડીઓને પવેલિયનનો માર્ગ બતાવ્યો હતો. એ મેચ પંજાબ જીતી હતી અને આ મેચ કોલકાતાએ જીતી છે. મેચની વાત કરીએ તો ટોસ જીતીને પહેલા બેટીંગ કરતા બેંગ્લોરે વીસ ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 138 રન બનાવ્યા. કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધુ 39 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં કોલકતાએ 19.4 ઓવરમાં છ વિકેટના નુકસાન પર શેષ બે બોલ બાકી રહેતા, 139 રન કરી મેચ પર કબ્જો જમાવી લીધો હતો. કોલકાતા તરફથી શુભમન ગિલે સર્વાધિક 29 રન ફટકાર્યા હતા.
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ