Team Chabuk-Sports Desk: આઈપીએલ રસાકસીના તબક્કામાં પહોંચી ચૂકી છે. પ્રથમ બેટીંગ કરવા માટે મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સ ગંજીફાના પત્તાની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. સાત બેટ્સમેન તો ડબલ ફિગર સુધી પણ નહોતા પહોંચી શક્યા. શ્રેયસ ગોપાલ અને કુલદીપ યાદવ શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. રાજસ્થાન તરફથી સૌથી વધારે એવિન લુઈસે 24 બનાવ્યા હતા. ટીમના અન્ય ખેલાડીઓમાં યશસ્વી જાયસ્વાલ 12, કેપ્ટન સંજુ સેમસન 3, શિવમ દુબે 3, ગ્લેન ફિલિપ્સ 4, ડેવિડ મિલર 15, રાહુલ તેવતિયા 12, ચેતન સાકરિયા 6 અને મુસ્તફિઝુર રહમાન 8 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. મેચમાં નાથન કૂલ્ટરે ચાર અને જિમી નીશમે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી હતી.
91 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમના કેપ્ટન રોહિત શર્મા અને ઈશાન કિશને જીત માટે ઝડપ બોલાવી હતી. રોહિત 13 બોલમાં 22 રન બનાવી પવેલિયન ફર્યો હતો. ઈનિંગમાં તેણે એક ચોગ્ગો અને બે છગ્ગા ફટકાર્યા હતા. સૂર્યકુમાર યાદવ ફરી એક વખત બેટથી કોઈ કમાલ નહોતો કરી શક્યો અને 13 રન પર આઉટ થઈ ગયો હતો.
સામેની તરફ ઈશાન કિશને આઈપીએલ કરિયરની સાતમી હાફ સેન્ચુરી ફટકારી હતી અને સાતત્યપૂર્ણ પ્રદર્શન કર્યું હતું. હાર્દિક પંડ્યાની સાથે મળી તેણે ટીમને જીત અપાવી હતી. કિશને 25 બોલ પર પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 50 રનની નોટઆઉટ ઈનિંગ રમી હતી. પંડ્યા પણ પાંચ રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. રાજસ્થાનની તરફથી મુસ્તફિઝુર અને સકારિયાને એક એક વિકેટ મળી હતી.
આ મેચમાં રોહિત શર્માએ એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. રોહિત શર્મા ટી ટ્વેન્ટીમાં 400 સિક્સ ફટકારનારો વિશ્વનો સાતમો બેટ્સમેન બની ચૂક્યો છે અને ભારતનો પ્રથમ ખેલાડી. આઈપીએલમાં મુંબઈ તરફથી રમતા ઈશાને 1000 રન પૂર્ણ કરી લીધા છે. મુંબઈની જીત સાથે પ્લેઓફની જંગ વધારે રસપ્રદ તબક્કામાં પહોંચી ચૂકી છે. મુંબઈ પાસે 13 મેચમાં છ જીત સાથે 12 પોંઈન્ટ છે. નેટ રન રેટ -0.048 અને ટીમ પોંઈન્ટ ટેબલમાં પાંચમાં નંબર પર આવી ગઈ છે. કોલકાતા નાઈટ રાઈડર્સના 13 મેચમાં 12 પોંઈન્ટ છે. નેટ રન રેટ +0.294 હોવાથી મુંબઈથી ઉપર છે.
મુંબઈને પ્લેઓફમાં પહોંચવા માટે હવે કોલકાતા પોતાનો આગામી મેચ મોટા અંતરે હારી જાય તેની પ્રાર્થના કરવી પડશે. બીજી બાજુ મુંબઈને હૈદરાબાદ સામેના મેચમાં મોટા અંતરથી જીત પ્રાપ્ત કરવી પડશે. હૈદરાબાદનું પ્રદર્શન આ આઈપીએલમાં અત્યંત ખરાબ રહ્યું છે. મુંબઈ માટે તેમને હરાવવું આસાન રહેશે, પણ હૈદરાબાદ હવે રેસમાં જ નથી એટલે એ બાજી ગમે ત્યારે પલટાવી શકે છે. સામે કોલકાતા પોતાનો આગામી મેચ જીતે છે તો નેટ રન રેટ ઉત્કૃષ્ટ હોવાના કારણે આરામથી પ્લેઓફમાં પહોંચી જશે. હારની સાથે રાજસ્થાન રોયલ્સનો આઈપીએલ-14નો સફર અહીં પૂર્ણ થયો છે. રાજસ્થાન રોયલ્સના 13 મેચમાં 10 પોંઈન્ટ છે. તે પોતાની આગામી મેચમાં કોલકાતાની સામે રમશે. જો મુંબઈ અને કોલકાતા બંને પોતાના મેચ હારી જાય છે, તોપણ કોલકાતા પ્લેઓફમાં પહોંચી જશે. પંજાબ અને રાજસ્થાન હવે જીત પ્રાપ્ત કરે તોપણ તેઓ પ્લેઓફની રેસથી ખૂબ દૂર છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત