Homeગામનાં ચોરેકોરોનાની ચમત્કારી દવા લેવા માટે એક ગામમાં હજારો લોકોની લાઈન લાગી ગઈ

કોરોનાની ચમત્કારી દવા લેવા માટે એક ગામમાં હજારો લોકોની લાઈન લાગી ગઈ

Team Chabuk-National Desk: દેશમાં કોરોના વાઇરસનું સંક્રમણ વધી રહ્યું છે. કોરોનાથી સુરક્ષિત થવા માટે દેશભરમાં વેક્સિનેશન ચાલી રહ્યું છે. કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર માટે સરકારે પણ કેટલીક ગાઈડલાઈનો જાહેર કરી છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરો પણ કોરોનાથી લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટે નવા નવા સંશોધનો અને ઇલાજ શોધાઈ રહ્યા છે. ત્યારે બીજી તરફ કોરોનાથી બચાવવાના ઘણા લોકો દાવા કરી રહ્યા છે. આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક આયુર્વેદિક દવાથી કોરોનાની સારવાર થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દવાની માંગ એટલી વધી ગઈ કે આંધ્ર પ્રદેશ સરકારને તપાસના આદેશ આપવા પડ્યા. આંધ્ર પ્રદેશ સરકારે આ આયુર્વેદિક દવાને સારવારની ક્ષમતા તપાસવા માટે ICMRમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.

આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લામાં આવેલા કૃષ્ણાપટ્ટનમ ગામમાં કોરોના સામે લડવા માટેની એક જાદુઈ આયુર્વેદિક દવા આપવામાં આવી રહી છે. કોરોનાના ભય વચ્ચે લોકોમાં આ દવા અંગેની જાણ વાયુવેગે ફેલાઈ ગઈ અને કૃષ્ણાપટ્ટનમ ગામમાં આ આયુર્વેદિક દવા લેવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. લોકો લાઈન લગાવીને આ દવા લેવા ઉભા રહી ગયા. જેથી આંધ્ર પ્રદેશ સરકારે આ આયુર્વેદિક દવાની ક્ષમતા તપાસવા માટે અને સંપૂર્ણ જાણકારી મેળવવા માટે દવાને ICMRમાં તપાસ માટે મોકલવાનો નિર્ણય કર્યો છે.

કૃષ્ણાપટ્ટનમ ગામમાં આ દવાને મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. દવા લેવા માટે લોકો લાંબી લાઈનો લગાવી રહ્યા છે અને દવા આપવામાં આવી રહી છે. જો કે આ આયુર્વેદિક દવા લેવા માટે લોકોએ કોરોનાના નિયમોના પણ ધજાગરા ઉડાવ્યા. આ દવાનું વિતરણ આયુર્વેદિક ડોક્ટર બી આનંદૈયા દ્વારા કરવામાં આવી રહ્યું છે. જે પહેલાં આ ગામના સરપંચ પણ હતા અને પછી મંડળ પરિષદના સભ્ય બન્યા.

આ આયુર્વેદિક દવા અંગેની વાત છેક ઉપરાષ્ટ્રપતિ સુધી પહોંચી ગઈ છે. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ કેન્દ્રીય આયુષ મંત્રી કિરણ રિજિજુ અને ICMRના નિર્દેષક બલરામ ભાર્ગવને દવા પર અભ્યાસ કરવા કહ્યું છે. આંધ્ર પ્રદેશના નેલ્લોર જિલ્લાથી આવતા વેંકૈયા નાયડુએ આ મામલે ઝડપથી રિપોર્ટ સોંપવા કહ્યું છે.

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ કોરોના વાઇરસના સંક્રમણ અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી છે. આ બેઠકમાં મુખ્યમંત્રીએ આ આયુર્વેદિક દવા અંગેની જાણકારી મેળવી હતી, આ દવાને મુખ્યમંત્રીની પાર્ટીના જિલ્લા અધ્યક્ષ અને ધારાસભ્ય ગોવર્ધન રેડ્ડી સમર્થન આપી રહ્યા છે.

આ ઉપરાંત ઉપમુખ્યમંત્રી એ કે કે શ્રીનિવાસે સમીક્ષા બેઠક પછી કહ્યું કે, અમે ICMR અને અન્ય એક્સપર્ટ દ્વારા આ દવાની અસરકારકતા જાણવા માટેનો નિર્ણય લીધો છે. રાજ્યના પૂર્વ સ્વાસ્થ્ય મુખ્ય સચિવ પી વી રમેશે કહ્યું કે,કૃષ્ણાપટ્ટનમ ગામમાં આયુર્વેદિક દવા લેવા માટે ભેગી થઈ રહેલી  ભીડથી મુશ્કેલીઓ વધશે. તેમણે એમ પણ કહ્યું કે, સરકારે આવા અંધવિશ્વાસને રોકવા જોઈએ.

જો કે હાલ તો મોટી સંખ્યામાં લોકો કૃષ્ણાપટ્ટનમ ગામમાં આ આયુર્વેદિક દવા લેવા માટે પડાપડી કરી રહ્યા છે. ગામમાં દવા લેવા માટે ભીડ એકઠી થઈ રહી છે. કોરોનાની ગાઈડલાઈનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. હવે આ દવા કોરોના સામે ખરેખર કેટલી અસરકારક છે તે તપાસ બાદ જ ખ્યાલ આવશે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments