ઝાલાવાડી જલજીરા: ફરહાન અખ્તર એ વ્યક્તિ વિશેષ છે જે કેરેક્ટરને પાંસળી તૂટી જાય તેવી મહેનત કરી બનાવે છે. ભાગ મિલ્ખા ભાગમાં મિલ્ખા સિંહ બનવું અને તુફાનમાં બોક્સર અજીજ અલી બનવું, આ બે પાત્રો તેના ઉત્તમ નમૂના છે. સિમ્પલ સ્ટોરી છે. કોઈ ગૂંચવાડો પેદા નથી થતો. સ્પોર્ટ્સના શોખીન અને ભૂતકાળમાં ભાગ મિલ્ખા ભાગ જેવી અદભુત સ્પોર્ટ્સ બાયોપિક બનાવી ચૂકેલા દિગ્દર્શક રાકેશ ઓમ પ્રકાશ મહેરા છે. દિગ્દર્શક પર પહેલાથી પ્રેશર બનેલું હતું. એક્ટર-ડિરેક્ટરની જોડી જે ક્લાસિક સ્પોર્ટ્સ બાયોપિક ડ્રામા આપી ચૂકી છે, તે આ પણ સરસ આપશે એવું પ્રેશર. આ દબાણમાંથી દિગ્દર્શક રાકેશ ઓમ પ્રકાશ મહેરા અને અભિનેતા ફરહાન અખ્તર આ વખતે એટલા માર્ક સાથે પાસ નથી થયા.
જેણે ભાગ મિલ્ખા ભાગ જોઈ છે તે તુફાનની તુલના તેની સાથે કર્યા વિના નથી રહી શકવાનો. ટીઝર, ટ્રેલર અને કાસ્ટથી ફિલ્મ અદભુત લાગી રહી હતી. ફરહાનની મહેનત ઝળહળ રહી હતી. તેના સિક્સ પેક એબ્સ, તેની બોડી, ઉપરથી અગાઉ સ્પોર્ટ્સ ડ્રામામાં તેણે મેળવેલા ડિસ્ટીક્શન માર્ક… આ બધુ તુફાનને કંઈ નહીં તો માઉથ પબ્લિસિટીથી હીટ કરવા માટે પૂરતું હતું.
ફિલ્મ બાયોપિક નથી એટલે તેણે ઘણા એવા મુદ્દાઓને સ્પર્શ્યા છે જે વર્તમાન સમયે રાજકીય રીતે દેશમાં ઘટી રહ્યા છે. અર્થાત્ કાલ્પનિક કથામાં પણ વાસ્તવિકતાનું દહીં જમાવવામાં આવ્યું છે. ફિલ્મ લવ જેહાદના મુદ્દાને સ્પર્શતિ હોવા છતાં આપણી આંખ સામે પતંગિયા જેવો સુંદર મેસેજ છોડતી જાય છે. અજીજ અલીને બુદ્ધિમાન મુસ્લિમ તરીકે રજૂ કરવામાં આવ્યો છે. હિન્દુ અને મુસ્લિમોને લઈ અભિનેતા પરેશ રાવલ જે ફિલ્મમાં કોચ નાના પ્રભુ બન્યા છે અને તેમના પાડોશી મિત્રના રોલમાં મોહન અગાશે જે બાલા કાકા બન્યા છે તેમની વચ્ચે હુંસાતુસી થાય છે.
આ ફિલ્મમાં પરેશ રાવલ અને મોહન અગાશે વચ્ચે થયેલા સંવાદમાં ધર્મની જે ફિલોસોફી સમજાવવામાં આવી તે વર્તમાન સમયે ભારત જેવા બિનસાંપ્રદાયિક દેશે ગળે ઉતારી પેટમાં સાચવી રાખવાની જરૂર છે. તમે જે કામ કરો છો એ તમારો ધર્મ છે. ધર્મ વ્યક્તિથી નહીં કામથી બને. દેશમાં મુસ્લિમો પ્રત્યે જે વાતાવરણ, ખાસ તો સોશિયલ મીડિયાના કારણે કારણ વિનાનું ઊભું થયું છે, તેને ફિલ્મના માધ્યમથી હળવું બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. મુસ્લિમ અજીજ અલી અને રોલ પ્લે કરનાર પણ ફરહાન અખ્તર છે, તે નાના પ્રભુના પ્રિય વાક્ય જય હનુમાનને બોલે છે.
મુલ્ક ફિલ્મમાં દિગ્દર્શક અનુભવ સિન્હા જે લકીરને સ્પર્શ્યા હતા અને એક સુંદર સંદેશ આપ્યો હતો, તેને તુફાન સ્પર્શવા ઈચ્છતી હોવા છતાં પણ સ્પર્શી નથી શકતી, કારણ કે ફિલ્મનો મોટો ભાગ અજીજ અલીની બોક્સિંગ કારકિર્દીના ઉતાર અને ચડાવ વચ્ચે હીંચકા ખાય છે. દિગ્દર્શક રાકેશ ઓમ પ્રકાશ મહેરા કોચ નાના પ્રભુના અતિતને વારંવાર પરેશ રાવલના અભિનય થકી દર્શકની સામે લાવે છે. પરેશની અભિનય સજ્જતા અને ક્ષમતા એ દૃશ્યને પૂરવાર પણ કરી બતાવે છે. જોકે નિરાશાજનક વાત એ રહે છે કે એ ભૂતકાળને એટલા વિસ્તૃત પટ પર નથી દેખાડી શકાયો.
ફિલ્મની પટકથા એક વેબસિરીઝને લાયક હતી, જેમાં અજીજ અલીનું બોક્સિંગ કરિયર, હિન્દુ-મુસ્લિમ પ્રેમ, નાના પ્રભુનો ઉજરડા ભરેલો ભૂતકાળ, બોક્સિંગમાં ચાલતી રાજ-રમત, ડોંગરીનું જીવન, મહારાષ્ટ્રની પુલ પર બનેલી એ ગોઝારી ઘટના. કમ સે કમ 50 મિનિટની સમયઅવધિ સાથે 8 એપિસોડની સિરીઝ તો બનેત જ. આવું હવે આપણને એટલા માટે લાગવા લાગ્યું છે, કારણ કે આપણે ફિલ્મો કરતા વેબ સિરીઝ વધારે જોઈએ છીએ. જેમાં વાર્તાનું ઉંડાણ હોય છે. પાત્રને ખુલવાની છૂટ વેબ સિરીઝમાં મળે છે, ફિલ્મમાં મળતી નથી.
રાકેશ આમ પણ લાંબી ફિલ્મો બનાવે છે. 157 મિનિટ લાંબી રંગ દે બસંતી, 140 મિનિટની દિલ્હી-6 અને 189 મિનિટની ભાગ મિલ્ખા ભાગ. તુફાન 161 મિનિટની ફિલ્મ છે. લાગે છે કે રાકેશને ફિલ્મમાં નાની નાની તમામ વસ્તુઓ કહી દેવી છે, પણ આ વખતે તેઓ સફળ નથી થયા.
મુક્કાબાજ ફિલ્મ જોવા લાયક રહી કારણ કે તેની પટકથા મુખ્યત્વે લવ સ્ટોરી અને બોક્સિંગ પોલિટિક્સ પર જ આધારિત હતી. ડિરેક્ટર અનુરાગ કશ્યપને વધારે ઘટનાઓ સાથે ખેલ નહોતો પાડવાનો. તુફાનમાં એક સાથે અઢળક ઘટનાઓ ચાલે છે. એમાંથી માંડ એક બે ઘટનાઓ તમારા હ્રદયને સ્પર્શે છે. ખૂબ મહેનત છતાં દુખદ દૃશ્યોમાં પણ સંવેદનાનું ઝરણું નથી વહેતું. મિલ્ખા બની ફરહાન દોડતો ત્યારે આપણા શરીરમાં કરંટ વ્યાપી જતો એવું અહીં બોક્સિંગની રમતમાં નથી થતું એ દુ:ખદાખયક છે.
દરેક પાત્ર અભિનયમાં ઉસ્તાદ છે. રાકેશ ઓમ પ્રકાશ મહેરાએ પણ હાથ અજમાવ્યો છે. ખાસ, ફરહાન અખ્તરના અભિનયને અને તેની મહેનતને જોયા બાદ એક વખત તાળીઓ પાડવી જ પડે. મુક્કાબાજમાં વિનીત સિંહ બાદ તેણે રિયલ બોક્સિંગ આપણી સમક્ષ રાખી છે. એ પાત્ર પ્રવેશની સાથે સાથે કિરદારના જીવનમાં આવેલા શારીરિક પરિવર્તનને પણ નખશીખ સ્ક્રિન પર ઉતારે છે. ક્યાં યંગ દેખાવા શરીર પાતળું રાખવું, ઉંમરલાયક દેખાવા શરીર સ્થૂળ બનાવવું અને ફરી પીઢ બોક્સર દેખાવા શરીરને માઈક ટાઈસનની જેમ તગડું બનાવવું.
સૌથી સારા સંવાદો કોચ નાના પ્રભુ બનતા પરેશ રાવલની પાસે છે. એ સિવાય કોઈ પણ અભિનેતા પાસે એવો મજબૂત સંવાદ નથી કે ફિલ્મ યાદગાર બની જાય. આ ફિલ્મ પટકથામાં તો ક્યાંક ક્યાંક છૂટી જ જાય છે પણ સંગીતમાં ય તેની પકડ ઢીલી પડે છે. રાકેશની જ ભાગ મિલ્ખા ભાગ કે રંગ દે બસંતી કે દિલ્હી-6 ફિલ્મમાં જે સંગીત હતું તેવું દૂર દૂર સુધી દેખાતું નથી. ખૂબ નબળા ગીતો લખાયા છે, ખૂબ નબળું સંગીત પીરસાયું છે. સિવાય કે તુફાન ટાઈટલ ટ્રેક જે શરૂઆતમાં આવી જાય છે, પછી સંગીતમાં તો દી દઈ દીધા. બેકગ્રાઊન્ડમાં પણ એટલી ધડબડાટી નથી બોલતી.
તોપણ હિન્દી સિનેમામાં જે દુકાળની સ્થિતિ છે તેની સાપેક્ષે તુફાન જોવા લાયક તો કહેવાય. મેકર્સની ઈમેજ એવી છે કે શરૂ કર્યા પછી સાવ મૂકી દેવાનું તો મન નથી જ થતું. આમેય બોલિવુડને હાલ દક્ષિણનો તુફાન વધારે નડી રહ્યો છે. ત્યાંની ફિલ્મોની રિમેક બનાવવા સિવાય હવે કંઈ મૌલિક ઉપજી નથી રહ્યું. કોરોના બાદ તો હિન્દી સિનેમામાં 90 ટકા ઢંગધડા વગરની ફિલ્મો આવી. ધડ માથા વગરની! જે યા તો કોઈ વિદેશીનીની રિમેક હતી… યા તો અત્યંત નબળી હતી. એ બધી હિન્દીની તુલનાએ તુફાન થોડી સારી છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત