Team Chabuk-Sports Desk: ભાલાફેક, ચક્રફેક અને ગોળાફેક. તમારી શક્તિનું માપ કાઢી લે. હાલ તો અભ્યાસ વગેરેથી દૂર હોઈએ કશું ખ્યાલ નથી પણ દસમાં ધોરણની પરીક્ષામાં જ્યારે શારીરિક શિક્ષણની પ્રેક્ટિકલ હોય ત્યારે પહેલી વખત ગોળાફેંક અને ચક્રફેંક કરવાનો લ્હાવો મળે. PTના સર ભાલુ ન આપે. ભાલુ ખતરનાક હોય છે. એને દરેક વ્યક્તિ ફેંકી નથી શકતો. તેના માટે એક ઊંચાઈ જોઈએ. નીરજ ચોપરાની ઊંચાઈ જોઈ હશે અને નીરજના પ્રતિદ્વંદી તો તેનાથી પણ ઊંચા હતા. ભાલાને ફેંકતી વખતે પણ ધ્યાન રાખવું પડે, ક્યાંક આડુતેડુ ફેંકી દીધું અને કોઈના શરીરમાં ખુંપાઈ ગયું તો…? હવે આ સાંભળો.
‘નીરજ રોજ સ્ટેડિયમમાં જતો હતો. ભાલુ ફેંકતો અને વીડિયો રેકોર્ડ કરતો અને પછી મને આવી દેખાડતો હતો. હવે ખબર પડી કે ભાલાનો ભાર કેટલો હોય છે.’ આ શબ્દો છે નીરજ ચોપરાના પિતા સતીશ ચોપરાના. દસ વર્ષ પહેલાની આ વાત છે. નીરજ વજન ઓછું કરવા માટે ગયો તો ત્યાં તેને ઘણી રમતો રમાડવામાં આવતી હતી. જેમાંથી એક હતી જ્વેલીન થ્રો. ગુજરાતીમાં તેને કહેવાય ભાલાફેંક.
પિતાને ખબર પડી ગઈ હતી કે તેની આ રમતમાં રૂચિ છે, જોકે તેના પિતાએ તેને કોઈ દિવસ પૂછ્યું નહોતું કે આ રમત તારે રમવી છે કે નહીં. જ્યારે તેણે પિતાને વીડિયો બતાવ્યો ત્યારે તેમને ખબર પડી કે નીરજ જ્વેલિન રમે છે. પિતાએ કોઈ દિવસ જ્વેલિનનું નામ સુદ્ધાં સાંભળ્યું નહોતું. નીરજે જ્યારે કહ્યું ત્યારે તેમને આ અજાણી રમતનો પરિચય થયો. વીડિયો જોયા પછી એ રમત કેવી રીતે રમાય છે તેનો પણ એક ખ્યાલ આવ્યો.
દસ વર્ષના વહાણ વીતી ગયા. નીરજ તાલીમ લેતો અને સ્પર્ધા જીતતો પણ ગઈકાલે પહેલી વખત નીરજ ચોપરાનું પ્રદર્શન તેના પિતાએ લાઈવ જોયું. પાણીપતમાંથી ભાલા ફેંકવાની શરૂઆત કરનારા નીરજનો એક પણ મેચ પિતાએ જોયો નથી. ન તો ટીવીમાં ન તો પ્રત્યક્ષદર્શી બનીને. તેના પાણીપતના કોચ પણ આ વાતના સાક્ષી છે. તેમણે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, નીરજની પ્રેક્ટિસને જોવા માટે કોઈ દિવસ તેના પિતા મેદાનમાં આવ્યા નથી.
નીરજને મળેલું પ્રથમ ભાલુ સાત હજાર રૂપિયાનું હતું. જે એલ્યુમિનિયમ મિક્સ કરી બનાવેલું હતું. નીરજનું બીજું ભાલુ પચાસ હજાર રૂપિયાનું હતું. હવે નીરજ જે ભાલાથી અભ્યાસ કરે છે તે દોઢ લાખ રૂપિયાનું છે. કોમનવેલ્થ ગેમ્સમાં નીરજે બનાવેલ જુનિયર રેકોર્ડ અને પદકના કારણે પહેલી વખત ગામને તેનો પરિચય થયો હતો. હવે તો નીરજના પિતાને લાગે છે કે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ આ આખું ગામ નીરજથી જ ઓળખાશે. પિતા કહે છે, ‘હવે લોકો કહેશે કે નીરજના ગામ જવું છે.’
તાજેતાજો ઘાણવો
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ
- મોરબીના મચ્છુ-3 ડેમમાં માતા-પુત્રીએ ઝંપલાવ્યું, દીકરીનું મોત
- દુષ્કર્મના કેસના આરોપી જૈન મુનિને સુરત કોર્ટે ફટકારી 10 વર્ષની સજા