Homeતાપણુંકમળ મુક્ત મુકુલના ‘મૂળ’ ફરી ‘તૃણમૂલ’માં નીકળ્યા

કમળ મુક્ત મુકુલના ‘મૂળ’ ફરી ‘તૃણમૂલ’માં નીકળ્યા

Team Chabuk-Political Desk: પશ્ચિમ બંગાળમાં ભાજપના સૂપડા સાફ થયા બાદ હવે કેટલાક કદાવર નેતાઓની ઘર વાપસી થઈ રહી છે. ભાજપને હવે એક મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા મુકુલ રોય પોતાના દીકરા સુભ્રાન્શુની સાથે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સાંસદ અભિષેક બેનર્જી તૃણમુલ કોંગ્રેસ ભવન પહોંચ્યા બાદ પ્રેસવાર્તા કરી હતી.

મમતાએ પ્રેસવાર્તામાં કહ્યું હતું કે, ભાજપમાં ખૂબ વધારે શોષણ છે. ત્યાં લોકોનું રહેવું કઠિન છે. મમતાએ મુકુલ વિશે કહ્યું કે, ઘરનો છોકરો છે અને તેની ઘર વાપસી થઈ છે. મારો મુકુલની સાથે કોઈ પ્રકારનો મતભેદ નથી. જેમણે તૃણમુલ સાથે ગદ્દારી કરી છે તેમને પાર્ટીમાં કોઈ દિવસ નહીં લઈએ.

વિધાનસભા ચૂંટણીમાં મળેલી મોટી જીત બાદ વિરોધી દળમાં ચાલ્યા ગયેલા નેતાઓની પુન: વાપસી થઈ રહી છે. પરત આવવાની લિસ્ટમાં મૂકુલ રોયનું નામ સૌથી ઉપર હતું. ભાજપમાં શુભેન્દુ અધિકારીનાં વધી રહેલા કદથી ચિંતિત એવા મુકુલ રોય તૃણમૂલમાં કમબેક કરી રહ્યાની વાતો ચાલી રહી હતી.  

સુત્રોની વાત માનવામાં આવે તો મુકુલ રોયે કૃષ્ણાનગરની ઉત્તર સીટ પરથી રાજીનામું આપવાની ઘોષણા કરી છે. તેઓ અહીંના ધારાસભ્ય છે. હવે મુકુલ રોયના પુત્ર શુભ્રાન્સુ રોય અહીંથી ચૂંટણી લડી પિતાની પરંપરાને આગળ ધપાવી શકે છે. સુત્રો તરફથી મળતી માહિતી મુજબ ગત્ત અઠવાડિયે મુકુલ રોયે મમતા બેનર્જીની સાથે ચાર વખત ફોન પર વાત કરી હતી. આ પહેલા મુકુલને દિલીપ ઘોષની સાથે વાંધો હતો. જોઇન કર્યા પછી તેમને પાર્ટી ઓફિસમાં જગ્યા નહોતી મળી. કૈલાશ વિજયવર્ગીય મુકુલના ગુરૂ હતાં. ભાજપે કૈલાશને બંગાળથી દૂર કરી દીધાં.

ટીએમસીનાં નેતા સુખેન્દુ શેખર રોયે મુકુલનાં ટીએમસીમાં ફરતાં ભારતીય જનતા પાર્ટી પર નિશાનો સાધ્યો છે. તેમણે ટ્વીટ કરી કહ્યું છે કે, ‘ભાજપનું ગંજીપાનાં પત્તાની જેમ તૂટવું નક્કી છે. બંગાળમાં આ જલ્દી જ થશે. આજે જે થઈ રહ્યું છે તે તેની શરૂઆત છે. બાદમાં ભાજપ છોડનારાઓની સંખ્યા ગણવી અધરી પડી જશે. આવો ફરી દીદી…. ઓ… દીદી…. કહો બદલામાં સારો જવાબ મળશે ભાઈ.’

ચૂંટણીનાં પરિણામ બાદ જ મુકુલ રોય ઘર વાપસીની ઈચ્છા રાખી રહ્યા હતા. ટીએમસીના નેતા સોગત રોયે કહ્યું હતું કે એવા અસંખ્ય લોકો છે જે અભિષેક બેનર્જીનાં સંપર્કમાં છે અને પરત આવવા ઈચ્છે છે. મને લાગે છે કે પાર્ટી છોડી પરત આવનારાઓને બે શ્રેણીમાં વિભાજીત કરી શકાય છે. સોફ્ટલાઈનર અને હાર્ડલાઈનર.

સોફ્ટલાઈનર અને હાર્ડલાઈનરનો જવાબ આપતા સોગત રોયે કહ્યું હતું કે, સોફ્ટલાઈનર તો એ છે જેણે પાર્ટી તો છોડી છે. જોકે એમણે મમતા બેનર્જીનું અપમાન નથી કર્યું. હાર્ડલાઈનર એ છે કે મમતા બેનર્જી અંગે સાર્વજનિકરૂપથી નિવેદનો આપ્યા. મુકુલ રોયે મમતા બેનર્જી પર તો કોઈ આરોપ લગાવ્યા નહોતા. એટલે એ સોફ્ટલાઈનરની કેટગરીમાં આવે છે.

ગત્ત અઠવાડિયે ભાજપની થયેલી મિટિંગમાં મુકુલ રોય ગેરહાજર રહ્યા હતા. તો અભિષેક બેનર્જી મુકુલ રોયની પત્નીની નાદુરુસ્ત તબિયતની ભાળ મેળવવા માટે હોસ્પિટલે પહોંચ્યા હતા. આ બે ઘટનાઓ પરથી જ ક્યાસ લગાવવામાં આવી રહ્યો હતો કે તેઓ વાપસી કરી રહ્યા છે. જણાવી દઈએ કે ચૂંટણી પૂર્વે મુકુલ રોય ટીએમસી છોડનારા પ્રથમ નેતા હતા.

1998થી બંગાળની રાજનીતિમાં સક્રિય રહેનારા અને કોઈ વખત મમતા બાદ જેમનું બીજું નામ લેવાતું હતું તેવા મુકુલ રોયને પાર્ટી વિરોધી ગતિવિધિઓનાં કારણે નિલંબિત કરવામાં આવ્યા હતા. મુકુલ રોયનું અગાઉ નારદા સ્ટિંગ કેસમાં પણ નામ ઉછળ્યું હતું. જેનાં કારણે તેમની છબી ખરડાઈ હતી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments