Homeસિનેમાવાદ83 વર્ષની વયે અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

83 વર્ષની વયે અભિનેતા અરવિંદ ત્રિવેદીનું નિધન

Team Chabuk-Cinema Desk: એ સમયમાં ધરખમ અભિનેતાઓ હતા. આજે છે પણ એની વાત કંઈક અલગ હતી. અહીં અતિતરાગને છેડવાનો મુદ્દો નથી. પણ નવી પેઢી સુધી લંકેશ રાવણ બની અરવિંદ ત્રિવેદી છવાઈ ગયેલા. છેલ્લે લોકડાઉનમાં તેમની ધારાવાહિક સિરીયલ રામાયણ જોનારી નવી પેઢી પણ તેમની પ્રશંસા કરતાં થાકતી નથી. ચહેરાની દૃષ્ટીએ તો કોઈ પણ લોકપ્રિય અભિનેતા રાવણ બની જાય તો આપણે તેને સારો રાવણ માની લઈએ છીએ, માની પણ લઈશું, પરંતુ ભારતનો ઈતિહાસ હંમેશાં અરવિંદ ત્રિવેદીને જ રાવણ માનશે તેમાં અતિશ્યોક્તિ નથી. ભલે સ્પેશિયલ ઈફેક્ટ્સ આવી જાય, આંખો ઓઝલ કરી નાખે, પાશ્વસંગીતથી ઝાકઝમાળ પાથરી દે. તોપણ અરવિંદ એ અરવિંદ. 

મંગળવારના રોજ 83 વર્ષની વયે અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું. અભિનેતાના મૃત્યુના સમાચારની તેમના નજીકના સંબંધીઓએ પુષ્ટી કરી હતી. તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા. અરવિંદ ત્રિવેદીના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ તેમના મૃત્યુના સમાચારની પુષ્ટી કરી હતી કે, મંગળવાર, પાંચ ઓક્ટોબરના રોજ રાતના આશરે દસ વાગ્યાની આસપાસ તેમનું નિધન થઈ ગયું. કાકા છેલ્લા કેટલાય સમયથી નાદુરુસ્ત તબિયતનો સામનો કરી રહ્યાં હતાં. છેલ્લા ત્રણ વર્ષથી તેમની તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી. એવામાં તેમને બેથી ત્રણ વખત હોસ્પિટલમાં પણ દાખલ કરવા પડ્યા હતા. એક મહિના પહેલા જ તેઓ હોસ્પિટલથી પરત ઘરે ફર્યાં હતા. મંગળવારની રાતે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યો અને તેમણે કાન્દિવલી ખાતેના પોતાના ઘરમાં જ અંતિમ શ્વાસ લીધા.

આ વર્ષના મે મહિનામાં અરવિંદ ત્રિવેદીના મૃત્યુના સમાચાર ફેલાયા હતા. અફવાઓ પર તેમના ભત્રીજા કૌસ્તુભે પૂર્ણવિરામ મૂક્યું હતું. આ સિવાય રામાયણમાં લક્ષ્મણનું પાત્ર ભજવનારા સુનીલ લહરીએ પણ સોશિયલ મીડિયા પર આ અફવાઓનું ખંડન કરતી પોસ્ટ શેર કરી હતી. શરૂઆતમાં તેમના મૃત્યુના સમાચારને તો લોકો આ વર્ષની બીજી અફવા માની રહ્યાં હતાં, પણ સત્ય સામે આવતા ગમગીની છવાઈ ગઈ હતી.

અરવિંદ ત્રિવેદી રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી રામાયણ સિરીયલ થકી ઘરે ઘરે લોકપ્રિય થઈ ગયા. આજે પણ તેમની રાવણ તરીકેની છબિ લોકોની આંખ સામેથી દૂર નથી થઈ. 8 નવેમ્બર 1938ના રોજ મધ્યપ્રદેશના ઈન્દોરમાં તેમનો જન્મ થયો. શરુઆતમાં ગુજરાતી રંગમંચ પર તેમણે અભિનયના ઓઝસ પાથર્યા. એ પહેલા જ તેમના મોટાભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી ગુજરાતી રંગમંચ અને ફિલ્મોનું મોટું નામ થઈ ગયા હતા. હિન્દીના લોકપ્રિય શૉ રામાયણના રાવણ પૂરતી તેમની અભિનય પ્રતિભાને કેદ ન કરી શકાય. તેમણે ત્રણસો કરતા વધારે હિન્દી અને ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે.

ખાસ તો એ સમયમાં ધાર્મિક ફિલ્મો બનાવવાનું ચલણ હતું. અરવિંદભાઈને પણ તેમાં જ સફળતા મળી હતી. ગુજરાતની ધાર્મિક અને બાદમાં સામાજિક ફિલ્મોમાં ખૂબ અભિનય કર્યો અને ચાલીસ વર્ષ સુધી ગુજરાતી ઉદ્યોગ જગતને ઉજળું રાખવાનું કામ કર્યું. ગુજરાત સરકાર તરફથી તેમને સાત વખત પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. 2002માં તેમને કેન્દ્રિય ફિલ્મ પ્રમાણ બોર્ડના કાર્યકારી અધ્યક્ષના રૂપે પસંદ કરવામાં આવ્યા હતા. 20 જુલાઈ 2002થી 16 ઓક્ટોબર 2003 સુધી તેમણે કેન્દ્રિય ફિલ્મ પ્રમાણ બોર્ડમાં પ્રમુખ તરીકે કાર્ય કર્યું. અભિનય સિવાય તેઓ વર્ષ 1991થી 1996માં સાંસદ રહ્યા હતા. તેઓ સાબરકાંઠા વિસ્તારમાંથી સાંસદના રૂપે પસંદ પામ્યા હતા. આ લેખનો અંત રાવણના જ સંવાદથી કરીએ. જેને તેઓએ પોતાના ઘેઘૂર અવાજથી લોકપ્રિય બનાવી નાખ્યો હતો. અલવિદા અરવિંદભાઈ.

यही अवस्था मेरी है

 शक्तियां पायीं, उनसे अहंकार हुआ

 और उस अहंकार और शक्ति का मद सहन नहीं कर सका

 उन शक्तियों के मद में दूसरों पर अत्याचार भी किए

 धर्म को छोड़कर, अधर्म के मार्ग पर चला हूं

 तो उसका दंड भी भोगना पड़ेगा 

 परन्तु रावण दंड भी उसी गर्व के साथ भोगेगा

 जिस गर्व से उसने उस शक्तियों का भोग किया है

advertisement-1

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments