Team Chabuk-Sports Desk: T20 વિશ્વકપ 2021માં ભારતીય ટીમને સતત બીજી મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. દુબઈમાં રમાયેલા કરો યા મરોના મેચમાં ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વકપની વિનિંગ સ્ટ્રાઈક જાળવી રાખતા ભારતને આઠ વિકેટે સજ્જડ પરાજય આપી દીધો હતો. હવે આ પરાજયની સાથે ભારતીય ટીમ સુપર-12માંથી બહાર થઈ જશે તેવો ખતરો માથે ભમી રહ્યો છે. દુબઈમાં ટોસ જીતી ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ભારતને પ્રથમ બેટીંગ માટે આમંત્રણ આપ્યું હતું. ઓપનિંગ બેટ્સમેન કેએલ. રાહુલ અને ઈશાન કિશન બંને ફ્લોપ સાબિત થયા હતા.
ત્રીજા ક્રમ પર બેટીંગ કરવા માટે ઉતરેલ રોહિત શર્મા પણ 14 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કોહલીએ નવ રન તો હાર્દિક પંડ્યાએ 23 રન બનાવ્યા હતા. રવીન્દ્ર જાડેજાએ 26 રનનું યોગદાન આપતા કોઈ રીતે ભારતીય ટીમ 20 ઓવરમાં 110 રન સુધી પહોંચી શકી હતી. ન્યૂઝીલેન્ડને 111 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ન્યૂઝીલેન્ડે 15મી ઓવર ચાલતી હતી ત્યારે જ 2 વિકેટના નુકસાન પર જીત પ્રાપ્ત કરી લીધી હતી.
ન્યૂઝીલેન્ડની તરફથી ડેરિલ મિચેલે 49 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન કેન વિલિયમસને નોટ આઉટ 33 રન બનાવ્યા હતા. ચાર ઓવરમાં 20 રન આપી ભારતના ત્રણ મહત્વના બેટ્સમેનોને આઉટ કરનાર ઈશ શોઢીને મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો હતો. પાકિસ્તાન બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ ટીમને મળેલા ભૂંડા પરાજય પછી ટીમની ખૂબ જ આલોચના થઈ રહી છે. એક પણ એવો વિભાગ નથી જ્યાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય. ટીમ ઈન્ડિયાના પરાજય ઉપર કેટલાય દિગ્ગજ ખેલાડીઓએ પ્રતિક્રિયા આપી છે.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ અફ્રિદીનું કહેવું છે કે, ભારતની પાસે હજુ પણ સેમીફાઈનલમાં જગ્યા બનાવવાની તક છે. પણ ટીમ ઈન્ડિયાએ પોતાના બે મોટા મેચમાં જે પ્રદર્શન કર્યું, તેમનું ક્વોલિફાઈ થવું ચમત્કારથી ઓછું નહીં હોય.
પાકિસ્તાનના ખેલાડી અઝહર અલીએ ભારતની હાર પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે, ભારત માટે કોઈ વસ્તુ યોગ્ય નથી દેખાઈ રહી. પણ અમે ઈચ્છીએ છીએ કે ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટમાં બની રહે. ટી ટ્વેન્ટી વિશ્વકપની શરુઆતમાં જ ભારતની ટીમ બહાર ફેંકાઈ જશે તો મજા નહીં.
ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી વીવીએસ લક્ષ્મણ ભારતના પરાજય બાદ નિરાશ જોવા મળ્યા હતા. લક્ષ્મણનું માનવું છે કે, આ પરાજય ટીમ ઈન્ડિયાને ખૂબ ડંખશે. બેટરોનું શોટ સિલેક્શન સવાલ ઉભા કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડે કમાલની બોલિંગ કરી. પણ ભારતે તેનું કામ સરળ કરી દીધું. આ જીતની સાથે ન્યૂઝીલેન્ડની નેટ રનરેટ પણ વધી ગઈ છે. એવામાં ભારત સેમીફાઈનલમાં જગ્યા બનાવે તે સપના જેવું લાગી રહ્યું છે.
ભારતીય ટીમના ખેલાડી હરભજનસિંહે ટીમ ઈન્ડિયાનો બચાવ કરતા કહ્યું છે કે, આપણે ટીમ ઈન્ડિયાને શ્રેષ્ઠ રમે છે એ રીતે જ ઓળખીએ છીએ. આ પ્રકારના પરાજયથી સૌથી વધારે ખેલાડીઓને દુખ થાય છે. ન્યૂઝીલેન્ડે શાનદાર પ્રદર્શન કરી જીત પ્રાપ્ત કરી એ લોકો તમામ ડિપાર્ટમેન્ટમાં આપણાથી શ્રેષ્ઠ હતા.
રોબિન ઉથપ્પાએ લખ્યું છે કે, આજનો પરાજય નિરાશાજનક છે. બેટીંગ અનિશ્ચિત લાગી હતી. આપણે રમતમાં પાછળ રહ્યા. ન્યૂઝીલેન્ડને ક્રેડિટ આપવી પડશે. જે ઉમદા રમતના આયોજન સાથે આવ્યા. સૌને વિનંતી છે કે ખેલાડીઓને સપોર્ટ કરતા રહે. એ લોકો પોતાનું શ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત