એક દિવસ ખેતરમાં કામ કરતાં જ્યોર્જ વોશિંગ્ટનના પિતા ઓગસ્ટિન વોશિંગ્ટને તેના મિત્રને કહ્યું, ‘મારો દીકરો જ્યોર્જ આ દુનિયામાં ખૂબ મોટું કામ કરવા માટે જ પેદા થયો છે.’ જ્યોર્જના પિતાની વાત સાંભળી તેનો મિત્ર ખૂશ થયો. બીજા દિવસે જ્યોર્જે કંઈક એવું કર્યું કે તેના પિતાના મિત્રને તેને મારી નાખવાનું મન થયું. એ તેના તલવારના એક ઝાટકે કાપી ને કટકા કરી નાખેત, પણ તેણે ગુસ્સા પર કાબુ રાખ્યો. ઓગસ્ટિનનાં મિત્રના ગુસ્સાનું કારણ એ હતું કે જ્યોર્જે આવડી અમથી ઉંમરમાં દસ ગુલામો રાખી લીધા હતા અને તેમની પાસે કાળી મજૂરી કરાવાતો અને ખીખીયાટા કરતો સુખ લેતો હતો.
ભવિષ્યમાં પણ જ્યોર્જે ગુલામો રાખવામાં કોઈ કસર બાકી ન રાખી. એક વખત તો એવો આવ્યો કે જ્યોર્જની પાસે ત્રણસો ગુલામો હતા. જે જોઈ ઘણા અમેરિકનો ઈર્ષ્યાના માર્યા સળગી ઉઠતા. પણ પિતાનું નામ જ્યોર્જ પાણીમાં પધરાવવા નહોતો માગતો. ઓગસ્ટિને પોતાના મિત્રને કહેલી વાતને શબ્દેશ: ખરી સાબિત કરવા એ અમેરિકાનો પ્રથમ રાષ્ટ્રપતિ બન્યો ! બીજું-ત્રીજુ બને એ કોઈ મોટી વાત નથી, પણ પ્રથમ હોવાનું સૌભાગ્ય માત્ર એક વ્યક્તિને જ મળે છે. તેનું નામ સુવર્ણ અક્ષરોમાં કંડારાય છે. તકતી પર પણ અને મગજ પર પણ.
નાની વયે જ જ્યોર્જને કંઈક આલીશાન કરવું હતું. એ પોતાના મિત્ર અને ભાઈ સાથે મળીને નેવીમાં જવાનું સ્વપ્ન સેવતો હતો, પણ આવું થઈ ન શક્યું. તેની મા નિરૂપા રોય બની તેને આ કામે જતા વારે વારે રોકવા લાગી, કદાચ તેણે તેને એમ પણ કહ્યું હોય કે, બેટા તારે પાણીની ઘાત છે અને આ ધંધો કર્યા જેવો નથી. એ નેવીમાં જાત તો અચૂક તરીને કેટલીક કેનાલો પાર કરી લેત અને વિમાન ત્યારે નહોતા બન્યા બાકી શીખી પણ જાત. આ હું નથી કહેતો, તેના સ્વપ્નો જ એટલા મહાકાય હતા. તેને જમીન સોતો બાંધવા માટે તેની માએ પ્રેમથી ખેતરમાં જોતરાવી દીધો. પિતાની તમાકુની ખેતી હતી. તમાકુને હાથમાં ચોળવાની ક્રિયા તેણે જીવનમાં એ રીતે ઉતારી કે વિરોધીઓને મસળી નાખ્યા.
માંએ તેના સપના પર પાણી ફેરવી નાખ્યું અને તે તમાકુની ખેતીમાં જોડાયો ત્યાં સુધીમાં તેનાં પિતાનું નિધન થઈ ચૂક્યું હતું. તેની માતાએ બીજી વખત લગ્ન ન કર્યા. જ્યોર્જ પાસે ભણતર નહીં પણ ગણતર હતું એટલે તે સોળ વર્ષની વયે સર્વેયર બની ગયો.
‘‘મારા પ્રેમ અને મારા પ્રિયતમ વિશે જાણવાનો નવરો ધંધો કોઈએ ન કરવો. એ તારે કહેતા શીખવું પડશે.’’ આવો પત્ર તેણે લખ્યો હતો. અલબત્ત આ પત્ર તેણે પોતાની થનાર પત્નીને નહીં પણ પોતાના પાક્કા દોસ્તારની પત્નીને લખ્યો હતો. જ્યોર્જને લોકો કદાચ આ માટે જ નાના મોટા કામમાં જોતરાવ્યા રાખતા હતા. એ કવિજીવ નહોતો પણ નવરો પડતો એટલે કોઈ પણ સ્ત્રીને જોઈ પ્રેમમાં પડી જતો. જ્યોર્જના મિત્રો આ ઘટના આમ તો દુર્ઘટના પછી સાવધ થઈ ગયા હતા, કારણ કે તેમના માટે તો યુદ્ધના મેદાનમાં દુશ્મન સિવાય એક નવો દુશ્મન ઘરમાં જ પાક્યો હતો.
એક સમયે પત્રકારો કહેતા હતા કે આવો રોમાન્સ આ બંન્ને વચ્ચે પાંગર્યો છે. જ્યારે તે રાષ્ટ્રપતિ બની ગયો ત્યારે આ જ મહાન પત્રકારો એમ કહેતા થઈ ગયેલા કે, ‘ના રે ના… સાહેબ અને તેના મિત્રની પત્ની વચ્ચે આવો પ્રેમ કોઈ દિવસ થયો જ નથી. આ તો તેમની છબીને ખરડાવવાનું કાવતરૂ હતું !!’
નાનપણથી તેને અખરોટ ખાવાનો શોખ હતો. તેની તીવ્ર ઈચ્છા આગળ તેના દાંતને નતમસ્તક થવું પડતું હતું. તેના ઘણાં દાંત આમ જ તૂટવા લાગ્યા. ઉપરથી ત્યારે દાંતના સારા ડોક્ટરો પણ માર્કેટમાં ઓછા હતા. જેથી હવે શું કરવું તેની ચિંતામાં જ્યોર્જ મુકાયો. 24 વર્ષની યુવા વયે વોશિંગ્ટને પોતાની ડાયરીમાં ટપકાવ્યું છે, ‘આજે ડોક્ટર વોટસને મારો દાંત કાઢી લીધો. મેં તેને પાંચ શીલીંગ આપ્યા.’
ઉપરના વાક્યથી એ વાતની સાબિતી મળે છે કે વોશિંગ્ટન એક એક પાઈનો ખર્ચ પણ લખીને રાખતો હતો. તેના દાંત અકાળે પડવા લાગ્યા. તેનું ડાયરી સાહિત્ય દાંત સાહિત્યમાં ખપાવા માંડ્યું. લખાતું ગયું કે આજે મારો ડાબો દાંત પડ્યો. આજે નીચેનો દાંત ભાંગ્યો. હવે ખૂણાનો દાંત હલે છે. એ લેખક તો નહોતો, પણ આપણા લાભશંકરભાઈ ઠાકર જેવો વૈદ્ય પણ નહોતો, બાકી તેણે દાંત પડે તો કેવી અનુભૂતિ થાય, આવો એક લેખ સામાયિકોને અચૂક આપ્યો હોત. જો તે ગુજરાતમાં પેદા થયો હોત તો તેનું આ વિષય અંગેનું પુસ્તક પણ પ્રકાશિત થયું હોત !
તેણે એક ફ્રેન્ચ ડોક્ટરને પોતાના દાંતની સર્વિસ માટે રાખ્યો હતો. ફ્રેન્ચો લાંબી ફ્રેન્ચ કિસ કરે એટલે તેમને દાંતજ્ઞાનની વ્યાધીઓ અંગે સઘળી ખબર હોય આવો કદાચ જ્યોર્જનો તર્ક હોવો જોઈએ. આ ડોક્ટરનું નામ પણ એટલું લાંબું હતું કે કોઈ તેને બોલાવે તો બિચારાના દાંત તો ઠીક ઉપરના ભાગના હોઠ હલબલી જાય. ડોક્ટર જીન પીઅર લે મયેરૂ. તે બ્રિટનમાંથી ભાગી ન્યૂયોર્કમાં વસવાટ કરતો હતો. બ્રિટનમાં પણ તે સર હેન્રી ક્લિન્ટનનો અંગત દાંતનો ડોક્ટર હતો. તેને અમેરિકામાં આવેલો જોઈ જ્યોર્જ ખુશ થઈ ગયો અને તેની પર્સનલ વૈદ્ય તરીકે નિમણૂંક કરી. બદલામાં જ્યોર્જે કહ્યું પણ ખરું કે ‘હું છું ત્યાં સુધી તારો કોઈ દાંત વાંકો નહીં કરી શકે!’
તેની ડાયરીને તપાસતા માહિતી મળે છે કે કેટલાક હબસીઓ પાસેથી તેણે કુલ નવ દાંત એક સો બાવીસ શીલીંગમાં ખરીદ્યા હતા. ગુલામોનો તે આ રીતે ઉપયોગ કરતો હતો. માર્થા ક્યૂટિસને તે પરણ્યો તો તે પણ વીસેક ગુલામો લાવી હતી. ઈતિહાસકાર મેરી.વી.થોમ્પસન વોશિંગ્ટન વિશે લખે છે, ‘તેને કોઈ એવી સલાહ આપતું કે માણસો તો મુક્ત થઈ જીવવા માટે જન્મ્યા છે તો એ ગુસ્સે થઈ જતો. આવા સમયે તેને હાથમાં રાખવો અઘરો થઈ પડતો હતો.’
જ્યોર્જના કાવતરાઓ જીભે કદાચ દાંતને કહી દીધા હશે અને આ માણસ આગામી સમયમાં મોટો રાજકારણી બનશે તો ધડાધડ વિવાદિત નિવેદનો આપતો ફરશે. બસ આ કારણે જ તેના દાંત સદગતિને પ્રાપ્ત થતા રહ્યાં. આજે પણ જ્યોર્જ વોશિંગ્ટન પર નથી લખાતું તેનાથી વધારે તેના દાંત પર લખાય છે. જ્યોર્જના દાંત વિશે નવું નવું સંશોધન કરી લખનારાઓને અમેરિકન પ્રકાશકો એ સારી એવી રકમ આપી હશે.
તેના વિશે ઈતિહાસકારો એવું પણ નોંધે છે કે આ માણસ કોઈ દિવસ એક સારો જનરલ નહોતો પણ તેને જાસૂસી કરવી ખૂબ ગમતી હતી. આઠેક વર્ષ તે યુદ્ધના મેદાનમાં રહ્યો હતો. તેની જાસૂસીક્રિડાના કારણે જ તે એક બાદ એક એમ યુદ્ધો જીતતો ગયો અને વાહવાહી ઉઘરાવતો ગયો. તેનું જાસૂસીતંત્ર એવું હતું કે તેને ખૂદને બગાસુ આવી જાય તો પણ તેના જાસૂસો તેને અવગત કરી દેતા હતા.
દુનિયામાં રોબર્ટ ક્લાઈવ પછી કોઈ મોટો નસીબદાર હોય તો એ જ્યોર્જ વોશિંગ્ટનને જ ગણવો રહ્યો. તેના શરીરની બાજુમાંથી ચાર ગોળીઓ અડકીને પસાર થઈ ગઈ હતી છતાં એ બચી ગયેલો. મલેરિયા, ડિપ્થેરિયા, અછબડા જેવી એક બાદ એક ઘાતક બીમારીઓ પણ તેનો વાળ વાંકો ન કરી શકી. પીગળતા બરફની નદીમાં તે પડી ગયેલો તો પણ તેનો જીવ બચી ગયો. એક કિલ્લો સળગી ગયો હતો તેમાં જ્યોર્જ મધદરિયે તૂટેલી નાવ ફસાય એ રીતે બરાબરનો ફસાયેલો, છતાં તે યમરાજને મચક આપી પરત આવતો રહ્યો.
એ બિચારાની તો સમસ્યા જ એવી હતી કે પત્ની કરતાં તેને ડોક્ટરની વધારે જરૂર પડતી. વિનોદ ભટ્ટે જેમ જ્યોતીન્દ્ર વિશે કહેલું કે, ‘કેટલાંક લોકો જીવનમાં વચ્ચે વચ્ચે બીમાર પડતા હોય છે. જ્યોતીન્દ્ર વચ્ચે વચ્ચે સાજા પણ થઈ જતા.’ બસ જ્યોતીન્દ્ર જેવું જ જ્યોર્જનું રહ્યું. રાશી પણ એક !
તેને એપિગ્લોટાઈટિસ નામની બિમારી થઈ હતી. જે એ વખતની કોરોના તરીકે ઓળખાતી. વોશિંગ્ટન ઘરે આવ્યો અને તેના ગળામાં બળતરા થવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે હવે હું જવાનો છું એટલે તેણે સેક્રેટરી ટોબિસ લીયરને બોલાવીને કહ્યું, ‘હું મરી જાઉં તો ત્રણ દિવસ સુધી મને દાટતા નહીં.’ 18મી સદીમાં મરનારની આવી માગ રહેતી.
જ્યોર્જ રહસ્યવાદી હતો. છેલ્લી ઘડીએ તેણે બે વીલ લખેલા હતા. પત્નીને બાજુમાં બેસાડી તેણે એક વીલ સળગાવી નાખ્યું અને બીજા વિલમાં લખ્યું હતું કે તમામ 311 ગુલામોને આઝાદ કરવા. મારા મૃત્યુ બાદ મારા પોતાના 121 ગુલામોને તાત્કાલિક અને પત્ની માર્થાના મૃત્યુ બાદ બાકીના બધા. જોકે માર્થાએ રાહ ન જોઈ અને જીવતે જીવ ગુલામોને છોડી મુક્યા.
એવું પણ કહેવાય છે કે ડોક્ટર પર વિશ્વાસ મુકનારા વોશિંગ્ટનને તેના જ ડોક્ટરોએ ખૂબ પરેશાન કર્યો હતો. બીમારી હટાવવા તેનાં શરીરને તેઓ સળગાવતા અને ધીમે ધીમે તેના શરીરમાંથી ચાલીસ ટકા જેટલું લોહી કાઢી લીધેલું.