Team Chabuk-Sports Desk: આઈપીએલ 2021 ફેઝ-2માં ગુરૂવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટથી પરાજય આપ્યો હતો. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરેલી મુંબઈની ટીમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 155 રન બનાવી શકી હતી. જવાબમાં કોલકાતાએ 29 બોલ પહેલા જ ત્રણ વિકેટના નુકસાન પર જીત પ્રાપ્ત કરી લીધી હતી. આ જીતની સાથે કોલકત્તા નાઈટ રાઈડર્સ પોંઈન્ટ ટેબલમાં 8 અંકો સાથે ચોથા સ્થાન પર પહોંચી ગયું છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ છઠ્ઠા સ્થાન પર છે.

મુંબઈએ શરૂઆત શાનદાર કરી હતી. રોહિત શર્મા અને ક્વિન્ટન ડિકોકે પહેલી વિકેટ માટે 78 રનની ભાગીદારી નોંધાવી હતી. રોહિત શર્મા 33 રન બનાવી આઉટ થયો હતો. તેનો સુનીલ નરેને શુભમન ગિલના હાથે કેચ કરાવ્યો હતો. રોહિતે 18 રન કરતા જ આઈપીએલમાં કોલકાતાની વિરૂદ્ધ એક હજાર રન પૂર્ણ કરી લીધા હતા. કોઈ એક ફ્રેન્ચાઈઝીની વિરૂદ્ધ એક હજાર રન પૂર્ણ કરનાર તે આઈપીએલ ઈતિહાસનો પ્રથમ ખેલાડી છે.
સૂર્યકુમાર યાદવ પાંચ રન બનાવીને પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં આઉટ થયો હતો. એ પછી ડિકોકે હાફ સેન્ચુરી ફટકારી હતી. આ તેના આઈપીએલ કરિયરની 15મી હાફ સેન્ચુરી છે. ડિકોકને પ્રસિદ્ધ કૃષ્ણાએ નરેનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અહીંથી ઈશાન કિસન (14), પોલાર્ડ (21), કૃણાલ (12) ટીમમાં વધારે યોગદાન નહોતા આપી શક્યા. સૌરભ તિવારી પાંચ અને એડમ મિલ્ને એક રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. કોલકત્તાની તરફથી ફર્ગ્યુસન અને પ્રસિદ્ધે બે બે વિકેટ લીધી હતી. નરેનને એક વિકેટ મળી હતી.
156 રનના લક્ષ્યાંકનો પીછો કરવા માટે ઉતરેલી કોલકાતાને શુભમન ગિલ અને વેન્કટેશ અય્યરે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 40 રનની ભાગીદારી નોંધાવી હતી. શુભમન બાદમાં 13 રનના સામાન્ય સ્કોર પર આઉટ થઈ ગયો હતો. અહીંથી વેંકટેશ અને રાહુલ ત્રિપાઠીએ 88 રનની ભાગીદારી નોંધાવી હતી. વેંકટેશે ત્રીસ બોલમાં 53 રન બનાવી આઉટ થયો હતો. આ તેની આઈપીએલની પ્રથમ હાફ સેન્ચુરી હતી.

કેપ્ટન ઈયોન મોર્ગન પણ મેદાન પર કંઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો અને માત્ર સાત રન બનાવી આઉટ થયો હતો. તેને બુમરાહે આઉટ કર્યો હતો. એ પછી રાહુલ અને નીતિશ રાણાએ મળીને ટીમને જીત અપાવી હતી. રાહુલ ત્રિપાઠી 42 બોલ પર 74 રન અને નીતિશ પાંચ રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મુંબઈ તરફથી સર્વાધિક બુમરાહે ત્રણ વિકેટ લીધી હતી.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત