Homeગામનાં ચોરેશહીદ થયેલા મનદીપ સિંહ હંમેશા કહેતાં કે તેમના ગામમાં શહીદના નામ પર...

શહીદ થયેલા મનદીપ સિંહ હંમેશા કહેતાં કે તેમના ગામમાં શહીદના નામ પર એકપણ પ્રવેશદ્વાર નથી

Team Chabuk-National Desk: જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઈકાલે સોમવારે સવારના સમયે દેશ માટે એક દુઃખદ સમાચાર આવ્યા. આતંકીઓ સાથે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળના પાંચ જવાનો શહીદ થઈ ગયા. જે પાંચ જવાનો શહીદ થયા છે જેમાં એક જૂનિયર કમિશંન્ડ ઓફિસર (જેસીઓ) પણ સામેલ છે. આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળતા સુરનકોટમાં ડીકેજી નજીક એક ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સેનાના જવાનોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો. ત્યારબાદ આતંકીઓ અને સેનાના જવાનો વચ્ચે ફાયરિંગ શરૂ થયું. જેમાં દેશના પાંચ વીર જવાનો શહીદ થયા.

દેશ માટે લડતાં લડતાં શહીદી વહોરી લેનાર જવાનોના નામ ગજ્જન સિંહ (gajjan singh), વૈસાખ એચ (vaisakh h), જસવિન્દર સિંહ (jaswinder singh), મનદિપ સિંહ (mandeep singh) અને સરાજ સિંહ (saraj singh) છે. પાંચેય જવાનોના શહીદ થવાથી દેશમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં આતંકીઓ પ્રત્યે રોષની જ્વાળા ભભૂકી ઉઠી છે. તો આ તરફ પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ નાયબ સુબેદાર જસવિંદર સિંહ, મનદિપ સિંહ અને ગજ્જન સિંહની શહીદી બદલ શોક વ્યક્ત કરીને પરિવારને 50 લાખ રૂપિયાની સહાય અને પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની જાહેરાત કરી છે.

શહીદ જવાન જસવિંદર સિંહ, હરભજન સિંહના પુત્ર છે. તેઓ મનન તલવંડી ગામમાં રહે છે. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં જસવિંદર સિંહ શહીદ થઈ ગયા છે. જસવિંદર સિંહના ઘરમાં બે ભાઈ છે. તેમના પિતાનું પણ નિધન થઈ ચૂક્યું છે. જસવિંદર સિંહના પિતા હરભજન સિંહ સેનામાં કેપ્ટન તરીકે સેવા બજાવીને સેવાનિવૃત્ત થયા હતા. તેમના મોટાભાઈ રાજિન્દર સિંહ પણ સેનામાંથી નિવૃત્ત થયા છે. નાયક સુબેદાર જસવિંદર સિંહ પરણિત છે. તેમની પત્ની સુખપ્રીત કૌર બે બાળકની માતા છે.

advertisement-1

મનદીપ સિંહના પુત્રનો જન્મ સવા મહિના પહેલાં જ થયો છે

શહીદ થયેલા જવાનોમાં મનદીપ સિંહ પણ સામેલ છે. મનદીપ સિંહની ઉંમર હજુ માત્ર 30 વર્ષ જ છે. તેઓ પંજાબના ગુરદાસપુરના ચટ્ઠા ગામના રહેવાસી છે. શહીદ મનદીપ સિંહ પોતાની પાછળ માતા મનજીત કૌર, પત્ની મનદીપ કૌર અને બે દીકરાને છોડીને દેશ માટે શહીદી વહોરી લીધી છે. શહીદ મનદીપ સિંહના મોટા પુત્ર મંતાજ સિંહ 4 વર્ષનો છે અને નાનો પુત્ર ગુરકીરત સિંહ હજુ માત્ર 39 દિવસનો જ થયો છે. મનદીપ સિંહના ઘરે હજુ થોડા દિવસ પહેલાં જ દીકરાના જન્મ થતાં ખુશીનો માહોલ હતો. આગામી 16 ઓક્ટોબરે મનદીપ સિંહનો જન્મદિવસ પણ હતો. મનદીપ સિંહના પિતરાઈ ભાઈ ગુરમુખ સિંહ અને ગામમાં રહેતા ગુરવિન્દર સિંહે મનદીપ સિંહ વિશે વાત કરતાં કહ્યું કે તેઓ એક સારા ફુટબોલ અને બાસ્કેટબોલ ખેલાડી હતા. અમને ગર્વ છે કે મનદીપ સિંહે દેશ માટે કુરબાની આપી છે. થોડા દિવસ પહેલાં મનદીપ સિંહે અમારી સાથે વીડિયો કોલ ઉપર વાત પણ કરી હતી. તે ખૂબ જ ખુશ હતો. જ્યારે પણ ગામમાં મનદીપ સિંહ આવતા હતા અથવા ફોન પર વાત કરતાં હતા ત્યારે કહેતાં હતા કે ગામમાં શહીદના નામ ઉપર એક પણ પ્રવેશ દ્વાર નથી. મનદીપ સિંહના માતાએ પણ કહ્યું કે, મારો પુત્ર દુનિયામાંથી ચાલ્યો ગયો, પરંતુ મને મારા પુત્રની શહાદત પર ગર્વ છે.

advertisement-1

આતંકીઓ સાથે થયેલી અથડામણમાં ગજ્જન સિંહ પણ શહીદ થયા છે. આતંકીઓને ઠાર કરવા માટે ગજ્જન સિંહ મોર્ચો સંભાળી રહ્યા હતા. તે દરમિયાન ગજ્જન સિંહ પણ શહીદ થઈ ગયા. પંજાબના રુપનગર જિલ્લાના પચરંદા ગામના રહીશ ગજ્જન સિંહના લગ્ન હજુ ચાર મહિના પહેલા જ થયા હતા. એક અધિકારીના જણાવ્યા અનુસાર તેમના પરિવારમાં તેમના પત્ની હરપ્રીત કૌર જ છે.

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના વતની સરજ સિંહ પણ આ એન્કાઉન્ટર દરમિયાન શહીદ થયા છે. સરજ સિંહ શહીદ થયાના સમાચાર મળતા જ તેમના ગામમાં ગમીગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેઓ શાહજહાંપુર જિલ્લાના અખ્તયારપુર ધાવકલમાં રહેતા હતા. આતંકીઓએ કાયરતાપૂર્વક સેનાના જવાનો પર ફાયરિંગ કર્યું તે દરમિયાન સરજ સિંહ શહીદ થઈ ગયા.

advertisement-1

શહીદ થયેલા પાંચ જવાનોમાં કેરળના વૈસાખ એચ પણ સામેલ છે. વૈસાખ એચ કેરળના કોલમ જિલ્લાના રહેવાસી હતા. તેમણે આતંકીઓ સામેની અથડામણમાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી.

આ એન્કાઉન્ટર અંગે સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે, આતંકવાદીઓએ સર્ચ ઓપરેશન કરી રહેલા જવાનો પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં સેનાના જેસીઓ અને અન્ય ચાર જવાનો ગંભીર રીતે ઘવાયા હતા. બાદમાં તમામ જવાનોને સારવાર માટે લઈ જવાયા પરંતુ દુર્ભાગ્યપૂર્ણ પાંચેય જવાનો શહીદ થઈ ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments