Homeદે ઘુમા કેનીરજ ચોપરા બનવા માટે મોબાઈલ છોડી દેવો પડે…

નીરજ ચોપરા બનવા માટે મોબાઈલ છોડી દેવો પડે…

Team Chabuk-Sports Desk: કોઈ એક વસ્તુને મેળવવા માટે ઘણું બધુ ગુમાવવું પડે છે. ત્યાગો ત્યારે ભોગવવા મળે. મિલ્ખા સિંહના નિધન પર પણ તેમનું એક ક્વોટ વાઈરલ થયેલું કે, એક વખત તમારે શું કરવું છે એ વસ્તુની તમને ખબર પડી જાય પછી બાકીની વસ્તુઓ પાછળ છૂટતી જાય છે. નીરજ ચોપરાએ પણ ભરપૂર ત્યાગ કર્યો છે. ગોલ્ડમેડલ એમનેમ જ નથી મળી જતો. એ પણ પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં. 121 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત. ટ્રેક એન્ડ ફિલ્ડમાં પ્રથમ વખત.

નીરજે એક ગોલ્ડમેડલ માટે ઘણો ત્યાગ કર્યો છે. તેણે પોતાનું સંપૂર્ણ ધ્યાન માત્ર ઓલિમ્પિકની તૈયારીમાં જ આપ્યું હતું. એક વર્ષ માટે પોતાના મોબાઈલ ફોનને બંધ કરી દીધો હતો. જરૂર પડે ત્યારે માતા સાથે વાત કરતા હતા. બાકી મોટાભાગનો સમય મોબાઈલ સ્વીચ ઓફ રહેતો હતો. સોશિયલ મીડિયા પર નીરજ ચોપરા છે પણ ધ્યાનથી જુઓ તો તેઓ તેનો વધારે ઉપયોગ નથી કરતા. ખૂબ ઓછી પોસ્ટ છે. જ્યારે પરિવારની સાર સંભાળ પૂછવી હોય ત્યારે પણ સામેથી વીડિયો કોલ કરી લેતા હતા.

સંયુક્ત પરિવારમાં રહેતા નીરજના ઘરમાં તેના માતા પિતા સિવાય ત્રણ કાકા છે. એક જ ખોરડાની નીચે 19 લોકોનો ફુલ્યોફાલ્યો પરિવાર રહે છે. એક બાજુ સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબમાં રહેવાનું ચલણ અને કહો તો દૂષણ વ્યાપી ગયું છે, ત્યારે નીરજના પરિવારનું અને એ પણ આટલા મોટા પરિવારનું આજ સુધી એક સાથે રહેવું તે પણ ગોલ્ડન સિદ્ધિ છે. દસ ભાઈ બહેનોમાં નીરજ સૌથી મોટા.

એક સમય હતો કે જ્યારે ઈચ્છા હતી પણ હાથવગા એટલા પૈસા નહોતા. પિતા અને કાકાએ સાત હજાર એકઠા કરી ભાલુ અપાવ્યું હતું. મૂળ જ્વેલિન થ્રોનો ભાલો 1.5 લાખ રૂપિયાનો આવે છે, પણ નીરજ ચોપરાના પરિવાર પાસે એકસામટા એટલા રૂપિયા નહોતા. જેથી સાત હજારના ભાલાથી શરૂઆતમાં કામ ચલાવવું પડ્યું હતું. નીરજ સૌ પ્રથમ વખત હાઈલાઈટ થયો જૂનિયરમાં વિશ્વ રેકોર્ડ બનાવીને. 2016માં જૂનિયર વિશ્વ ચેમ્પિયનશિપમાં 86.48મીટરનો અંડર-20નો વિશ્વ રેકોર્ડ રચી દીધો હતો. આ ઐતિહાસિક સુવર્ણપદક જીત્યા બાદ તે સમાચારમાં આવ્યો. એ પછી ગોલ્ડમેડલ સુધીની તેની સફર રહી.

નીરજને એકલવ્યમાં પણ ગણવો રહ્યો. તેની પાસે શરૂઆતના સમયમાં કોચ નહોતો. તેણે વીડિયો જોઈ પોતાની ક્ષતિઓને દૂર કરવાનો પ્રયત્ન કર્યો હતો. યુટ્યુબ પર જ્વેલિન થ્રોનાં નિષ્ણાતો શું શું કહે છે? તે જોઈ જોઈ તેણે પોતાની નબળાઈ દૂર કરી નાખી. 2017માં સૈન્યની સાથે જોડાયા. નીરજે કહ્યું હતું કે, અમે ખેડૂત હતા. પરિવારમાં કોઈની પાસે સરકારી નોકરી નહોતી. પરિવાર તો ખૂબ મુશ્કેલથી મારો સાથ આપી શકતું હતું. હવે રાહત છે કે પ્રશિક્ષણ પણ કરી શકું છું અને પરિવારની આર્થિક રીતે મદદ પણ કરી શકું છું.

આ આર્ટિકલની પૂર્ણાહુતિ પણ મિલ્ખા સિંહના ક્વોટથી જ કરીએ, કારણ કે નીરજે પણ ટ્રેક એન્ડ ફિલ્ડનો ગોલ્ડ મેડલ મિલ્ખાસિંહને જ અર્પણ કર્યો છે. નીરજ આર્મીમાં છે અને આર્મી માટે મિલ્ખા સિંહે કહ્યું છે, આર્મી દેશના સૌથી શ્રેષ્ઠ ખેલાડીઓ બનાવે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments