યશ સવજાણીઃ આમ તો હું કંઈ લેખક નથી કે નથી એક વિવેચક, વાંચક તરીકે પણ એવડો કંઈ મોટો થઈ નથી ગયો કે લેખકોનું વિવેચન કરી શકી. પરંતુ જ્યારે કોઈ સારું પુસ્તક વાંચવામાં આવે ત્યારે એના વિશે બે શબ્દ કહ્યા વિના રહેવાતું નથી. હમણાં થોડા દિવસ પહેલા જનક ત્રિવેદી રચિત નિબંધ સંગ્રહ “મારો અસબાબ” પુસ્તક જ્યારે મિત્રએ મારા હાથ પર મૂક્યું ત્યારે તો મેં તેને સીધું શેલ્ફમાં ચડાવેલું (એ વાતનો અત્યારે અફસોસ થાય છે). પરંતુ હમણાં હમણાં કશું ખાસ કામ ના હોવાથી મારો અસબાબ વાંચવાનું ચાલુ કરી અને શરૂ કર્યાની સાથે ક્યાં પૂરી થઈ ગઈ એનું ભાન ના રહ્યું.
મારો અસબાબ લેખક જનક ત્રિવેદીનો નિબંધ સંગ્રહ છે જેમાં લેખકે પોતાના જીવનના અમુક પ્રસંગોનું વર્ણન કરેલું છે. આમતો નિબંધ અને વાર્તાઓ વચ્ચે મને ભેદ ખબર નથી પણ મારી પોતાની વ્યાખ્યા મુજબ જેને વાંચવું ગમે તે નિબંધ અને જેને સાંભળવું ગમે તે વાર્તા. પણ જ્યારે લેખકની કલમે લખાયેલા શબ્દો જ સીધા સંભળાતા હોય એને શું કહેવાય એ તો કુદરત જ જાણે કે સાહિત્યકારો જાણે. આમ જોવા જાય તો લેખક જનક ત્રિવેદી વાર્તાકાર તરીકે જ પ્રખ્યાત છે એટલે એમના નિબંધોમાંના શબ્દો બોલતા હોય તેવો આભાસ થાય છે.
હવે વાત કરી “મારો અસબાબ” નિબંધ સંગ્રહની. તો આ પુસ્તકમાં કુલ ૧૫ નિબંધો છે. અને દરેક નિબંધોમાં જનક ત્રિવેદીએ પોતાની સાથે થયેલ અનુભવો, ઘટનાઓ, યાદોનું વર્ણન છે. હવે વ્યક્તિ ભૂતકાળ પર લખતો હોય અને બાળપણ પર ના લખે એવું બની શકે ખરું? સંગ્રહની શરૂઆત જ “શેષ” નિબંધથી થાય છે જેમાં લેખક પોતાના બાળપણના ઘરનું વર્ણન કરે છે. અને કિરીટ દુધાતની ભાષામાં કહીએ તો “શું હતું” અને હવે “શું નથી”નાં વર્ણનો વાચકની આંખો ભીંજવે છે.
“શ્રાવણના માવઠા – એક અને બે” નિબંધોમાં પહેલી વાર કોઈ સાહિત્યકારે પિતા વિશે ઘસાતું લખ્યું છે અને કટાક્ષ પણ કર્યા છે. આ નિબંધોમાં લેખકનું સામ્યવાદીપણું આંખે વળગે છે. અને નોંધવા જેવી બાબતો એ કે વારેવારે લેખક લખે છે કે “આવા નિર્મમ બાપા વિશે શું લખવું”, ” આવી સાધારણ સમજ વાળા બાપા વિશે શું લખવું”…. આવા વાક્યો લખ્યા હોવા છતાં પણ બાપાના આદર્શો વિશે લખવાનું પણ લેખક ચૂકતા નથી. અને નિબંધો અંતે એક સવાલ આપણા મનમાં પણ ઉદભવે કે “આવા આદર્શો કેટલા કામના કે જે છોકરાની કોરી પાટી પણ ન જોઈ શકે” કે “આ આદર્શો જ સંસ્કારોનું સંચય કરે છે”. પુસ્તકના દરેક નિબંધની ચર્ચા કરવા બેસીએ તો બીજું એક દળદાર પુસ્તક બની જાય એટલે માત્ર મારા પ્રિય બે નિબંધો વિશે થોડી નોંધ ટાંકી લવ.
૧. ઈશ્વરને તલાકઃ પાગલ અવસ્થાનો એક ભિખારી જેવો માણસ ઈશ્વરને ધિક્કારે છે. જ્યારે કોઈ કહે “રામનામ બોલ” ત્યારે કહે “ના હો, પોપટ ઈ નો બોલે”. ઢોર મારવા છતાં આ માણસ રામ નામ બોલતો નથી લેખક પોતે પણ જાત જાતના હથકંડાઓ અજમાવી ઈશ્વરનું નામ આ માણસના મોઢે સાંભળવા પ્રયત્નો કરે છે છતાં મળે છે નરી નિષ્ફળતા. અંતે લેખક પૂછે છે પોપટ રામ નામ કેમ ના બોલે? ત્યારે પોપટ કહે છે “એણે નાના બાબલાવને ક્યાં દીધું’તું ખાવાનું, હેં? બાબલાવને ટાડ બૌ વાતી, એણે ઓઢવાનુંય ક્યાં દીધું’તું પોપટને! પોપટને નાગા ફરતાં શરમ નો આવે? પોપટના નાના પગમાં ભાભીએ સાણસીના ચપટા ભર્યા’તા… ચામડી ચિરાઈ ગઈ’તી… લોઈ નીકળ્યું’તું… એણે નો’તું જોયું? પોપટને કેટલું દુખ્યું’તું… ખબર છે?”
લેખકની જ કલમે કહી તો “પ્રતાડનાઓ, યાતનાઓ અને પાપી પેટની પીડાની આ ટ્રૅજેડી અહીં પૂરી થતી નથી. પોપટ નામના એક નિર્બળ માણસનો ઝઘડો ઈશ્વરનામધારી કલ્પિત તત્ત્વ સામે હજી નિરંતર-અવિરત ચાલી રહ્યો છે. બિરાદર પોપટ, તમને લાલ સલામ. તમારી હસ્તી એંશી કરોડ હોજરીમાં પનપી રહી છે. ના તમે એકલા નથી.”
૨. ચક્કર- બેઃ જ્યારે ભવાન ભાઈ નામનો કણબી માણસ જતી જિંદગીએ જાદુના ખેલની કંપની સ્થાપે છે ત્યારે આખું ગામ એની વિરૂદ્ધ થઈ જાય છે અને કંપનીના નામમાં પણ ગામના નામનો ઉલ્લેખ સુદ્ધાં ન કરવા કહે છે. આગળ જતાં ભવાન ભાઈ “પ્રોફેસર પટેલ એન્ડ પાલની કંપની” નામે શો ગોઠવે છે. અને “કોમેડિયન કમ જાદુગરની જેમ ખેલ શરૂ કરે છે” અને પોતાને “કોમેડિયન – મેજીસિયન” તરીકે ઓળખાવે છે. આ માણસ અધકચરા જાદુ અને અધકચરી કોમેડી કરી પોતાના ખેલ બતાવે છે. ગામમાં જ્યારે ખેલ કરે ત્યારે પાટિયું લગાવે “દુનિયાના મહાન કોમેડિયન મેજિસિયન પ્રોફેસર પટેલ અને પાલની કંપનીના ખડખડાટ હસાવતા જાદુના પ્રયોગો જોવા પધારવા ભાવભીનું આમંત્રણ” આગળ જતાં એકવાર જનકભાઈ (લેખક) જ્યારે ભવાન જાદુગરને મળે છે ત્યારે પૂછે છે “આવા ખેલ કરતા તમે હાંસીપાત્ર ઠરસો, નીચાજોણું થશે એવું તમને ના લાગ્યું” ત્યારે આ જાદુગર જવાબ આપે છે કે “નીસાઝોણું…’ મારી સામે જોયા વિના બબડ્યા, મારે કે ઈ બધાયને!? બીવાનું મારે!? કોનાથી?! સો સૂહા મારીન ઝાત્રાએ ઝાનારી મીંદડયુંથી!? એક સોફાળે બેહનાર નાત્યભાય કણબીની ઝીવાદોરી દહ વીઘા ઝમીન વ્યાજમાં ખતવી લઈ એને ગળાફાંહો ખવરાવ્યો તયે બીક નો’તી લાગી ઈ બધાયને! કણબીના દહ વરહના નબાપા સોકરાને કડિયા હાર્યે મજૂરી કરતો જોતાં ઈ બધાયની લાજ- શરમ ક્યાં ગઈ’તી?! ને હવે કણબીની નાત્યની ચંત્યા કરવા હાલી નીકળ્યાસ… સધ્યના દીકરા નો ઝોયા હોય તો…! ભોવાન કાંય એ બધાયની દયા ઉપર્ય નથી મોટો થ્યો… કડિયો થયને કચ ભાંગીસ… આ તો મરજાદા રાખું સઉં કે હામું ફટકા૨તો નથી. મારા ઘરમાં ઈ બધાય ક્યાં દાણા પૂરવા આવ્યા’તા તે મારે એનાથી બીવાનું હોય… સરમાવાનું હોય…’ પછી થોડી વાર અટકી બોલ્યા, ‘આતમબળ, હરમત્ય ને સાતીનાં પાટિયાં એમાં ઇસ્ટિલનાં જોવે, સાહેબ! હાથી વાંહે કૂતરાં તો ભહ્યાં કરે! આપડું રૂંવાડુંય નો ફ૨કે! આપડા મનના આપડે ધણી… ગમે ઈ કરીયે… એમાં બીવાનું કેવું?!”
આ ઉપરાંત “આકાશનો અધિકાર”, “વૃંદાવનની ગલીઓમાં ચીસ” અને “રાધા” આ ત્રણ નિબંધો વાંચી આંખમાં ભીનાશ આવ્યા વિના રહેતી નથી. અંતે તો કિરીટ દુધાતની ભાષામાં કહી તો “જનકભાઈ પાસે ભરપૂર અવકાશ હોવા છતાં વાંચક પાસેથી હમદર્દીની જરા પણ ઉઘરાણી કર્યા વગર કર્યું છે તે વાત જનકભાઈને નોખા નિબંધકાર ઠરાવે છે.” અંતમાં પુસ્તકના રેટિંગ વિશે તો બસ એટલું જ કે “માણસની લાગણીઓના થોડા રેટિંગ હોય”
તાજેતાજો ઘાણવો
- ચાર દાયકા લોકસાહિત્યની સેવા કરનાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીની મોટી જાહેરાત, હવે નહીં કરે લોકડાયરા
- અમરેલી લેટરકાંડઃ દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું, સત્ય બહાર લાવવા હું નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર
- રાજકોટની ગોવિંદ પાર્ક સોસાયટી પાસે સિટી બસનું સ્ટોપ આપવા માગ
- જાણીતા રેપર રફ્તારે કર્યા બીજા લગ્ન, જાણો કોણ છે રફ્તારની દુલ્હન ?
- પ્રયાગરાજ મહાકુંભમાં નાસભાગ થતાં 10 લોકોના મોતની આશંકા, યોગી સરકાર એક્શનમાં