Team Chabuk-National Desk: એક કોરોનાના કારણે ઘણું ઘણું થઈ રહ્યું છે. થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક વ્યક્તિ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે જે બાવડા પર કોરોના વેક્સિન લીધી છે ત્યાં બલ્બ પ્રજવલ્લીત થઈ જાય છે. PIB ચેક દ્વારા આ દાવાનું ખંડન કરવામાં આવ્યું.
હવે એક વ્યક્તિ એવો દાવો કરી રહ્યો છે કે કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ તેનામાં ચુંબકીય શક્તિ આવી ગઈ છે અને તેના શરીરમાં બધું ચોંટવા લાગ્યું છે. તેના શરીરમાં ચમચી, ધાતુ, રૂપિયાનાં સિક્કા ચોંટવા લાગ્યા છે. આ ખબર વાઈરલ થતાં ડોક્ટરોની ટીમ તેમના ઘરે ગઈ હતી અને તપાસ કરી હતી. તપાસમાં સામે આવ્યું કે વેક્સિનનાં કારણે આવું કંઈ નથી થઈ રહ્યું.
આ વ્યક્તિની ઉંમર 71 વર્ષની છે. અરવિંદ સોનાર નામેરી આ વ્યક્તિ નાસિકમાં સમોસાની દુકાન ચલાવે છે. અરવિંદ સોનારે 9 માર્ચનાં રોજ કોવિશિલ્ડ વેક્સિન લીધી હતી. 2 જૂનનાં રોજ તેણે વેક્સિનનો બીજો ડોઝ લીધો હતો. તેના પુત્ર જયંતે વેક્સિન લીધા બાદ શરીરમાં ધાતુ ચોંટવા લાગ્યા હોવાની ખબર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પુત્રએ પિતાના શરીર પર સ્ટીલની વસ્તુઓ રાખી જોવાનું નક્કી કર્યું હતું. તેમના શરીરની નજીક લોઢાની વસ્તુઓ રાખવામાં આવી એ ફટાફટ ચોંટવા લાગી હતી. પ્રથમ વખત આ ઘટના બની તો લાગ્યું કે પરસેવાના કારણે થયું હશે. એ પછી પરિવારનાં લોકોએ અરવિંદ સોનારને સ્નાન કરાવ્યું અને એ પછી લોઢાની વસ્તુઓ શરીર પર ચીપકાવી.
અરવિંદના પુત્ર જયંતે કહ્યું કે, ‘‘અમે નથી જાણતા કે આવું વેક્સિન લગાવ્યા બાદ થઈ રહ્યું છે કે તેના પહેલાથી. મેં આ પ્રકારના કેટલાક વીડિયો ઈન્ટરનેટ પર જોયેલા છે. જેમાં વેક્સિન લગાવ્યા બાદ ચુંબકીય ગુણ પેદા થયાનો દાવો કરવામાં આવે છે. 2 જૂનનાં રોજ મારા પિતા વેક્સિનનો બીજો ડોઝ લઈને આવ્યા તો મેં તેમના પર ટેસ્ટ કર્યું. બેઉંના શરીર પર લોઢાની વસ્તુઓ ચોંટાડી પણ માત્ર મારા પિતાના શરીર પર જ ચોંટી. મારી મમ્મીની સાથે આવું થયું નહીં.’’
આ વિષે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના ડૉક્ટરે કહ્યું કે, ‘‘શરીરથી સિક્કાઓ અને વાસણનું ચોંટવું એ ભૌતિકશાસ્ત્રના નિયમોનાં આધારે શક્ય છે. જો ત્વચા ભીની હોય અને ચોંટવાની જગ્યા પર વેક્યુમ કેવિટી નિર્માણ પામે તો આ સંભવ છે. જોકે આ વાતને ટીકાકરણની સાથે ન જોડવી જોઈએ. અમારી સાથે કામ કરનારા લોકો કેટલીય વખત આ પ્રકારના દાવાનું સત્ય સામે લાવી ચૂક્યા છે.’’
અમેરિકામાં પણ એક મહિલા દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વેક્સિન લોકોને મેગ્નેટિક બનાવી રહી છે. અમેરિકાના ઓહાયો રાજ્યમાં સુનાવણી દરમિયાન પ્રયોગ કરી બતાવવાનું કહેવામાં આવ્યું ત્યારે મહિલાના શરીરમાં એક વખત ચાવી ચોંટી ગઈ હતી. પણ બાદમાં ગળાનાં ભાગે ચોંટાડવાનો અસંખ્ય વખત પ્રયત્ન કર્યા બાદ પણ તેમને નિષ્ફળતા હાથ લાગી હતી. આ ઘટનાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જોકે નિષ્ણાતો દ્વારા એ વાત કહેવામાં આવી છે કે, વેક્સિનનો ડોઝ લેવાથી શરીર મેગ્નેટિક બની જાય અને વસ્તુઓ ચોંટવા લાગે એ વાત જ પાયા વિહોણી છે.
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા