યશ ખખ્ખરઃ ચાર્લી ચેપ્લિનનું નામ તો અમે સાંભળ્યું જ હશે, નામ નહિ સાંભળ્યું હોય તો પણ આ ચેહરો તો ક્યાંક ને ક્યાંક જોયો જ હશે. ચાર્લી ચેપ્લિન નો ચેહરો દુનિયાના સૌથી રેકોગ્નાઈઝેબલ ફેસસ માનો એક છે. ચાર્લી ચેપ્લિન બધા અર્થોમાં હોલીવુડના પ્રથમ સુપરસ્ટાર હતા. 1915માં જયારે તે પીક પર હતા ત્યારે તેમને મ્યુચ્યુઅલ સ્ટુડિયો સાથે એક વર્ષ માટે $ 670000 નો કોન્ટ્રાકટ કર્યો હતો. જે આજના સમય મુજબ લગભગ 19.7 મિલિયન ડોલર એટલે અંદાજે 160 કરોડ જેટલા થાય. મ્યુચ્યુઅલ સાથેના કોન્ટ્રેક્ટ પછી એ અમેરિકાના પેહલા એવા એક્ટર બની ગયા હતા જે અમેરિકાના પ્રેસિડન્ટ કરતા પણ વધુ કમાણી કરતા હતા. અમેરિકા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં કોઈને આટલી માતબર રકમ નહતી મળી. 1925 માં ચાર્લી ચેપ્લિન ‘ટાઈમ’ મેગેઝિનમાં ફીચર થનારા પેહલા એક્ટર બન્યા હતા. 1998માં ટાઈમ મેગેઝીને 20 મી સદીના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી હતી, તેમાં આલબર્ટ આઈન્સટાઈન, નેલસન મંડેલા, મહાત્મા ગાંધી, વિન્સેન્ટ ચર્ચિલ જેવા લોકોની વચ્ચે ચાર્લી ચેપ્લિનને પણ સ્થાન મળ્યું હતું. પોતાના જીવનમાં એક માનવી જે કોઈ પણ હદની સફળતા મેળવવાની કલ્પના કરી શકે એ બધી સફળતા ચાર્લીએ મેળવી હતી. પણ આ અપાર સફળતા પાછળ એક અતિશય કરુણ અને સંઘર્ષપૂર્ણ બાળપણ રહ્યું છે. જેની કથા કદાચ એટલી જાણીતી નથી જેટલી ચાર્લીની ફિલ્મોની સફળતાની છે.
ચાર્લીનો જન્મ ઇંગ્લૅન્ડના કેનિંગટન શહેરમાં થયો હતો. તેમના પિતા એક થિયેટર એક્ટર હતા અને માતા એક થિયેટર એક્ટ્રેસ અને સિંગર હતા. ચાર્લીને સિડની નામનો એક સાવકો ભાઈ પણ હતો. ચાર્લી જયારે 3 વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતા એકબીજાથી અલગ થઈ ગયા હતા. તેમની માતા ખુદ એક એક્ટ્રેસ અને સિંગર હતા એટલે શરૂઆતમાં તો ઘર ચલાવવામાં તકલીફ ના પડી, પણ પછી એક અણધારી આફત આવી અને તેમનું જીવન વેરવિખેર થઇ ગયું.
થયું એવું કે ચાર્લીની માતાનો અવાજ દિવસે ને દિવસે ખરાબ થતો ગયો, અને એક સમય એવો આવ્યો કે એ બોલી પણ માંડ શકતા હતા, એક ગાયિકા કે અભિનેત્રી માટે તો એનો અવાજ એના કામનો એક મોટો ભાગ હોય છે, પરિણામે અવાજ ખરાબ થતા તેમને ધીમે ધીમે તેમને કામ મળતું બંધ થઇ ગયું અને ઘરની આવકનો એકમાત્ર સ્ત્રોત બંધ થઇ ગયો. અને અહીંથી શરુ થયો એક અતિશય કપરો સંઘર્ષ.

ચાર્લીની માતાને સીવણનું કામ આવડતું હોવાથી તે થોડું ઘણું સીવણ કામ કરીને રોજના થોડા ઘણા પૈસા કમાઈ લેતા હતા પણ એ આવક ઘરના ત્રણ લોકોનું પેટ ભરવા માટે પણ પૂરતી નતી. શરૂઆતમાં ચાર્લીના પિતા પાસેથી ભરણ પોષણ દર મહિને થોડા ઘણા પૈસા મળતા હતા પણ તેમના પિતાની દારૂ પીવાની આદતને લીધે એ પૈસા મળવાનું પણ લગભગ બંધ જ થઇ ગયું. ઘર ચલાવવા માટે ધીમે ધીમે ઘરનો બધો સામાન પણ વેચી નાખવો પડ્યો એવી સ્થિતિ આવી ગયી.
ચાર્લીએ આ તબક્કા વિષે એક વાર કહ્યું હતું કે જેમ જેમ અમારી પરિસ્થિતિ ખરાબ થતી ગયી તેમ તેમ હું મારી બાલિશતાને કારણે થિયેટર છોડવા બદલ મારી માતાને ઠપકો આપતો. હું એ નતો સમજતો કે એને થિયેટર જાણી જોઈને નથી છોડ્યું પણ એના ખરાબ અવાજને કારણે એને થિયેટર નછુટકે છોડવું પડ્યું હતું. ચાર્લીથી 4 વર્ષ મોટા તેના ભાઈ સિડનીએ પણ ઘરમાં થોડી સહાયતા થાય તે માટે છાપા વેચવાનું શરુ કરી દીધું. પણ આ પૂરતું નહતું, તેમની પરિસ્થિતિ વધુ ને વધુ બગડતી ગઈ. સીવણનાં મશીનનો હપ્તો ન ભરવાને લીધે તે મશીન છીનવી લેવાયું, પિતાની ભારણ પોષણની રકમ તો સાવ બંધ જ થાય ગઈ. ચાર્લીની માતા તેમના પિતા પર ભારણ પોષણની રકમ ન ચૂકવવા બાબતે કેસ કરવા સોલિસિટર જનરલ પાસે ગયા પણ કેસમાં કઈ ખાસ પૈસા ન દેખાતા તેણે અને અન્ય વકીલો એ પણ કેસ લેવાની ના પડી દીધી.
છેલ્લે હવે કોઈ રસ્તો ન દેખાતા ચાર્લીની માતા ને ‘વર્કહાઉસ’ માં આશરો લેવા સિવાય કોઈ રસ્તો ન દેખાયો. ઇંગ્લેન્ડમાં તે સમયમાં વૃધ્ધો, બાળકો તેમજ સમાજના એવા લોકો જે પોતાનું ભરણ પોષણ કરી શકે તેમ ન હોય તેમની માટે વર્કહાઉસની વ્યવસ્થા હતી. સમાજના આવા લોકો કોઈ પણ સમયે વર્કહાઉસમાં ભરતી થઇ બે સમયનું જમવાનું અને આશરો મેળવી શકતા હતા. ચાર્લીનું પરિવાર પોતાનું ભારણ પોષણ કરી શકે તે સ્થિતિમાં નહતું પરિણામે ચાર્લીની માતાને નછૂટકે વર્કહાઉસમાં જવાનો નિર્ણય લેવો પડ્યો. આ સમયે ચાર્લીની ઉમર માત્ર 7 વર્ષની હતી.
ચાર્લીની માતાને સ્ત્રીઓના વિભાગમાં મોકલવામાં આવ્યા ને ચાર્લી અને સિડનીને બાળકોના વિભાગમાં. અહીંથી જ તેમને અનાથ બાળકો માટેની હેનવેલ શાળામાં દાખલ કરવામાં આવ્યા. વર્કહાઉસનું જીવન અઘરું હતું. ચાર્લી અને સિડની ક્યારેક ક્યારેક તેમની માતાને મળી શકતા હતા. અને આમ ને આમ બીજું એક વર્ષ પસાર થઇ ગયું.
એક દિવસ સિડની શાળામાં ફૂટબોલ રમતો હતો ત્યારે તેને વચ્ચે થી બોલાવી 1 આયા એ સમાચાર આપ્યા કે તેમની માતા પાગલ થઇ ગઈ છે અને તેને કેનહીલના પાગલખાનામાં દાખલ કરાઈ છે. આ જાણીને સિડની ખુબ રડ્યો. ચાર્લી પણ દુઃખી થઇ ગયા એમને તો સમજાયું જ નહિ કે તેમની આટલા આનંદી અને હળવા સ્વભાવની મા પાગલ કેવી રીતે થઇ ગઈ. અઠવાડિયા પછી તેમને સમાચાર મળ્યા કે બંને ભાઈઓના કોઈ આધિકારિક પાલક ન હોવાથી બંનેને તેમના પિતા પાસે રહેવા માટે મોકલવામાં આવશે.
પરિણામે થોડા સમય બાદ બંને ભાઈઓને તેમના પિતા સાથે રહેવા માટે મોકલવામાં આવ્યા. તેમના પિતા તે સમયે લ્યુસી નામની સ્ત્રી સાથે રહેતા હતા અને તેમનો 4 વર્ષનો એક છોકરો પણ હતો. એક રીતે ચાર્લીને લાગ્યું કે તેમને બંનેને તેમના પિતા પર લાદવામાં આવ્યા હતા. તેમના પિતા એક આલ્કોહોલિક હતા અને રંગમંચ સિવાયનો પોતાનો મોટાભાગનો સમય દારૂ પીવામાં જ વીતાવતા હતા અને ભાગ્યે જ ઘરે આવતા હતા. જોકે તેમનું વર્તન તેમના બાળકો સાથે ક્યારેય ખરાબ નહતું રહ્યું. પણ લ્યુસી સાથે એવું નહતું. એની સિડની અને ચાર્લી સહેજ પણ નતા ગમતા. એ ઘણી વાર દારૂ પીને બંનેને જેમ ફાવે તેમ બોલતી હતી. જયારે તેમના પિતા ઘરે ન હોય ત્યારે બંનેને ઘર છોડીને ચાલ્યા જવાનું કહેતી હતી. બંનેને ઘણી વાર ધમકાવતી હતી. લ્યુસી અને ચાર્લીના પિતા વચ્ચે પણ વારંવાર ઝઘડા થતા. અને 8 વર્ષનો ચાર્લી આવા વાતાવરણમાં પોતાનું બાળપણ વિતાવી રહ્યો હતો.
સદ્ભાગ્યે થોડા મહિનાઓ બાદ ચાર્લીના માતા સાજા થઇ ગયા અને તેમને પાગલખાનામાંથી મુક્તિ મળી. તે બંને ભાઈઓને પાછા પોતાની સાથે લઇ ગયા. ચાર્લીની માતા એ એમના રહેવા માટે એક ઓરડી ભાડે રાખી હતી. પણ એમની પરિસ્થિતિમાં કઈ ખાસ સુધારો નહતો આવ્યો. વર્કહાઉસ ગયા પેહલાના દિવસો જેવું જ સંઘર્ષપૂર્ણ તેમનું જીવન હતું. ચાર્લીની ઉમર 10 વર્ષની હતી ત્યારે સિડનીએ શાળા છોડીને તાર વહેંચવાની નોકરી સ્વીકારી લીધી. તેનાથી ઘર ચલાવવામાં થોડો ટેકો થયો. આજ સમયે ખબર આવ્યા કે ચાર્લીના પિતાનું અવસાન થયું છે. દારૂ પીવાંને લીધે તેમનું લીવર ખરાબ થઇ ગયું હતું.
આમ ને આમ સમય વીતતો ગયો. જયારે ચાર્લી 12 વર્ષના થયા ત્યારે સિડનીને એક સ્ટીમરમાં નોકરી મળી ગયી. આ એમના ઘર માટે એક ઉત્સાહભેર સમાચાર હતા. સિડનીના પગારથી તેમની આર્થિક સમસ્યા ઘણે ખરે અંશે દૂર થઇ જવાની હતી. જોતજોતામાં સિડની પોતાનો પેહલો પ્રવાસ પૂરો કરીને પણ આવી ગયો. પણ ચાર્લીના પરિવારના નસીબમાં હજુ એક મુસીબત લખાઈ હતી. જયારે સિડની તેના બીજા પ્રવાસમાં ગયો ત્યારે ખબર મળ્યા કે એ પ્રવાસ દરમિયાન જ તે માંદો પડ્યો છે અને તેની સ્થિતિ અત્યંત ગંભીર છે. તેને કેપટાઉનના કોઈ હોસ્પિટલ માં દાખલ કરાયો હતો. સિડની એ પહેલા પ્રવાસ થી લાવેલા પૈસા પુરા થઇ ગયા હતા અને એમાં પરદેશમાં સિડનીની બીમારી. સિડનીનો પાછો આવવાનો જે નિયત સમય હતો તેને પણ 2 અઠવાડિયા વીતી ગયા છતાં પણ સિડનીના હજી કોઈ ખબર નતા. એ હજી હોસ્પિટલમાં જ છે? તેની તબિયત ઠીક છે? જીવે પણ છે કે મરી ગયો છે, કાંઈ ખબર નહતા.
આટલું બધું સહ્યા પછી આ છેલ્લો આઘાત ચાર્લીનાં માતા સહન ન કરી શક્યા. એક દિવસ ચાર્લી જયારે એમના મિત્રના ઘરે થી પાછા આવી રહ્યા હતા ત્યારે પાડોશીના એક છોકરા એ તેમને કહ્યું કે તેમની માતા માંદી થઇ ગઈ છે અને લોકોના ઘરે જઈને બુમાબુમ કરી રહી છે, મુશ્કેલીથી તેને ઘરે મોકલી છે. ચાર્લી હાંફળા ફાંફળા પોતાના ઘરે ગયા. ચાર્લી એ તેમની માને જઈને પૂછ્યું, “મા તેને શું થયું છે? આ લોકો કહી રહ્યા છે કે તારી તબિયત ઠીક નથી. ચાર્લીના માતા બોલ્યા,” આ લોકો સિડનીને મારાથી દૂર રાખી રહ્યા છે. મેકાર્થી(ચાર્લીના પાડોશી)ના ઘર ના લોકો પણ જાણે છે પણ એ આપણાથી છુપાવી રહ્યા છે.” ચાર્લી પર જાણે વજ્રઘાત થયો. આટલું બધું સહન કર્યા બાદ અને આટલી કપરી પરિસ્થતિઓ જોયા બાદ અંતે પોતાના બાળકને શું થયું હશે શું થયું હશે એની ચિંતા, એનો આઘાત એક માતા સહન ન કરી શકી. આ બધું જોઈને ચાર્લી ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યા. થોડા સમય બાદ તેમના મકાન માલિકે ડોક્ટરને બોલાવ્યા, અને તેમની માતાને ફરીથી પાગલખાનામાં દાખલ કરવામાં આવ્યા.
આ સમયે ચાર્લીની ઉમર 12 વર્ષની હતી. તેમના પિતા મૃત્યુ પામ્યા હતા. મોટો ભાઈ ક્યાં છે શું કરે છે, જીવે પણ છે કે નહિ તે પણ ખબર નતી અને હવે માતાનું પાગલપન, ચાર્લી જાણે ખરા અર્થમાં અનાથ થઇ ગયા.
સદભાગ્યે તેમના મકાન માલિક એ કહ્યું કે જ્યાં સુધી બીજા કોઈ ભાડૂવાત ન આવે ત્યાં સુધી ચાર્લી પોતાની ઓરડીમાં રહી શકે છે, પણ જો સિડની હજી એકાદ મહિના પછી પણ પાછો નથી આવતો તો ચાર્લીને ફરીથી વર્કહાઉસમાં મોકલી દેવામાં આવશે. ચાર્લીના જીવનનો આ સૌથી કપરો સમય હતો, પણ સુરજના કિરણો સૌથી અંધકાર ભર્યા સમય પછી જ આવતા હોય છે. અહીં પણ એવું જ થયું.. ચાર્લીની માતાને હોસ્પિટલમાં દાખલ કરાયાના 2 અઠવાડિયા પછી એક દિવસ ચાર્લીના મકાન માલિક દોડતા દોડતા આવ્યા અને તેમને કહ્યું કે સિડનીનો તાર આવ્યો છે અને તે કાલે સવારે 10 વાગ્યે વોટરલૂ સ્ટેશન પર તેનું જહાજ ઉતરશે.

સિડની જયારે પાછો આવ્યો ત્યારે માની સ્થિતિ જાણીને ઉદાસ થઇ ગયો. બંને ભાઈઓ માને મળવા કેનહીલ હોસ્પિટલમાં પણ ગયા. તેમની માંઓળખતી હતી, પણ બીજું કઈ ખાસ તેમને યાદ નહતુ. ધીમે ધીમે ચાર્લીના જીવનમાં પરિવર્તન શરુ થયું. સિડનીની સારી નોકરી લાગી ગઈ હોવાથી હવે ઘરમાં પેહલા જેટલી આર્થિક સંકડામણ નહતી.
અમુક દિવસો પછી જ ચાર્લીને ‘શેરલોક હોમ્સ’ નાટકમાં ‘બિલી’ નામના બાળ હાસ્યકલાકારનો રોલ મળી ગયો. આ ચાર્લીમાંથી ‘ધ ચાર્લી ચેપ્લિન’ બનવા માટેનું પ્રથમ પગથિયું હતું. નાટક અત્યંત સફળ રહ્યું અને પછી ચાર્લી એ પછી ક્યારેય પાછું વળીને ન જોયું. તે જેમ જેમ મોટા થતા ગયા તેમે તેમ એક પછી એક નાટક કરતા ગયા. 1914માં 24 વર્ષની ઉંમરે તે અમેરિકામાં પોતાના એક સફળ નાટકનો શો કરવા ગયા હતા અને ત્યાં ઑડિયન્સમાં બેઠેલા મેક સેનેટ નામના પ્રોડ્યુસરની નજર તેમના પર પડી અને તેમને ચાર્લીને પોતાના પ્રોડક્શન હાઉસમાં ફિલ્મ કરવા માટેનો કોન્ટ્રેક ઑફર કર્યો. અને આમ તેમની ફિલ્મી સફર શરુ થઇ જેના અંતે તેમનું નામ વિશ્વના સૌથી સફળ અને સમૃદ્ધ એક્ટરમાંનું એક બની ગયું હતું .
પણ આ બધી સફળતા પછી પણ એક વસવસો ચાર્લી ચેપ્લીનને હંમેશા રહ્યો. એ એ કે એ પોતાની સફળતા પોતાની માને ન બતાવી શક્યા. ચાર્લી આના વિષે કહે છે કે જયારે અમારી પાસે પાસે કઈ નહતું, જયારે અમારી પાસે 2 સમયના ખાવાના પણ પૈસા ન હતા એ દિવસોમાં અમારી મા હંમેશા કહેતી કે ‘જોજો એક દિવસ બધું ઠીક થઈ જશે, એક દિવસ એવો આવશે જયારે આપણી પાસે બધું જ હશે. આપણા એક સારા ઘરમાં રહેતા હોઈશું. આપણે સારા કપડાં પહેરતા હોઈશું, આપણી પાસે કોઈ વાતની કંઈ નહીં હોય. પણ જયારે એ સમય ખરેખર અમારા જીવનમાં આવ્યો ત્યારે અમારી માતા એ જોઈ ન શક્યા. ચાર્લીના માતા એ પોતાના જીવનનો અંતિમ સમય મોટાભાગે પાગલખાનામાં જ વિતાવ્યો. સફળ બન્યા બાદ ચાર્લી તેમની માતાને પોતાની પાસે અમેરિકામાં લઈ આવ્યા. અને તેમને ૨૪ કલાક ચાકરી મળી રહે એવી વ્યવસ્થા કરી પણ એમ છતાં એ પોતાનું માનસિક સ્વાસ્થ્ય ક્યારેય પાછું ન મેળવી શક્યા. એ ક્યારેય એ ન જોઈ શક્યા કે કેવી રીતે ઇંગ્લેન્ડના રંગમંચની એક સામાન્ય અભિનેત્રીનો દીકરો વિશ્વનો સૌથી પ્રસિદ્ધ અભિનેતા બન્યો. કહેવાય છે કે જીવનમાં બધાયને બધું ક્યારેય નથી મળતું, પોતાની અભિનયથી આખી દુનિયાના દિલ જીતી લેનાર અને એક માણસ કલ્પના પણ ન કરી શકે એ બધા પ્રકારની સફળતા મેળવ્યા બાદ પણ પોતાની માને એ સફળતાના બતાવી શક્યા નો, તેની આંખોમાં પોતાની માટે ગર્વ ન જોઈ શકવાનો અફસોસ ચાર્લી ચેપ્લીનને આજીવન રહ્યો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
