Homeગામનાં ચોરેઆજથી સંસદનું ચોમાસુ સત્ર, આ મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી

આજથી સંસદનું ચોમાસુ સત્ર, આ મુદ્દે વિપક્ષે સરકારને ઘેરવાની રણનીતિ બનાવી

Team Chabuk-National Desk: સંસદનું ચોમાસુ સત્ર (Monsoon Session) આજથી શરૂ થવા જઈ રહ્યું છે. ચોમાસુ સત્ર દરમિયાન કોરોનાની બીજી લહેર, મોંઘવારી અને ચીન સાથે જોડાયેલા મુદ્દાઓ પર હંગામો થવાની પૂરેપૂરી શક્યતા છે. આ ઉપરાંત બે અધ્યાદેશ પર સરકાર અને વિપક્ષ વચ્ચે તલવારો ખેંચાઈ શકે છે. અલગ અલગ મુદ્દાઓ પર વિપક્ષે સરકાર પર હુમલો કરવાની રણનીતિ બનાવી છે, જ્યારે સરકારે વિપક્ષના વારના જવાબમાં પલટવાર કરવાની રણનીતિ બનાવી છે.

ચોમાસુ સત્ર દરમિયાન મોદી સરકારનું આયોજન 14 નવા બિલ રજૂ કરવાનું અને ત્રણ વટહુકમ પર સંસદની મંજૂરી મેળવવાનું છે. આ ત્રણ વટહુકમમાંથી બે ઉપર પહેલાંથી જ વિવાદ ચાલી રહ્યો છે. સરકાર આવશ્યક રક્ષા સેવા વટહુકમ મારફતે ભારતીય સેના માટે હથિયાર, શસ્ત્રો અને દારૂગોળો, વર્દી બનાવતા આયુધ કારખાનામાં હડતાળને ગેરકાનુની જાહેર કરી દીધી છે. આ વટહુકમમાં હડતાળ પાડનાર માટે બે વર્ષની સજાનો પણ ઉલ્લેક છે. આ વટહુકમનો ઘણા મજૂર સંઘ ઉપરાંત સહાયક સંસ્થા ભારતીય મજદૂર સંઘે પણ વિરોધ કર્યો છે. હવે સરકાર ચોમાસુ સત્રમાં આ વટહુકમને કાયદાનું રૂપ દેવા માંગે છે.

આ ઉપરાંત કેન્દ્ર સરકાર પરાલી સળગાવવાની ઘટના પર રોક લગાવનાર વટહુકમને પણ કાયદાનું સ્વરૂપ આપવા ઇચ્છે છે. જો આ વટહૂકમ મંજૂર થઈ જશે તો દિલ્હી અને આસપાસના વિસ્તારમાં પરાલી સળગાવવા પર મોટો દંડ અને સજા થઈ શકે છે. આ વટહુકમનો ખેડૂત સંગઠનો લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.

સરકાર પર વાર કરવા વિપક્ષ તૈયાર

ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓ એકજૂટ થઈને અલગ અલગ મુદ્દે નિષ્ફળ રહેલી કેન્દ્ર સરકારને ઘેરવાની પૂરેપૂરી તૈયારીમાં છે. કોરોનાની બીજી લહેર દરમિયાન દેશભરમાં ફેલાયેલી અવ્યવસ્થા, વેક્સિનની અછત, લદ્દાખ સાથે જોડાયેલા એલએસી ઉપર ચાલી રહેલો તણાવ, પેટ્રોલ-ડીઝલના આસમાને પહોંચેલા ભાવ અને રાજ્યમાં નવી જનસંખ્યા નીતિ જેવા મુદ્દાઓ પર વિપક્ષે હુમલો કરવાની રણનીતિ બનાવી છે. સંસદ સત્ર દરમિયાન સરકાર પર એકજૂટ થઈને વાર કરવા માટે કોંગ્રેસ વિપક્ષી પાર્ટીઓ સાથે સતત સંપર્કમાં છે. સામે પક્ષે સરકારે પણ વિપક્ષના વારનો જવાબ આપવા માટેની તૈયારી કરી લીધી છે. સરકાર દ્વારા પીએમ કેર ફંડનો રાજ્યો દ્વારા યોગ્ય ઉપયોગ ન થવો, વેક્સિન સંદર્ભે ભ્રમ ફેલવવો, રાજ્ય સરકારો દ્વારા પેટ્રોલ-ડીઝલ પર ભારે ટેક્સ વસૂલવા જેવા મુદ્દાઓ ઉઠાવીને વિપક્ષને જવાબ આપવાની તૈયારી કરી છે.

આજથી શરૂ થઈ રહેલા ચોમાસુ સત્રમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ (TMC)ના સાંસદ સભ્યોએ પેટ્રોલ-ડીઝલલ અને એલપીજીના વધતા ભાવ વધારાનો વિરોધ કરવાની યોજના બનાવી છે. આજે ચોમાસુ સત્ર દરમિયાન તૃણમુલ કોંગ્રેસના સાંસદો સાયકલ લઈને સંસદ ભવન પહોંચીને પોતાનો વિરોધ નોંધાવશે.

કોંગ્રેસ આ મુદ્દાઓને ઉઠાવી શકે છે

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન કોંગ્રેસ કોરોના મહામારી, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતો, મોંઘવારી અને બેરોજગારી, કૃષિ કાયદા અને ખેડૂતોનું આંદોલન, ચીન સાથે સરહદ પર ચાલી રહેલો તણાવ અને રાફેલ જેવા મુદ્દાઓ ઉઠાવીને સરકાર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી શકે છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મલ્લિકાર્જુન ખડગેને બીજા વિપક્ષી દળોને ભરોસામાં લઈ સમન્વય સાધવાની જવાબદારી સોંપી છે. ચોમાસુ સત્ર દરમિયાન સૌથી મોટો હોબાળો ખેડૂત આંદોલન મુદ્દે થવાની સંભાવના દેખાઈ રહી છે. ખેડૂતો છેલ્લા ઘણા મહિનાથી આંદોલન કરી રહ્યા છે. ખેડૂત આંદોલન દરમિયાન ઘણા ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા છે. બીજી તરફ સરકાર કહી રહી છે કે, ખેડૂતોના મુદ્દે બિઝનેસ એડવાઈઝરી કમિટી જે પણ નિર્ણય લેશે તે અમને માન્ય છે.

આ તરફ સંસદના ચોમાસુ સત્ર દરમિયાન ખેડૂત સંગઠનોએ પણ સંસદને ઘેરવાની જાહેરાત કરી છે. કૃષિ કાયદાને રદ કરવાની માંગ સાથે ખેડૂત સંગઠનો દ્વારા 22 જુલાઈના રોજ સંસદનો ઘેરાવ કરવાની યોજના બનાવવામાં આવી છે. પરંતુ દિલ્હી પોલીસે આ અંગે મંજૂરી આપી નથી. તેથી આ મુદ્દે પણ હોબાળો થવાની શક્યતા છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments