Team Chabuk-Sports Desk: પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ફખર ઝમાને 155 બોલમાં 193 રનની વિસ્ફોટક ઈનિંગ રમી, પણ નિરાશાજનક વાત એ છે કે આટલી મોટી ઈનિંગ રમવા છતાં પાકિસ્તાનની ટીમને 17 રનથી હારનો સામનો કરવો પડ્યો. ટીમના મોઢે આવેલો જીતનો પ્યાલો વિકેટકિપર ડિકોકની કરામતથી છિનવાઈ ગયો.
મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટીંગ કરતાં 6 વિકેટના નુકસાન પર 341 રનનો પહાડ ઊભો કર્યો હતો. પ્રવાસી ટીમને હરાવવા અને હંફાવવા માટે આટલા રન યોગ્ય લાગી રહ્યા હતા ત્યાં ફખર ઝમાનની શાનદાર બેટીંગે સાઉથ આફ્રિકાની ટીમને ધોળા દિવસે તારા બતાવી દીધા. જોકે ક્લાઈમેક્સમાં પાકિસ્તાનની ટીમ પટકાઈ હતી અને જીતી નહોતી શકી. ટીમે 324 રન જ બનાવી શકી હતી.
આ મેચમાં પાકિસ્તાની ક્રિકેટર ફખર ઝમાને બેવડી સેન્ચુરી ફટકારવાથી ચૂકી ગયો હતો. જોકે તેણે લક્ષ્યનો પીછો કરતા સર્વાધિક વ્યક્તિગત સ્કોર બનાવ્યો હતો. આ પહેલા આ કિર્તીમાન ઓસ્ટ્રેલિયાના શેન વોટ્સનના નામે હતો. 2011માં બાંગ્લાદેશ સામે ટાર્ગેટનો પીછો કરવા માટે ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનરે કુલ 185 રન બનાવ્યા હતા. જે પછી હવે 193 રન નવો રેકોર્ડ છે.
ફખર ઝમાન આ મેચમાં ક્વિન્ટન ડિકોકની ફેક ફિલ્ડીંગનો શિકાર થયો હતો અને રન આઉટ થઈ ગયો હતો. ક્વિન્ટન ડીકોકે ફિલ્ડરની તરફ એવી રીતે ઈશારો કર્યો કે બોલ નોન સ્ટ્રાઈકરની બાજુ ફેંકવામાં આવી રહી છે. આ કારણે ફખર ઝમાને રન લેતા સમયે ગતિ ધીમી કરી દીધી. એ પછી લોંગ ઓનથી ફિલ્ડરે સીધો થ્રો લગાવ્યો. જે સીધો જ સ્ટમ્પ પર આવીને લાગ્યો. ડિકોકની આ ફેક ફિલ્ડીંગ માટે આઈસીસીએ તેને અને કેપ્ટન ટેમ્બા બાવુમા બંનેને દંડ ફટકાર્યો છે.
ફખર ઝમાનને આ રીતે રનઆઉટ કરવા બદલ આઈસીસીએ નિયમ 41.5.1નાં આધારે દક્ષિણ આફ્રિકાના બંને ખેલાડીઓ પર જુર્માનો લગાવ્યો હતો. આઈસીસીએ આ ફેક ફિલ્ડીંગ માટે ક્વિન્ટન ડિકોક પર મેચ ફીની 75 ટકા અને કેપ્ટન ટેમ્બા બાવુમાની 20 ટકા ફી કાપી લીધી છે.
કેવી રીતે આઉટ થયો ?
ડિકોક આ મેચમાં ફિલ્ડરને નોન સ્ટ્રાઈકિંગ એન્ડની તરફ બોલ ફેંકવાનું કહે છે. એ તરફ હારિસ રાઉફ દોડી રહ્યો હતો. એવામાં ફખર ઝમાનની ગતિ ધીમી પડી ગઈ હતી. જ્યારે તેણે ફરીને નોન સ્ટ્રાકિંગ એન્ડની તરફ જોયું તો થ્રો તેની જ એન્ડ તરફ આવી રહ્યો છે. જ્યાં સુધી તે બેટને રેખા પાસે લાવતો ત્યાં સુધીમાં વિકેટ પડી ચૂકી હતી.
See The complete video how Quinton #dekock mislead #fakharzaman @ICC during Run out complete shame calling a cricket as a Gentleman game 😡😡😡 pic.twitter.com/E3eZLEsEz0
— Abhay (@Abhay4j) April 4, 2021
આઈસીસીનો નિયમ શું છે ?
2017નો કાયદો (MCC) 41 અનફેર પ્લે તરફ ઈશારો કરે છે. કાયદાનો કોડ 41.5 છે એટલે કે બેટ્સમેનનું ધ્યાન ભંગ કરવું. જે દગાબાજી કે સમસ્યાને દૂર કરવા માટે 41.5.1ની નીચે આવે છે. આ નિયમના આધારે, આ પ્રકારનો વ્યવહાર કોઈ પણ ક્ષેત્ર રક્ષક માટે અનુચિત છે. જો સમગ્ર ઘટનામાં અમ્પાયરને એવું લાગે કે ફિલ્ડર દ્વારા કોઈ ગરબડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો તે બંને તરફના કેપ્ટનને સૂચિત કરશે અને બાદમાં દોષિત પક્ષને પ રનની પેનલ્ટી આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. જોકે મેદાનમાં એવું નથી થયું. અહીં મેચ પૂર્ણ થયા બાદ સજા સંભળાવવામાં આવી છે.
જો અમ્પાયર મેદાનમાં સજા આપેત તો પાકિસ્તાનને પાંચ રન પણ મળેત અને કદાચ ફખર ઝમાન તેની ડબલ સેન્ચુરી પણ પૂર્ણ કરી શકેત. આ મેચમાં મેન ઓફ ધ મેચ રહેલા ફખર ઝમાને 155 બોલની ઈનિંગ દરમિયાન બીજી વિકેટ માટે કેપ્ટન બાબર આઝમ (31)ની સાથે 63 અને આઠમી વિકેટમાં શાહીન શાહ આફ્રિદી (05) સાથે 68 રનની ભાગીદારી નોંધવી છે.
તેણે છેલ્લી ઓવરમાં એડન માર્કરામના સીધા થ્રો પર રન આઉટ થતાં પહેલા 18 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 193 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાએ આ સાથે જ ત્રણ મેચની સિરીઝમાં 1-1ની બરાબરી કરી લીધી છે. પ્રથમ વનડે પાકિસ્તાને ત્રણ વિકેટથી જીતી હતી. હવે બંને ટીમ વચ્ચે નિર્ણાયક વનડે રમાશે.
તાજેતાજો ઘાણવો
- 5 દિવસમાં આધારકાર્ડ અપડેટ કરાવી લેજો નહીં તો ચુકવવી પડશે ફી
- રેશનકાર્ડ ધારક ઘરેબેઠાં આ ત્રણ રીતે કરાવી શકશે KYC, જાણો પ્રક્રિયા
- સરકારી નોકરીયાતોને ઘી-કેળા ! આ તારીખથી વધી શકે છે મોંઘવારી ભથ્થુ
- ભરૂચઃ સાપે ડંખ માર્યો તો ભૂવા પાસે લઈ ગયા, ભૂવાએ તાંત્રિકવિધી કરી, બાળકનું મોત
- આધારકાર્ડમાં સરનામું અપડેટ કરાવવા નથી કોઈ દસ્તાવેજની જરૂર, આ છે પ્રક્રિયા