Team Chabuk-National Desk: બોમ્બે IITમાં ભણતા અમદાવાદના વિદ્યાર્થી દર્શન સોલંકીના આપઘાત કેસમાં પોલીસને મહત્વનો પુરાવો મળ્યો છે. આ કેસમાં હવે દર્શન સાથે ભણતા કેટલાક વિદ્યાર્થીઓ પર સકંજો કસાઈ શકે છે. મહત્વનું છે કે, 12 ફેબ્રુઆરી 2023એ દર્શન સોલંકીએ હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને મોત વ્હાલુ કરી લીધું હતું. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે આ કેસની તપાસ માટે SITની રચના કરી હતી. SIT આ કેસની તપાસ કરી રહી હતી.
દાવો છે કે, મુંબઇ પોલીસની ટીમને એક ચિઠ્ઠી મળી છે. જેમાં તેના હોસ્ટેલના સાથીના નામનો ઉલ્લેખ છે. એક ખાનગી પોર્ટલના અહેવાલ મુજબ આ કેસ મુદ્દે તપાસ અધિકારીએ કહ્યું હતું કે, દર્શન સોલંકીના હોસ્ટેલના રૂમમાંથી થોડા દિવસ પહેલા કાગળના ટુકડા પર લખેલી કથિત સુસાઈડ નોટ મળી આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે, આ નોંધમાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી પજવણી કરતા હોવાનો ઉલ્લેખ છે.
સુસાઈડ નોટમાં દર્શને એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીનું નામ આપ્યું છે તે હોસ્ટેલમાં તેના ફ્લોર પર રહે છે અને તેમની વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં તેણે દર્શનને ધમકી આપી હતી.
મહત્વનું છે કે, અમદાવાદના દર્શન સોલંકીએ 12 ફેબ્રુઆરીએ કથિત રીતે હોસ્ટેલ બિલ્ડિંગના સાતમા માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી હતી. સોલંકીના માતા-પિતા અને કેટલાક વિદ્યાર્થી સંગઠનોએ તેમના મૃત્યુનું કારણ જાતિના ભેદભાવ હોવાનો આરોપ લગાવ્યો હતો.
દર્શનની બહેન જાનવીએ કહ્યું હતું કે જ્યારે તે ગત મહિને ઘેર આવ્યો હતો ત્યારે તેણે અમને જણાવ્યું હતું કે ત્યાં જાતિવાદ ચાલી રહ્યો છે. મિત્રોએ દર્શનની સાથે હરવા-ફરવાનું પણ બંધ કરી દીધું હોવાનો દર્શનની બહેને દાવો કર્યો હતો. દર્શનની માતા તરલિકા સોલંકીએ પણ આવા જ આરોપ લગાવ્યા હતા. હાલ આ સમગ્ર કેસમાં મુંબઈ પોલીસની ટીમ તપાસ કરી રહી છે. તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત