અલાઉદ્દીન ખિલજી બે વખત જીવતો થયો. એક વખત તેને ઈશ્વરે જન્મ આપી જીવંત કર્યો અને બીજી વખત તે ફિલ્મમાં જીવતો થયો. તેના દરબારીઓમાં હંમેશાં એવી વાતો થયા કરતી હતી કે આપણા જહાંપનાહ આટલી લાંબી ટોપી પહેરીને શું કામે ફરે છે ? ટોપી એટલી બેનમૂન હતી કે ઘણીવાર ઉપરથી આંખ પર આવીને પડી જતી હતી. નાક સુધીનું મોં ઢંકાઈ જતું હતું. જેના નિરાકરણ માટે તેણે વાળંદને દિલ્હીમાંથી નિવૃત ઘોષિત કરી દીધો કે હવે મારા વાળ કોઈ નહીં કાપે, કારણ કે વાળ વધશે તો માથા પર ટોપી ટકી શકશે.
એ ગયા જનમમાં સોનાનો વેપારી હોવો જોઈએ. એ જ્યારે પણ એકલો પડતો એટલે લૂંટેલા માલને ગણ્યા કરતો હતો. સોના અને ઝવેરાત પર હાથ ફેરવ્યા કરતો. તેના પાર્ટનર મલિક કાફૂરને પણ થતું કે સાહેબને ગણતરી ઓછી આવડે છે તો રોજ સવાર ઊઠીને ગણતરી શું કામે કરતાં હશે.
તારીખે ફિરદોશીમાં તેના વિશે લખ્યું છે કે, તેને શિક્ષકો ગમતાં નહોતા. તેના રાજમાં શિક્ષકો ઓછા હતાં તેનું કારણ પણ અલાઉદ્દીન જ છે. તેને લખતા વાંચતા પણ નહોતું આવડતું. વાળંદ અને શિક્ષકોને તો એણે દેશવટો જ આપી દીધો હતો. આ કારણે જ અલાઉદ્દીનના સામ્રાજ્યમાં આપણને લાંબાવાળ ધરાવતા વ્યક્તિઓ વધારે દેખાય છે, પણ એ બધા કવિઓ નથી.
નગરજનો તેમને કવિઓ સમજવાની ખૂબ મોટી ભૂલ કરતાં હતા. જોકે તેનાથી અલાઉદ્દીન બાદશાહને શું ? તેને તો એ પણ નહોતી ખબર કે કવિ કોને કહેવાય ? રહી રહીને તેને કવિઓ અને ગાયકો વિશે સમજાયું. કલાકારોનું તે માન રાખવા માંડ્યો ત્યારે તને ખબર પડી કે મારા રાજ્યમાં દર બીજો વ્યક્તિ કવિ અને ગાયક છે.
તેણે કલાકારોની પ્રશંસામાં કહેલું પણ હતું કે, ‘આવા સારા કલાકારો જો બીજા રાજ્યમાં હોત તો મારા જેટલી પ્રશંસા એમની કોઈ ન કરેત.’ અલાઉદ્દીન એમના માટે એવો તંત્રી હતો જે લેખના વખાણ કરી નાખે પણ લેખના પૈસા ન આપે!!
તેને સિકંદર બનવાની ચાહ હતી. તેણે દરબારીઓને એક મહાન કાર્ય વિશે જણાવ્યું હતું કે, ‘મારી પાસે આટલા બધા ઘોડા, આટલા સારા દરબારીઓ છે તો હું વિચારું છું કે હું સિકંદરની જેમ વિશ્વ વિજય કરવા માટે નીકળી પડુ. તમે આ બધું સંભાળો.’ ઘણાને આ વાત ગમતી કારણ કે અલાઉદ્દીન તેમના રસ્તાનો કાંટો હતો. ગાંડાની હોસ્પિટલમાં ગાંડાઓને પણ એક ખતરનાક ગાંડો ખૂબ કનડતો હોય છે. અલાઉદ્દીન એ ખતરનાક ગાંડાઓમાંથી એક હતો.
કોઈવાર તે કહેતો કે, હું તો વિશ્વ વિજેતા છું. હવે ઈચ્છા છે કે ફલાણું રાજ્ય જીત્યા પછી હું તેને મારા કોઈ એક સામાન્ય દરબારીને સોંપી, બીજા રાજ્ય પર ફતેહ કરવા માટે નીકળી પડુ. એ આવું બોલતો ત્યારે બધાને ખબર પડી જતી કે આજ અલાઉદ્દીનભાઈ કંઈક વધારે જ દારૂ પી ગયા છે.
એ દારૂ પીવે કે ન પીવે તેનાથી કશો ફરક પડવાનો નહોતો. દારૂ પીધા પહેલા એ ખૂદને સિકંદર બીજો માનતો અને દારૂ પીધા પછી સિકંદર કોણ ? હું જ તો છું વિશ્વ વિજેતા. આમ પોતાની જાતને છેતર્યા રાખતો. ઈતિહાસકાર ચાબુક કહે છે કે જો તે ભણેલો હોત તો સારો લેખક બન્યો હોત. તારક મહેતાએ કહેલું વાક્ય અલાઉદ્દીન જો લેખક હોત તો અચૂક બંધ બેસેત કે, ‘દારૂ પીવાથી સારું લખાણ લખાતું નથી, પણ ખરાબ લખાણેય સારું લાગવા માંડે છે.’
તેને ઘણી વખત તેની બેગમો સમજાવતી હતી કે, ‘તમે દારૂ પીઓમાં આનાથી તમને ખોટા વિચારો આવે છે.’ પણ આ વાત બેગમો તેને એવા સમયે કહેતી જ્યારે તે બે બોટલ ઢીંચી ગયો હોય.
દિલ્હી શહેરના અન્ય લોકો હસતા કે આપણો રાજા ગાંડો છે. બુદ્ધીમાનો એ લોકોને સમજાવતા કે, ભાઈ એ ગાંડો છે એ જ મોટી માથાકૂટ છે. તેની પાસે પુષ્કળ ધન છે. સત્તા છે. કોઈ તેને ખોટું કહેશે તો તે પોતાના દરવાજા પર તેનું માથું લટકાવી દેશે.
તેણે એટલા કિલ્લા જીતેલા હતા કે, ઘણી વખત એ કિલ્લાને જીતવાની યોજના બનાવવા લાગતો જે એણે ત્રણ મહિના પહેલા જીતી લીધો હોય. પછી દરબારીઓ તેને માંડ માંડ ઘોડા પરથી ઉતારી સમજાવતા હતા કે, ‘અલાઉદ્દીન આપણે એ જીતી ચૂક્યા છીએ.’
એના રાજ્યમાં ઘોડાની સંખ્યા વધી ગઈ હતી. જેથી તેણે આર્થિક દૃષ્ટીએ ઘોડાને ખરીદવાના ત્રણ ભાગ પાડ્યા હતા. તેની રાજધાનીની અર્થવ્યવસ્થા ઘોડાના કારણે ઘોડાની જેમ દોડતી થઈ ગઈ. અભણ હોવા છતાં તેણે આવો નિર્ણય લીધો એટલે જનતાને લાગ્યું કે નક્કી મહેલમાં કોઈ શિક્ષકની નિમણુંક થઈ હશે. પણ અઠ્ઠેગઠ્ઠે સ્પર્ધાત્મક પરીક્ષામાં કુંડાળા મારી પાસ થઈ જવાય તો જીવનમાં એકાદ બે નિર્ણય સારા પણ લઈ શકાય ને!
ખીલજીઓના શાસનમાં મુગલોએ ખૂબ આક્રમણ કર્યા. તારીખે ફિરોઝ શાહીમાં અલાઉદ્દીનની એક ક્રૂરતા અતિ પ્રસિદ્ધ છે. જેમાં તેને ખૂબ મજા આવી હતી. મુગલો આક્રમણ કરતાં અને હારી જતા. હારી ગયા પછી જીવતા હોય કે મરેલા બધાને પકડી તેમની ગરદન કાપી લેવામાં આવતી. આ ગરદનો મોતીની જેમ દોરડા સાથે હારબંધ બાંધી દેવામાં આવતી. લાંબી હરોળ થયા પછી તેને હાથીના પગ નીચે કચડાવી અલાઉદ્દીન મજા લેતો હતો. તેના ઘણા હાથીઓને તો વર્ષો સુધી એવું જ લાગ્યા રાખ્યું કે અલાઉદ્દીનના શાસનમાં રોડ રસ્તા સારા નથી.
બધા માથાઓ હાથીઓનાં પગ નીચે કચડવામાં ન આવતા. ઘણા નસીબદાર માથાઓના ચબુતરા બનાવવામાં આવતા. અત્યારે ગીધો લુપ્તશ્રેણીમાં આવી ગયા છે. અલાઉદ્દીને પોતાના રાજ્યમાં એવી વ્યવસ્થા કરી હતી કે તેના રાજ્યની આજુબાજુ જ ગીધો ઉડ્યા કરતાં હતા. અલાઉદ્દીનને ચાહનારાઓમાં ગીધ પ્રથમ હરોળમાં આવે છે. બાકી જનતા તો રોજ પ્રાર્થના કરતી કે આ ગુજરી ક્યારે જશે.
આટલા બધા માથા કચડવાના કારણે સમગ્ર દિલ્હીમાં ગંદકી ફેલાઈ ગઈ. તો પણ તેણે મહામારી છે એવી ખોટી જાહેરાત નહોતી કરી!! એકવાર સરદાર અલીબેગ અને તરતાક ચાલીસ હજારની ફોજ લઈ અલાઉદ્દીનનો સામનો કરવા આવ્યા. અલીબેગને ચંગેઝ ખાનનો પુત્ર માનવામાં આવતો હતો. અલાઉદ્દીને મલિક કાફુરને હુકમ આપ્યો કે, ‘જાઓ અને આમનો બાપ જો ચંગેઝ ખાન હોય, તો બાપનું નામ ડુબાડી દો.’
યુદ્ધમાં અલીબેગ અને તરતાક હારી ગયા. તેમને બંદી બનાવીને લાવવામાં આવ્યા. તેના વીસ હજાર ઘોડા અને સંપત્તિ અલાઉદ્દીને લઈ લીધી. તારીખે ફિરોઝશાહીમાં લખેલું છે કે, એ દિવસે અલાઉદ્દીનના મહેલમાં એટલી ભીડ જામેલી કે સરદારે પાણી પીવાનો ભાવ પણ નક્કી કરી રાખ્યો હતો.
લોકોને મહેલમાં પાણી પીવું હોય તો પૈસા દઈ પીવું પડતું હતું. અત્યારે પાણી જે રીતે બોટલોમાં વેચાય છે તેની શરૂઆત કરનારો અલાઉદ્દીન ખિલજી હતો. એટલે આપણે એમ માનવાનું કે કોઈ અલાઉદ્દીનનું ચરિત્ર વાંચી વ્યાપાર કરી ગયો અને આપણે રહી ગયા.
માણસ નાક કપાવે પણ મુગલો માથા કપાવતા અને ડર્યા વિના પાછા આવી જતા. બીજા વર્ષે કનક તેની મુગલ સેના લઈ પાછો આવ્યો. આ વખતે ખૂબ ખરાબ હાલ થયા. અલાઉદ્દીને માથા કાપ્યા અને સ્મૃતિમાં બદાયુ દ્રાર પર મિનારો બંધાવ્યો.
તેના વિશે ઈતિહાસમાં એક વાતનો કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. તેની પાસે વિશાળ સેના હતી. જેનો પગાર ખૂબ ઓછો હતો અને છતાં કોઈ નોકરી છોડીને જતું ન હતું. સમગ્ર વિશ્વમાં ઓછા પગારે નોકરીએ રાખી રાજ ચલાવનારો અલાઉદ્દીન એક માત્ર શાસક હતો અને તેની પાસેથી કોઈએ ઈન્ક્રિમેન્ટ પણ ન હતું માગ્યું. નહીં તો માથુ કાપી નાખે.
લાંબી બીમારીના કારણે તે મરી ગયો. વાતો તો એવી થતી કે તેના પુરૂષ સેક્સ પાર્ટનર જેને ‘લિવાતત’ કહેવાય. તેણે જ બીમારીમાં અલાઉદ્દીનને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેના વિશે એક છંદ છે.
जब मरने का समय आ जाता है और मृत्यु का मार्ग खुल जाता है
तो फिर जमशेद, परवेज तथा खुसरो किसी कि भी नहीं चलती.