Homeગામનાં ચોરેદિલ્હી-NCRમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે ઓરેન્જ એલર્ટ

દિલ્હી-NCRમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતના કેટલાક વિસ્તારમાં આજે ઓરેન્જ એલર્ટ

Team Chabuk-National Desk: આખરે ચોમાસુ દિલ્હી પહોંચી ગયું છે. મંગળવારે સવારે જ દિલ્હી-NCRમાં ચોમાસાએ દસ્તક દીધી છે. દિલ્હી-NCRમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી અને હરિયાણાના ગુરુગ્રામમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. મંગળવારે સવારે જ દિલ્હી-NCRમાં વરસાદ વરસ્યો છે જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. વરસાદની સાથે સાથે ઠંડો પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. છેલ્લા ઘણા દિવસથી દિલ્હી-NCRમાં ભારે ગરમી પડી રહી હતી.

રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયેલું હતું. ગઈકાલે સોમવારે દક્ષિણી પશ્ચિમી ચોમાસુ રાજસ્થાનના જેસલમેર અને ગંગાનગર સુધી પહોંચ્યું હતું. હવે મોડી રાતથી ગુરુગ્રામમાં વરસાદની સાથે ઠંડો પવન ફૂંકાતા દિલ્હી સહિત આસપાસના વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. ગુરુગ્રામમાં પડેલા વરસાદના કારણે ઘણા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ-પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી (જફરપુર, દ્વારકા, પાલમ, આયાનગર, ડેરામંડી), એનસીઆર (ગુરુગ્રામ, માનસેર, વલ્લભગઢ), હરિયાણા (રોહતક, મહમ, ઝજ્જર, ફરુખનગર, નૂંહ, સોહાના, પલવલ), ઉત્તર પ્રદેશના કાસગંજ અને આસપાસના વિસ્તારમાં આજે હળવાથી મધ્યમ વરસાદ પડશે.

આ રાજ્યમાં પણ વરસાદની આગાહી

આજે મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે વરસાદની તીવ્રતાને ધ્યાને લઈને અલગ અલગ વિસ્તારમાં રેડ, યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાત અને કર્ણાટકના કેટલાક વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું ચે. મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ, બિહાર, ઝારખંડ, કેરળ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

ગુજરાતમાં વરસાદી માહોલ

ગઈકાલે સોમવારે અષાઢી બીજના દિવસે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો. ગુજરાતના 123 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. 18 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં સવાર બે ઇંચ વરસાદ પડ્યો છે. જૂનાગઢના માંગરોળમાં 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ઉમરગામ અને વેરાવળમાં પણ 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. વિસાવદર અને ચોર્યાસીમાં પણ 2-2 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત માળીયા, ક્વાંટ, રાણાવાવ તાલુકામાં સવા ઇંચ વરસાદ પડ્યો હતો. રાણપુર, હાંસોટ, વલસાડ, કલ્યાણપુર તાલુકામાં પણ 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. અંકલેશ્વર, કોડીનાર અને પોરબંદરમાં પણ 1-1 ઇંચ વરસાદ પડ્યો છે. આમ અનેક તાલુકામાં વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments