Homeવિશેષગુરૂત્વાકર્ષણના નિયમોને પડકારી સંભોગ કરતા ‘‘મહારાજા’’

ગુરૂત્વાકર્ષણના નિયમોને પડકારી સંભોગ કરતા ‘‘મહારાજા’’

ભારતના ઈતિહાસને જાણવા માટે દરેક ભારતીયએ વાંચવી જોઈએ, તેવી લેરી કોલિન્સ અને ડોમિનિક લેપિયર દ્રારા ખૂબ મહેનત અને સંશોધન કરી લખેલું પુસ્તક એટલે ફ્રિડમ ઓફ મિડનાઈટ. ગુજરાતીમાં અનુવાદ અશ્વિની ભટ્ટે કરેલો છે. જે સરસ મજાનો છે.

આજે ચાબુકમાં એ પુસ્તકમાં આવતા પ્રકરણ સાત ‘‘મહેલો અને વાઘ, હાથીઓ અને રત્નો’’માંથી કેટલાક મુદ્દાઓ તારવ્યા છે. જેમાં ભારતના રાજા-મહારાજાઓ-નવાબો-નિજામોના ઠાઠમાઠ જોવા મળશે. આ પુસ્તક સિવાય દીવાન જરમની દાસે મહારાજા નામનું પુસ્તક લખ્યું છે. જેમાં પણ આ તમામ વાતો આવે છે.

કોઈ હાથીઓનો શોખીન, કોઈ હિરા-ઝવેરાતનો શોખીન. તો કોઈ સંભોગનો શોખીન. 350 સ્ત્રીઓને સમાગમ કરી કોણ સંતોષી શકે? સંતોષવાની રાજાજીએ મહેનત પણ કરી. ચકલીનું મગજ પણ ખાતા અને જાત જાતના ઔષધિયા પણ કરતાં, પણ કંઈ થતું નહીં. કંટાળાના કારણે મૃત્યુ પામેલા એ રાજાની પણ અહીં વાત આવશે. હવે વધારે ન લખતા સીધા જઈએ અશ્વિની ભટ્ટના સુંદર અનુવાદિત્ત શબ્દો તરફ.

સ્ટાર ઓફ સાઉથ

વડોદરાના મહારાજ સોના અને કિંમતી પથ્થરોના પૂજારી હતા. તેમનો અચકન સોનાના તારથી વણવામાં આવેલો હતો. નેપોલિયન ત્રીજાએ યુજિનાને ભેટ આપેલો અને દુનિયામાં સાતમાં નંબરનો મોટો હીરો ગણાતો સ્ટાર ઓફ સાઉથ વડોદરાના મહારાજ પાસે હતો. તેમના ખજાનામાં સૌથી અદભુત તો હતા મેતીથી ગૂંથેલા પડદા, જેમાં મોતીની સાથે માણેક અ પન્ના ગૂંથીને અનુપમ આકૃતિઓ બનાવેલી હતી.

ત્રીજી આંખ

ભરતપુરના મહારાજા પાસે જે અદભુત ચીજો હતી, તે હાથીદાંતની બનેલી હતી. એક-એક ચીજ એવી હતી કે તેની કારીગરી કરવામાં એક આખા કુટુંબને વર્ષો ગાળવાં પડ્યાં હશે. હાથીના દાંત પર કોતરણી કરવામાં કેટલું અદભુત કૌશલ્ય અને ચોક્કસાઈની જરૂર પડી હશે, તે તો એ નમૂનાઓ જોઈને જ કલ્પી શકાય. વિશ્વનો મોટામાં મોટો પોખરાજ કપૂરથલાના શીખ મહારાજના સાફા પર ત્રીજી આંખની જેમ ઝળહળતો. આ ઓછું હોય તેમ, તેના ચમકારાને વધુ ચમક આપતા હોય તે તેની આજુબાજુના 3000 જેટલા હીરા મોતીથી, એ સાફો સુશોભિત હતો.

એક જ વખત જવાનું…

જયપુરના મહારાજાનો ખજાનો રાજસ્થાનના પહાડી વિસ્તારમાં રખાતો અને એ જગ્યા પર પેઢી દર પેઢીએ ઉતરી આવેલા ખાસ પ્રકારના રાજપૂત સંત્રીઓ ચોકી કરતાં. દરેક મહારાજને, એ ખજાનાવાળી જગ્યાએ એક જ વખત જવાનું અને ત્યાં જઈ રાજચિન્હ્ તરીકે ત્યાંથી એક રત્ન લઈ આવવાની પરંપરા ચાલી આવતી હતી. એ ખજાનાની અદભુત ચીજોમાં કબૂતરના ઈંડાં જેવડા માણેકની ત્રણ સેરોથી બનાવેલું નેકલેસ હતું. તેમાં ત્રણ મોટાં લીલાં રત્નો-પન્ના પણ ગૂંથેલા હતાં. એ ત્રણમાં સૌથી મોટો રત્ન 90 કેરેટનો હતો.

જાતીય ઉન્માદ હીરાથી વધે

માયસોરના એક મહારાજને કોઈ ચીની સાધુએ કહ્યું હતું કે વધુમાં વધુ જાતીય ઉન્માદ લાવવા માટેનું ઔષધ, હીરાના લોટમાંથી બની શકે છે. એ કમનસીબ શોધના ઉપક્રમે રાજ્યની તિજોરી હલકી થઈ ગઈ, કારણ કે સેંકડો કિંમતી હિરાને રાજ્યની ઘંટીઓમાં દળવામાં આવ્યા. જે નૃત્યાંગનાઓને દવા પાવાની હતી, તે સૌને સરઘસાકારે હાથીઓ પર બેસાડીને ફેરવવામાં આવી હતી.

હાથીઓનું જાહેરમાં સંવનન

પૂર્વ હિન્દુસ્તાનમાં આવેલા ધેનકાબ રાજ્યના રાજા દર વર્ષે અસંખ્ય મહેમાનોને બોલાવતા અને પોતાના હાથીખાનામાંથી સારા નર-માદા હાથીઓની જોડ પસંદ કરીને, જાહેરમાં હાથીઓના સંવનન અને સંભોગનું દૃશ્ય સર્જતા.

જોયું મેં કહેલું ને…

ગ્વાલિયરના એક મહારાજાને પોતાના મહેલમાં એક ભવ્ય ઝુમર લટકાવવાનું વિચાર્યું. તેમણે ખૂબ જ કાળજીથી, બકિંગહામ પેલેસના મોટામાં મોટા ઝુમરથી પણ એ મોટું અને ભવ્ય બને તેવું નક્કી કર્યું હતું અને તેનો ઓર્ડર વેનિસમાં મૂક્યો હતો. કોઈએ તેમને કહ્યું કે, કદાચ એ ઝુમરનો ભાર તેમના મહેલનું છાપરું ઝીલી નહીં શકે. રાજાએ આ પ્રશ્નનો અદ્દલ ઉકેલ આણ્યો. તેમણે એક મોટો ઊંટડો મંગાવ્યો અને તેમાં, તેમના હાથીખાનામાનાં સૌથી વજનદાર હાથીને બાંધીને છાપરા પર ચડાવ્યો. છાપરું તૂટ્યું નહિ અને મહારાજાએ જાહેર કર્યું કે ઝુમરના ભારથી છાપરું તૂટી નહીં જાય.

નવાબી કૂતરા

જૂનાગઢના નવાબને કૂતરાઓનો અજબ શોખ હતો. કૂતરાઓ માટે ટેલિફોન, વીજળીના દીવા અને નોકરો સાથેનાં મકાનો બાંધવામાં આવતાં. આખા રાજ્યમાં મુઠ્ઠીભર તવંગર માણસો જે રીતે રહી શકતા, તે રીતે નવાબના કૂતરાઓ રહેતા. કૂતરાઓ મૃત્યુ પામતા ત્યારે દબદબાથી, ચોપીનની રચનાઓના સૂરો વગાડતા બેન્ડ સાથે તેની દફનવિધિ થતી અને સંગેમરમરની કબરો રચાતી હતી.

350 સ્ત્રીઓ એકઠી કરી

કિશોરઅવસ્થામાં જ પતિયાલાના સાતમાં મહારાજા અને રાજવીસભાના અધ્યક્ષના પિતા, સર ભૂપિન્દરસિંહના પેંગડામાં પગ નાખે તેવો, એ પેઢીમાં કોઈ મહારાજ ન હતો. તેણે એક રમતમાં દિલચસ્પી અને નૈપુણ્ય બતાવ્યું હતું. એ રમત હતી કામતૃપ્તિ. ઉંમરલાયક થતાં થતાંમાં તો પોલો કરતાં પણ વધુ મોહ તેમને શરીરની રમતમાં પડતો થયો હતો. પોતાના જનાનખાનામાં નિતનવીન સ્ત્રીઓ આવતી રહે તેનું એ ધ્યાન રાખતા એટલું જ નહીં પણ રૂપરંગ અને આકારમાં વૈવિધ્ય તો જોઈએ જ. એક સંગ્રાહકની જેમ ઝીણવટથી તે સ્ત્રીઓ એકઠી કરતા. એ રાણીવાસમાં છેવટે 350 જેટલી સ્ત્રીઓ એકઠી થયેલી.

હોજના કિનારે ક્યારે આવે ?

પંજાબની ગ્રીષ્મ ઋતુમાં આખુંય જનાનખાનું ભૂપિન્દરના સ્વિમિંગ પુલ પર ઉભરાતું. સ્વિમિંગ પુલની કિનારી પર થોડે થોડે અંતરે નગ્ન સ્ત્રીઓ બેસાડવામાં આવતી. મહારાજા હોજના પાણીમાં તરતા હોય ત્યારે બરફનાં ગચ્ચાઓ પાણીમાં નંખાતાં. જ્યારે દિલ ચાહે ત્યારે નગ્ન છોકરીઓના સ્તનોને ઈજન આપવા કે વ્હિસ્કીનો ઘૂંટ લેવા મહારાજા હોજને કિનારે આવતા. હિંદના મંદીરોમાં કંડારાયેલી કામાતુર શિલ્પની પ્રતિકૃતિઓ કોરેલી હતી. પુરુષ અને સ્ત્રીના કામમિલનમાં જેટલી શારીરિક શક્યતાઓ, કામ અભંગો કે કામાસનો હોઈ શકે તે સૌનું દર્શન ભૂપિન્દરના એ ઓરડામાં થઈ શકતું. કોઈ પણ અજબ શરીર સૌષ્ઠવને થકવીને ચૂર કરી નાખે એવાં એ સંભોગક્રિડાના આસનો હતાં. એ આસનો પ્રમાણે જ સર ભૂપિન્દર કામતૃપ્તિ કરતા. અરે, તેમના ઓરડામાં એક ઝૂલો પણ હતો જેના પર લટકીને ગુરૂત્વાકર્ષણના નિયમોને પડકારતાં સંભોગ આસનો પણ ભૂપિન્દર કરતાં.

ચીકણો

નિઝામ દુનિયાના સૌથી ધનાઢ્ય માણસ ગણાતા. તેમની સંપત્તિ દંતકથાઓ ફેલાયેલી હતી. 35 વર્ષ સુધી તેમણે ગંદી થઈ ગયેલી ફેઝ પહેરી હતી. એક સાથે 100 માણસોને જમાડી શકાય એટલા સોનાના વાસણો હોવા છતાં, નિઝામ પતરાવી તાસકમાં જમતા અને પોતાના બેડરૂમમાં સાદડી પાથરીને સૂતા. એ એટલા કંજૂસ હતા કે પોતાના મહેમાનોએ નાખી દીધેલ સિગરેટના ઠૂંઠાં પણ પીતા. જ્યારે કોઈ અવસરે તેમને શેમ્પેઈનની બોટલ ખોલવી પડતી ત્યારે એ ધ્યાન રાખતા કે પોતાની આજુબાજુની ત્રણ ચાર બેઠકોથી આગળ બાટલી જતી ન રહે.

[અશ્વિની ભટ્ટે અનુવાદ કરેલ પુસ્તક અડધી રાત્રે આઝાદીના પ્રકરણ સાત ‘મહેલો અને વાઘ, હાથીઓ અને રત્નો’ પેજ નંબર 128-143]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments