Homeગામનાં ચોરેઈન્સ્ટાગ્રામની એક પોસ્ટના કારણે 5 હત્યા, 10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધા...

ઈન્સ્ટાગ્રામની એક પોસ્ટના કારણે 5 હત્યા, 10 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધા હતા મૃતદેહ

Team Chabuk-National Desk: મધ્યપ્રદેશના દેવાસ જિલ્લાના નેમાવરમાં એક જ પરિવારના પાંચ લોકોની હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે આરોપીઓને ઝડપ્યા બાદ આરોપીઓએ હત્યાની વાત સ્વીકારી લીધી છે. આરોપીઓએ જે નિવેદન આપ્યા છે તેનાથી પોલીસ પણ ચોંકી ગઈ છે. આરોપીઓએ પોલીસને કહ્યું છે કે, આ સમગ્ર હત્યાકાંડ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે થયો છે.

શું છે સમગ્ર મામલો

29 જૂને મધ્યપ્રદેશના દેવાસના અંતરિયાળ ગામ નેમાવરના એક ખેતરમાંથી પોલીસને એક સાથે પાંચ મૃતદેહ મળ્યા હતા. આ તમામ લોકો 13મેથી લાપતા હતા. પાંચ લોકોમાં એક જ પરિવારની 4 મહિલાઓ અને 1 યુવક સામેલ હતો.

10 ફૂટ ઊંડા ખાડામાંથી કાઢ્યા 5 મૃતદેહ

કેસ નોંધાયા બાદ બાતમીના આધારે પોલીસે આરોપીનું પગેરું મેળવ્યું હતું. ત્યારબાદ આરોપીઓની અટકાયત કરી તેની કડક પૂછપરછ કરતાં તેઓ પોપટની જેમ બધુ જ સાચું બોલી ગયા હતા અને હત્યાકાંડની જગ્યાએ પોલીસને લઈ ગયા હતા. ત્યારબાદ 10 ફૂટ ઉંડા ખાડામાંથી પાંચ મૃતદેહ કાઢ્યા હતા.

ઈન્સ્ટાગ્રામ પોસ્ટના કારણે ઘડ્યો પ્લાન

પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે હત્યાકાંડ પાછળ પાંચ મૃતકોમાંથી રૂપાલી નામની યુવતીની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ જવાબદાર છે. મૃતક રૂપાલી અને મુખ્ય આરોપી સુરેન્દ્ર લાંબા સમયથી એક બીજાના પ્રેમમાં હતા. જો કે, સુરેન્દ્રના લગ્ન કોઈ અન્ય યુવતી સાથે નક્કી થયા તો રૂપાલી તેનાથી નારાજ થઈ ગઈ. આ નારાજગીના કારણે જ રૂપાલીએ એક દિવસે સુરેન્દ્રની મંગેતરની ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકી દીધી જે સમગ્ર વિસ્તારમાં વાયરલ થઈ ગઈ. આરોપી સુરેન્દ્રને આ વાતની જાણ થતાં જ તે ગુસ્સે થઈ ગયો અને રૂપાલીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન ઘડી નાખ્યો.

પાંચ હત્યા

એક ખાનગી સમાચાર પત્રના અહેવાલ મુજબ આ ઘટના બાદ સુરેન્દ્રએ રૂપાલીને ફોન કર્યો હતો અને તેને મળવા માટે બોલાવી હતી. સુરેન્દ્રને મળવા આવેલી રૂપાલી પછી પરત ફરી ન હતી. રૂપાલીની હત્યા બાદ સુરેન્દ્રએ રૂપાલીની માતાને બોલાવી અને તેનું પણ કાસળ કાઢી નાખ્યું. ત્યારબાદ સુરેન્દ્રએ રૂપાલીની બે બહેનો દિવ્યા અને પૂજાને ખેતરમાં બોલાવી અને તેનું પણ ઢીમ ઢાળી દીધુ. સૌથી છેલ્લે સુરેન્દ્રએ તેના સાથીઓ સાથે મળીને રૂપાલીના ભાઈ પવનની પણ હત્યા કરી દીધી હતી.

મોબાઈલ બન્યો મિસ્ટ્રી

રૂપાલીની હત્યા બાદ સુરેન્દ્રએ રૂપાલીનો મોબાઈલ પોતાના મિત્ર રાકેશને આપી દીધો હતો. રાકેશ અલગ-અલગ લોકેશન પરથી સમયાંતરે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતો રહેતો હતો. એટલું જ નહીં 27-28 મેએ રૂપાલીના મોબાઈમાંથી રૂપાલીની માતાને મેસેજ મળ્યો કે, મેં લગ્ન કરી લીધા છે અને ટૂંક સમયમાં પૂજાના પણ લગ્ન કરાવી દઈશ. અમે બધા સુરક્ષિત છીએ અને ખુશ છીએ અમારી ચિંતા ન કરતી. આ મેસેજ મળ્યા બાદ રૂપાલીની માતા પોલીસ સ્ટેશને પહોંચી હતી અને રૂપાલી વિરુદ્ધ દીકરી પૂજા અને દીકરા પવનના અપહરણની ફરિયાદ નોંધાવી દીધી હતી. પ્રાથમિક દ્રષ્ટીએ પોલીસને રૂપાલી પર શંકા ગઈ હતી. જો કે, ત્યારે પોલીસને પણ ખબર ન હતી કે સુરેન્દ્રનો મિત્ર રાકેશ જ રૂપાલીના નામે મેસેજ કરે છે.

મૃતદેહને પર મીઠું છાંટી દાટી દીધા

આરોપીઓ એટલા શાતિર હતા કે મૃતદેહને દાટ્યા બાદ તેના પર મીઠું નાખી દીધું હતું જેથી મૃતદેહ જલદીથી માટીમાં ભળી જાય અને કોઈ મૃતદેહને ઓળખી ન શકે. જો કે, ખોટું કામ કરનારાઓને આખરે જેલમાં જ જવાનો વારો આવે છે. આ કેસમાં પણ પરિવારનો માળો વિખેરી નાખનારા આરોપીઓ હાલ જેલના સળિયા ગણી રહ્યા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments