Team Chabuk-Sports Desk: ભારતની સ્ટાર બોક્સર લવલીના બોરગોહેને (Lovlina Borgohain) ટોક્યો ઓલિમ્પિકમાં (tokyo olympic) ભારતને ત્રીજો મેડલ અપાવ્યો છે. લવલીનાએ શાનદાર પ્રદર્શન કરીને 69 કિલો વેલ્ટરવેટ કેટેગરીની સેમીફાઈનલમાં હારનો સામનો કર્યો. જેથી તેને બ્રોન્ઝ મેડલથી (Bronze medal) સંતોષ માનવો પડ્યો છે. સેમીફાઈનલમાં ભારતની લવલીનાની ટક્કર તુર્કીની વિશ્વ ચેમ્પિયન બોક્સર બુસેનાજ સુરમેનેલી સાથે થયો હતો. જેમાં બુસેનાજે લવલીનાને 5-0થી હરાવી દીધી. સેમીફાઈનલમાં હાર મળતાં જ લવલીનાનું ગોલ્ડ મેડલ જીતવાનું સ્વપ્ન પર પૂર્ણ વિરામ મૂકાઈ ગયું.
ટોક્યો ઓલિમ્પિકમાં લવલીનાએ બોક્સિંગમાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. આ સાથે જ લવલીના ઓલિમ્પિક ઈવેન્ટમાં ભારતને બોક્સિંગમાં મેડલ અપાવનારી ત્રીજી ભારતીય બોક્સર બની ગઈ છે. આ પહેલા ભારતને બોક્સિંગમાં વિજેન્દર સિંહ અને મેરીકોમે મેડલ અપાવ્યો છે. વિજેન્દર સિંહે 2008ના બેઈજિંગ ઓલિમ્પિકમાં મિડિલવેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ મેરીકોમે 2012ના લંડન ઓલિમ્પિકમાં ફ્લાઈવેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો અને હવે ટોક્યો ઓલિમ્પિકમાં લવલીના બોરગોહેને વેલ્ટરવેટ કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ ભારતને અપાવ્યો છે. આ સાથે જ ઓલિમ્પિક ઈવેન્ટમાં બોક્સિંગમાં ભારતના ખાતામાં કુલ ત્રણ મેડેલ થઈ ગયા છે.
આજે સેમીફાઈનલમાં તુર્કીની વિશ્વ ચેમ્પિયન બોક્સર બુસેનાજ સામે મુકાબલો કરવા ઉતરેલી લવલીનાએ પ્રથમ રાઉન્ડમાં આક્રમક પ્રદર્શનની કોશિશ કરી હતી. પરંતુ તુર્કીની બોક્સરનું પલડું ભારે રહ્યું હતું. આમ છતાં લવલીનાએ ઘણા સારા લેફ્ટ અને રાઈટ અપર કટ લગાવ્યા હતા. પરંતુ સામે બુસેનાજે પણ સારી રમત દેખાડી હતી. જેથી પ્રથમ રાઉન્ડમાં પાંચેય જજોએ બુસેનાજને વિજેતા જાહેર કરી.
બીજા રાઉન્ડમાં પણ તુર્કીની બુસેનાજ લવલીના પર ભારે પડી. આક્રમક થઈને રમવાની કોશિશમાં લવલીનાને બીજા રાઉન્ડમાં ચેતવણી મળતાં એક પોઈન્ટ ગુમાવવો પડ્યો હતો. બીજા અને ત્રીજા રાઉન્ડમાં પણ પાચેય જજોએ બુસેનાજ સુરમેનેલી તરફ પરિણામ આપતાં લવલીનાને હારનો સામનો કરવો પડ્યો. સેમીફાઈનલ મેચમાં પ્રથમ અને બીજા જજે લવલીનાને 26-26 પોઈન્ટ અને બાકીના ત્રણ જજોએ 25-25 પોઈન્ટ આપ્યા. જ્યારે લવલીનાની પ્રતિસ્પર્ધી તુર્કીની બુસેનાજને પાંચેય જજોએ 30-30 પોઈન્ટ આપ્યા.
આસામની 23 વર્ષની બોક્સિંગ ખેલાડી લવલીના બોરગોહેનની બુસેનાજ સુરમેનેલી સામે આ પ્રથમ મેચ હતી. વર્ષ 2019માં બોક્સિંગ ચેમ્પિયનશીપમાં લવલીના અને બુસેનાજે ભાગ લીધો હતો જેમાં બુસેનાજે ગોલ્ડ અને લવલીનાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. લવલીના પ્રથમ વખત ઓલિમ્પિક ઈવેન્ટમાં ભાગ લઈ રહી હતી. લવલીનાએ 69 કિગ્રા વર્ગમાં શાનદાર રીતે ઓલિમ્પિક અભિયાનનો પ્રારંભ કર્યો હતો. 27 જુલાઈએ પોતાની પ્રથમ મેચમાં લવલીનાએ જર્મનીની અનુભવી ખેલાડી નેદિન અપેટ્જને 3-2થી હરાવી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ત્યારબાદ ક્વાર્ટર ફાઈનલમાં ચીની તાઈપેઈની નિઅન ચિન ચેનને 4-1થી મ્હાત આપીને સેમીફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. આ સાથે જ લવલીનાનો બ્રોન્ઝ મેડલ પાક્કો થઈ ગયો હતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત