Homeગામનાં ચોરેઅલવિદા કથક સમ્રાટ: બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન, પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત...

અલવિદા કથક સમ્રાટ: બિરજુ મહારાજનું હાર્ટ એટેકથી નિધન, પ્રધાનમંત્રી મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

Team Chabuk-National Desk: સુપ્રસિદ્ધ કથક સમ્રાટ પંડિત બિરજુ મહારાજનું હાર્ટ-એટેકને કારણે નિધન થયું છે. પદ્મવિભૂષણ સન્માનિત બિરજુ મહારાજાએ 83 વર્ષની વયે દિલ્હીમાં અંતિમ શ્વાસ લીધા છે. તેમના પૌત્ર સ્વરાંશ મિશ્રાએ આ માહિતી આપી હતી. બિરજુ મહારાજના અવસાનના સમાચારથી તેમના ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ કથક સમ્રાટના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે ટ્વીટ સંદેશ દ્વારા કહ્યું કે, ભારતીય નૃત્યકલાને વિશ્વભરમાં વિશિષ્ટ ઓળખ આપનારા પંડિત બિરજુ મહારાજજીના નિધનથી અત્યંત દુઃખી છુ. તેમનું જવું સંપૂર્ણ કલા જગત માટે એક અપૂર્ણ ક્ષતિ છે. દુઃખના આ સમયમાં મારી સંવેદના તેમના પરિવારજનો અને પ્રસંશકો સાથે છે. ઓમ શાંતિ.

મળતી માહિતી મુજબ મોડી રાત્રે બિરજુ મહારાજ તેમના પૌત્ર સાથે રમી રહ્યા હતા ત્યારે તેમની લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તાત્કાલિક સાકેતની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તેમનાં પરિવારજનોએ કહ્યું કે, થોડા દિવસો પહેલાં મહારાજની કિડનીની બીમારીની સારવાર કરવામાં આવી હતી. સિંગર્સ માલિની અવસ્થી અને અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

બિરજુ મહારાજનો જન્મ 4 ફેબ્રુઆરી 1938ના રોજ લખનઉમાં થયો હતો. તેમનું સાચું નામ પંડિત બ્રિજમોહન મિશ્રા હતું. કથક નૃત્યકાર ઉપરાંત તેઓ શાસ્ત્રીય ગાયક પણ હતા. બિરજુ મહારાજના પિતા અને ગુરુ અચ્છન મહારાજ, કાકા શંભુ મહારાજ અને લચ્છુ મહારાજ પણ પ્રખ્યાત કથક નૃત્યકાર હતા.બિરજુ મહારાજને 1983માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત તેમને સંગીત નાટક અકાદમી પુરસ્કાર અને કાલિદાસ સન્માન પણ એનાયત કરાયા છે. તો કાશી હિંદુ યુનિવર્સિટી અને ખૈરાગઢ યુનિવર્સિટીએ પણ બિરજુ મહારાજને માનદ ડૉક્ટરેટની પદવી એનાયત કરી હતી.

2012માં તેમને વિશ્વરૂપમ ફિલ્મમાં ડાન્સ કોરિયોગ્રાફી માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. 2016માં બાજીરાવ મસ્તાનીનું ‘મોહે રંગ દો લાલ’ ગીતના કોરિયોગ્રાફી માટે ફિલ્મફેર અવૉર્ડ પણ મળ્યો હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments